હિરોઈન જ હીરો હોય એવી ફિલ્મો બનવાના પ્રમાણમાં ખાસ્સો વધારો થયો છે, પણ અભિનેત્રીને મળતા પૈસા બાબતે અસમાનતા આજે પણ કાયમ છે એવી હૈયાવરાળ પ્રિયંકા ચોપડા અને ભૂમિ પેડણેકરે કાઢી છે
કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી
પ્રિયંકા ચોપડા-જોનાસ અને ભૂમિ પેડણેકરે હીરો-હિરોઈનને આપવામાં આવતા મહેનતાણા અંગે જોવા મળતા ભેદભાવ પર ફરી એક વાર પ્રકાશ ફેંક્યો છે. તાજેતરમાં બીબીસીને આપેલી એક મુલાકાતમાં પ્રિયંકાએ કરેલી વાત જાણ્યા પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રી-પુરુષ સમાનતા તો એક સપનાથી વિશેષ કંઈ જ નથી એવી તમારી માન્યતા બની જાય તો નવાઈ નહીં લાગે. ૨૦ વર્ષની કારકિર્દીમાં પ્રિયંકાને પહેલી જ વાર પુરુષ કલાકાર જેટલી ફી ચૂકવવામાં આવી છે અને એ પણ હિન્દી ફિલ્મ નહીં બલકે આગામી અમેરિકન સાયન્સ ફિક્શન ટેલિવિઝન સિરીઝ ‘સિટાડેલ’ માટે. પ્રિયંકાનું કહેવું છે કે ‘બોલિવૂડમાં મને ક્યારેય સમાન વેતન નથી મળ્યું. સાચું કહું તો હીરોને જે રકમ મળતી એના ૧૦ ટકા જ ફીની હું હકદાર બનતી. તફાવત બહુ મોટો છે અને ઘણી અભિનેત્રીઓ એ ચલાવી લે છે. આજની તારીખમાં હું પણ જો હિન્દી ફિલ્મ સાઈન કરું તો મારે પણ એ ચલાવી લેવું પડે. જોકે મારી પેઢીની અભિનેત્રીઓ હીરોને અપાય એટલા જ પૈસા હિરોઈનને આપવા જોઈએ એવી માગણી કરતી રહી છે, પણ એ માગણી સ્વીકારાઈ નથી.’
પ્રિયંકાનો મુદ્દો ચર્ચામાં હતો ત્યારે ભૂમિ પેડણેકર, હુમા કુરેશી અને તમન્ના ભાટિયાએ પણ પેમેન્ટના ભેદભાવ વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. હુમા કુરેશી અને તમન્ના ભાટિયા આજની તારીખમાં એવું સ્થાન કે લોકપ્રિયતા નથી ધરાવતાં કે તેમને હીરો જેટલા પૈસા મળે, પણ ભૂમિની વાત વિચારવા જેવી છે. પહેલી જ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી દમદાર અભિનેત્રી સાબિત થયેલી ભૂમિનું કહેવું છે કે ‘મારા પુરુષ સહકલાકાર જેટલી જ ૧૦૦-૨૦૦ કરોડની ફિલ્મ મેં આપી હોય અને મારા કામની ભરપૂર પ્રશંસા થઈ હોય તો પણ હીરોને આપવામાં આવતા પૈસાની આસપાસની રકમ પણ મને ન ચૂકવવી એ જાણે કે શિરસ્તો બની ગયો છે. અમે માગણી કરીશું એનાથી કોઈ ફરક નહીં પડે, દરેક સ્તરે આ અસમાનતા દૂર થાય એ જરૂરી છે. હોલિવૂડમાં પણ આ ભેદભાવ હતો, પણ ત્યાં પુરુષ કલાકાર મહિલા કલાકારની પડખે ઊભા રહ્યા. હિરોઈનને સરખા પૈસા આપો અથવા તફાવત દૂર કરવા પોતાને મળતી રકમમાં કાપ મૂકવા તેમણે તૈયારી દેખાડી હતી. અલબત્ત, આપણે ત્યાં કોઈ પુરુષ કલાકાર અમારા પડખે ઊભો રહે એવી મારી અપેક્ષા નથી, પણ સહાનુભૂતિ વ્યક્ત થાય તોય ઘણું.’
