આજે ચોતરફ ‘ઈડી… ઈડી…’ના પોકાર ઊઠી રહ્યા છે. અત્યારે આ નામ જે રીતે ગાજ્યું છે એમ વાદ-વિવાદ-વિખવાદના વંટોળમાં અટવાયું પણ છે…
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
થોડા દિવસ પહેલાં જ દેશની પ્રમુખ તપાસ એજન્સી ‘સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન -સીબીઆઈ’ ની હીરક જયંતીની ઉજવણી થઈ. એના સમારોહ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ‘એ લોકો બહુ જ શક્તિશાળી છે, છતાં એક પણ ભ્રષ્ટાચારી તમારા સકંજામાંથી બચવો ન જોઈએ!’
‘સીબીઆઈ’ જેવી જ અન્ય એક સરકારી તપાસ એજન્સી છે ,જે ‘ઈડી’ના ટૂંકાક્ષરે ઓળખાય છે. આ ‘ઈડી’ એટલે કેન્દ્ર સરકારની ‘એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ’ એજન્સી.
કેન્દ્રમાં સરકાર કોઈ પણ પક્ષની હોય, પણ એના કટ્ટર વિપક્ષી- વિરોધીઓ હંમેશાં બૂમાબૂમ કરતા રહે છે કે અમને નાથવા-પરેશાન કરવા આવી સરકારી તપાસ એજન્સીઓનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે… સરકાર અને વિપક્ષોની એ બધી કાગારોળ-વાદ-વિવાદમાં આપણે અહીં ન પડીએ, પણ આર્થિક કૌભાંડ- ભ્રષ્ટાચારની ખબર લેતી જે ‘ઈડી’ એજન્સીનું નામ હમણાં જેટલું ગાજ્યું છે એટલું જ વગોવાયું પણ છે એટલે આપણે આ ‘ઈડી’નો ક્લોઝ-અપ લઈ એને જરા નજીકથી ઓળખી લઈએ…
૧૯૫૬થી કાર્યરત થયેલી આ એજન્સીની મુખ્ય નેમ તથા કામ છે બે નંબરી કાળાં નાણાંને ધોળા કરવાની ગેરકાનૂની પ્રવૃત્તિ આંતરી- એને અટકાવીને આવા આર્થિક ગુના આચરતા લોકોને ઝબ્બે કરવાનું . આ ઉપરાંત બીજી અનેક પ્રકારની આર્થિક ગોલમાલ પર પણ આ કેન્દ્રીય એજન્સી ચાંપતી નજર રાખે છે. આમ તો એનું મુખ્ય કાર્ય કોઈ પણ જાતના શાસક પક્ષના શેહમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે નાણાકીય ગોટાળાને રોકવાનું છે. આમ તો છેલ્લાં દોઢ- બે વર્ષથી ઈડીનું નામ એક યા બીજાં કારણસર વધુ ગાજી રહ્યું છે. ‘ઈકોનોમિક ઓફેન્સ’- આર્થિક ગુનાઓને ડામવાની એની કામગીરી કરતાં એની ડરામણી પ્રવૃત્તિઓને લીધે ઈડી વધુ વગોવાઈ રહી છે, પણ એક જમાનો એવો હતો કે કોઈ પણ બહુ ગાજેલા વિવાદાસ્પદ કેસની તપાસ ‘સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન’ – CBI કરે એવો રાજકીયથી લઈને સામાન્ય લોકોનો આગ્રહ રહેતો. સીબીઆઈ એક સ્વતંત્ર ગુનાશોધક એજન્સી છે એટલે એ નિષ્પક્ષ તપાસ કરી ગુનેગારને સજા અપાવી ન્યાય તોળશે એવી લોકમાન્યતા હતી. અમુક વર્ષ એ ટકી પણ ખરી, પરંતુ પાછળથી જે – તે સમયનો શાસક પક્ષ એનો વધુ પડતો ભળતો ઉપયોગ કરવા લાગ્યો પરિણામે સીબીઆઈની માન-મર્યાદા-આબરૂ પર એવો ધબ્બો લાગ્યો કે દેશની સર્વોચ્ચ અદાલતે તો સીબીઆઈને ‘સરકારી પોપટ’ તરીકે ઓળખાવીને એનું રીતસર જાહેરમાં વસ્ત્રહરણ કર્યું. ત્યારથી લોકોની નજરમાંથી આ એજન્સીની ઊતરી ગઈ છે.