અહીં શાહરુખ ખાને આ સંદર્ભમાં કરેલી વાતનો ઉલ્લેખ જરૂરી છે. કિંગ ખાને પણ પૈસાની ચુકવણીમાં રહેલા ભેદભાવ અંગે ભૂતકાળમાં અફસોસ વ્યક્ત કર્યો હતો. એનું કહેવું છે કે ‘સ્ત્રી-પુરુષ સમાનતાની મેં કાયમ તરફેણ કરી છે. યોગ્યતા અનુસાર, નહીં કે પુરુષ-સ્ત્રીના માપદંડથી કલાકારની રકમ નક્કી થવી જોઈએ એવું હું માનું છું. બંનેની કેટલીક સબળી તો કેટલીક નબળી બાબત હોય છે. પુરુષને બહેતર વ્યક્તિ બનાવવા નારી કાયમ તત્પર હોય છે. જોકે ખેદ સાથે કહેવું પડે છે કે મળવું જોઈએ એટલું વળતર એમને નથી મળતું. અનેક વાર એમની સાથે અન્યાય થયો છે.’
એકવીસમી સદીમાં મહિલાકેન્દ્રી ફિલ્મોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શોભાના ગાંઠિયા જેવી નાયિકાના રોલને બદલે સારી વાર્તા અને દમદાર પાત્રનો આગ્રહ હિરોઈન રાખે છે. વજનદાર ભૂમિકાની સાથે પર્સનું વજન પણ વધે એવા પૈસા એ માગતી થઈ ગઈ હતી. અલબત્ત, નટની સરખામણીમાં નટીને ઘણા ઓછા પૈસા ચૂકવાય છે એ વર્ષો જૂની જગજાહેર વાત છે. ‘સાંવરિયા’થી કારકિર્દીનો પ્રારંભ કરનાર સોનમ કપૂરની ‘નીરજા’ના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. પ્રશંસા મેળવી એ રાજી થઈને બેસી ન રહી. પુરુષ અને મહિલા કલાકારોને અપાતા મહેનતાણામાં ભેદભાવ ન હોવો જોઈએ એ વાત પર તેણે જોર આપ્યું હતું. ‘નીરજા’ની સફળતા પછી સોનમ કપૂરે ઑફર થયેલી ભૂમિકા દમદાર હોવા છતાં ચેકની રકમ ઓછી લાગતાં એ કરવાની ચોખ્ખી ના પાડી હતી. એની દલીલ હતી કે ‘એક ફિલ્મ માટે કહેણ આવ્યું હતું. વાર્તા મને ખૂબ ગમી હતી. મારું પાત્ર પ્રભાવિત હતું, પણ મને ખૂબ ઓછા પૈસા ઑફર કરવામાં આવ્યા હતા. એ લોકો સસ્તામાં વાત પતાવવા માગતા હતા. મને આ વાત ગમી નહીં એટલે મેં સ્પષ્ટ જણાવી દીધું કે આ મારી પ્રતિભાનો અનાદર છે. દસ વર્ષ ઇન્ડસ્ટ્રીમાં વિતાવ્યા પછી અને ‘નીરજા’ જેવી સારો એવો નફો રળી આપનારી ફિલ્મ આપ્યા પછી આવી મામૂલી ઑફર કરવાનો વિચાર જ તમે કઈ રીતે કરી શકો? આટલા ઓછા પૈસા આપીને કેમ મારી પાસેથી કામ કરાવવા માગો છો એ મને સમજાવો. મારી આ રજૂઆત પછી તેમણે શું કહ્યું જાણો છો? તેમણે દલીલ કરી કે ફલાણા સ્ટાર સાથેની અમારી છેલ્લી ફિલ્મ બોક્સ ઑફિસ પર નિષ્ફળ ગઈ હોવાથી અમારી પાસે ઝાઝા પૈસા નથી. આ વાત મને ખૂબ જ ખટકી અને એટલે મેં ચોખ્ખી ના પાડી દીધી.’