સીબીઆઈની આવી બદનામી-અવદશા પછી ઈડી વધુ પ્રકાશમાં આવી. કેન્દ્ર સરકારની મુખ્ય ત્રણ તપાસ એજન્સી છે. એમાં ઈડી એક માત્ર એવી એજન્સી છે,જેણે કોઈની પણ તપાસ-ઊલટતપાસ કરવી હોય તો સરકાર પાસેથી આગોતરી મંજૂરી લેવી નથી પડતી માટે ઈડી પાસેથી તપાસ એજન્સી સીબીઆઈ જેવું જ કામ લેવાનું શરૂ થઈ ગયું. પરિણામે મનીલૉન્ડરિંગ- બેનંબરી નાણાંને કાયદેસર કરવાના ધંધાથી લઈને ડ્ર્ગ્સની હેરાફેરી કે પછી બીજા આર્થિક ભ્રષ્ટાચારના કહેવાતાં ગુના હેઠળની તપાસના મોટા ખેલ શરૂ થઈ ગયા.
એક જમાનામાં કૉંગ્રેસના શાસનને ‘દરોડા રાજ’ તરીકે ઓળખવામાં આવતું. એવા જ અદલોદલ માહોલ આજે ફરી ઈડીના નામે સર્જાઈ રહ્યો છે. એક યા બીજા આરોપસર એક પછી એક જે રીતે રેડ-છાપાં-દરોડાં પડી રહ્યાં છે એમાંથી અમુક સાચાં હોઈ પણ શકે,પરંતુ બ્લેકમનીનાં દૂષણને અટકાવીને એના અપરાધીને સજા ફટકારવાના જે બે કડક કાયદા થોડાં વર્ષ પૂર્વે અમલમાં આવ્યા એ પછી ઈડીએ જેટલાં પણ આડેધડ દરોડા પાડ્યાં એનો હિસાબ માંડો તો કોઈ ભળતું જ ચિત્ર સામે આવે છે. લોકસભાના અહેવાલ મુજબ છેલ્લાં ૨૧ વર્ષમાં ઈડી દ્વારા ૫૪૦૦થી વધુ કેસ નોંધવામાં આવ્યા પછી વર્ષોની લાંબી-પહોળી તપાસના અંતે માત્ર ૪૫ જ વ્યક્તિ સજા પાત્ર ઠરી છે! આનો સીધો અર્થ એ થયો કે ઈડી કહેવાતા દોષિતોના ગુના સાબિત કરવામાં અસમર્થ છે અને ખોટા કેસના ખડકલાં કરે છે અથવા તો બીજી ‘આપ-લે’ દ્વારા કેસને એવો કમજોર બનાવી દે કે ગુનેગાર સાવ નિર્દોષ છૂટી જાય!
બીજા શબ્દોમાં કહો તો અમે ભલભલાની શરમ રાખતા નથી- ‘શેહમાં આવતા નથી’ એવી ભયની ભૂતાવળ ખડી કરનારી તપાસ એજન્સી ઈડી ભ્રામક ચિત્ર ઊભું કરી રહી છે. છેલ્લાં ૯ વર્ષમાં સપાટો બોલાવીને ૧ લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાનો દાવો કરનારી ઈડી આર્થિક અપરાધીઓ સામે કેવી પાંગળી છે એનું સચોટ ઉદાહરણ કરોડો રૂપિયાનું કરીને દેશ છોડી ભાગી જનારા વિજય માલ્યા- નીરવ મોદી અને મેહુલ ચોકસી, ઈત્યાદિ છે.
‘ઈડીને એક સરકારી શસ્ત્ર તરીકે બેફામ વપરાઈ રહ્યું છે’ એવા આક્ષેપોની વાતમાં થોડું તથ્ય પણ લાગે. આંકડા તપાસીએ તો ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ઈડીએ માત્ર ૧૧૨ અને ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ૩૦૧૦થી પણ વધુ રેડ પાડી છે. એમાંય ૨૦૨૨ અને ૨૦૨૩ના આ છેલ્લાં ૪ મહિનામાં તો ઈડીની ‘દરોડા એક્સપ્રેસ’ની ઝડપ હજુ ને હજુ વધી રહી છે. ઈડીની આવી આડેધડ દરોડા પાડવા ઉપરાંત ધરપકડ કરવાની જોહુકમી સત્તા સામે ૨૪૨ અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એનો થોડા સમય પહેલાં ચુકાદો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે ઈડીના દરોડા-જપ્તિ તેમ જ ધરપકડ સાથે અન્ય અધિકારોને સત્તાવાર રીતે માન્ય રાખ્યા છે. ઈડીને આવી સુપ્રીમ માન્યતા મળતા વિપક્ષો બઘવાઈ ગયા છે તો ઈડીવાળા ગજબના ગેલમાં આવી ગયા છે.
જોવાનું એ રહે છે કે ઈડી હવે વધુ તીક્ષ્ણ થયેલા એના આવા નહોરથી ‘ભ્રષ્ટાચારીઓ’ પર કેવાંક ઊંડા ઉઝરડાં પાડે છે..! ઉ