ઐશ્ર્વર્યા રાયે ‘જઝ્બા’ સાઇન કરી ત્યારે અમુક પૈસા ઉપરાંત ફિલ્મની કમાણીના હિસ્સામાં ભાગ માગ્યો હતો જે મંજૂર રાખવામાં આવ્યો હતો. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થતાં ઐશ્ર્વર્યાને પોતે લીધેલા નિર્ણયનો પસ્તાવો થયો કે કેમ એ આપણે નથી જાણતા, પણ હિરોઈનો નફામાં ભાગ માગે એ ટ્રેન્ડ શરૂ થશે એવું માનવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે કેટરીના કૈફે પણ આ શિરસ્તો અપનાવી લીધો છે. કાજોલે પણ ‘દિલવાલે’નો રોલ સ્વીકારતી વખતે નફામાં ભાગની શરત રાખી હતી. ચર્ચા તો ઘણી થાય છે, અભિપ્રાય સુધ્ધાં વ્યક્ત થાય છે, પણ અમલ જવલ્લે જ જોવા મળે છે.
——————-
આવડતના જોરે આમદની
આજની પેઢી માને છે કે કયા કલાકારને કેટલા પૈસા આપવા એ એની જાતિ પરથી નહીં, પણ આવડત પરથી નક્કી થવું જોઈએ. અગાઉ દીપિકા, તાપસી પન્નુ જેવી નાયિકાઓએ પણ આવા જ સૂરમાં રાગ છેડ્યો હતો. એવાં જૂજ ઉદાહરણ છે જ્યારે હિરોઈનને હીરો કરતાં વધુ પૈસા ચૂકવવામાં આવ્યા હોય. ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે દીપિકા પાદુકોણનું. માહિતી અનુસાર ‘પદ્માવત’ માટે દીપિકાને ૧૨ કરોડ આપવામાં આવ્યા હતા, જ્યારે હીરો રણવીર સિંહને ૭ કરોડ ચૂકવવામાં આવ્યા હતા. એ સિવાય અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પિકુ’ માટે તેમના કરતાં દીપિકાને વધુ પૈસા આપવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટ આજે તો પ્રથમ પંક્તિની હિરોઈન ગણાય છે. ફિલ્મદીઠ ૨૦-૨૫ કરોડ ચાર્જ કરે છે. મેઘના ગુલઝારની ‘રાઝી’ અભિનયની આવડત અને પૈસાની બાબતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે આલિયાને ૧૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે વિકી કૌશલને ૪ કરોડ મળ્યા હતા. કંગના રનોટ ઉત્કૃષ્ટ અભિનેત્રી છે અને કાબેલિયતને જોરે હીરો કરતાં વધુ પૈસા મેળવે છે. ‘રંગૂન’ માટે કંગનાને ફિલ્મના બે હીરો શાહિદ કપૂર અને સૈફ અલી ખાન કરતાં વધુ રકમ ચૂકવવામાં આવી હતી. ‘જજમેન્ટલ હૈ ક્યા’ માટે પણ રાજકુમાર રાવ કરતાં બમણી ફી એને મળી હતી. શ્રદ્ધા કપૂરને ‘છિછોરે’ અને ‘સ્ત્રી’ માટે અનુક્રમે સુશાંત સિંહ રાજપૂત અને રાજકુમાર રાવની સરખામણીમાં વધારે પેમેન્ટ મળ્યું હતું. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ‘ખુદા ગવાહ’ના શાનદાર પરફોર્મન્સ પછી શ્રીદેવી હીરો જેટલી જ રકમ પોતાને મળવી જોઈએ એવો આગ્રહ રાખતી થઈ હતી. એની માગણી સ્વીકારાઈ હતી અને કેટલીક ફિલ્મોમાં તો તેને હીરો કરતાં મોટી રકમનો ચેક મળ્યો હતો.