અરવિંદ વેકરિયા
ઈશુનું નવું-વર્ષ શરૂ થઈ ગયું.. નવા-વર્ષનો આ પહેલો લેખ. સૌ વાચકોને નવા-વર્ષના અભિનંદન. આશા રાખીએ કે વિશ્ર્વમાં ફરી માથું ઊંચકનાર “કોરોના નામનો એરુ ભારતની જનતાને ન આભડે.
….તો..
“ઘેર ઘેર મમ્મીનું રાજ …આ નાટકમાં આટલું માથું ફોડ્યું, આટલી લમણાઝીંક કરી પણ… નયન ભટ્ટ આવ્યા..અમિત દિવેટિયાનું સ્થાન મારે લેવું પડ્યું.. આ નાટક માટે ઘનશ્યામ નાયકે પણ પોતાની જાત ઘસીને મહેનત કરી, સુખની કલ્પના કરી..પણ આ સુખની લાલચ જ દુ:ખને જન્મ આપતી હશે? નાટક ન ચાલ્યું, ખેર !
હા, એક વાત કહી દઉં ..મારે દેવયાની ઠક્કર સાથે ઘણા મતભેદો થયા, ઘણી માથાકૂટ થઇ. જો કે એ બધા મારામાં રહેલા સિદ્ધાંતો અને સંસ્કાર માટે હતી. એ પછી અમારા સંબંધ પહેલા હતા એવા જ લગભગ થઈ ગયા. એ પછી તો એક નાટક જોવામાં સાથે થઈ ગયાં. એ વખતે એમના હાથમાં પ્લાસ્ટર હતું. મેં એ બાબત પૂચ્છા પણ કરી. કામ બાબત સહજ વાત કરી તો મને કહે હવે તો મારી પાસે ફિલ્મો નામની જ છે. મારે લાયક કોઈ રોલ હોય તો મને જરૂર યાદ કરજો. પછી હસતા-હસતા કહે કે મારા એક ખરાબ અનુભવથી મને ભૂલી ન જતા. ફિલ્મ-નિર્માતાએ મને ક્લાયમેક્ષ માટે મને બહુ જ હેરાન કરેલી જેના છાંટા નહિ મોટી-મોટી છાલકો તમારા પર ઊડી, રાધર મેં ઉડાડી એ વાત તમે તો નહિ ભૂલો, હું પણ નહિ ભૂલું. મેં એમની વાત કાપતા કહ્યું કે દેવયાનીબેન, તમે મારા સિનિયર છો, એક અચ્છા નીવડેલા અદાકારા છો..એ સમય કદાચ આપણા બંને માટે સારો નહિ હોય. રહી વાત યાદ કરવાની, તો એ ખરાબ સમય મેં ક્યારનો મગજમાંથી ‘ડીલીટ’ કરી નાખ્યો છે. ‘ઘેર..ઘેર..’ ની એ આખી વાત હું ભૂલી ગયો છું. ખરેખર! વ્યવહાર એવી સીડી છે જેમાં તમે “મનમાં ઊંડા ઊતરી શકો, અને “મનથી પણ ઊતરી શકો. મેં મનમાં રાખ્યા છે તમને. આપણે આગળ ભવિષ્યમાં ચોક્કસ સાથે કામ કરીશું. જો કે આ અનુભવ પછી હું થોડો ચેતતો જરૂર થઇ ગયો. આવા અણધાર્યા સંજોગો ઊભા થાય તો શૉ રદ કરવાની હિંમત પણ હું કેળવી રહ્યો છું. ખેર!
મેં દેવયાનીબેનને સહજ રીતે સમજાવી દીધું.. “જુઓ બેન, જૂનું યાદ રાખીને સંબંધ પર ચોકડી મારી દેવાનો સ્વભાવ જ નથી. ઠીક છે, મજાક-મસ્તી જ ઓક્સિજનનું કામ કરે, બાકી અહીં તો પળે-પળે માણસો ઈર્ષ્યા અને નિંદાથી ગુંગળાતા હોય છે. આમ પણ આપણી રંગભૂમિ નાનકડા પરીઘ જેટલી છે, જરા આગળ વધો કે પાછા મળવાના જ. તો એવો ભાર મનમાં સંઘરીને ભારરૂપ શા માટે રહેવું..આપણે દોસ્ત હતા છીએ અને રહેશું. હા, વચ્ચે થોડો ખટરાગ ઊભો થયેલો પણ એને કાયમ માટે ગળે થોડો બાંધી રખાય? આપણી રંગભૂમિ ભલે હરીફાઈ વચ્ચે જીવતી હોય પણ જરૂર પડે એક થવાનું ખમીર રંગભૂમિમાં છે જે મેં જોયું છે.
નાટકને ચોક્કસ “ખૂણા મુજબ ઊભું રાખવું પડે. એક દિગ્દર્શક તરીકે, પ્રેક્ષકો અહીં પોતાના “એન્ગલથી જુવે છે. પ્રેક્ષકો તો ભગવાન છે પણ એક દિગ્દર્શક તરીકે હું એમની નાડ પારખી નથી શક્યો એ સત્ય હું સ્વીકારું છું. સત્ય સ્વીકારી લેવાનું કામ કમજોરોનું નથી, સાહસિક લોકોનું છે. ફરી હું તુષારભાઈનું નાટક રાજેન્દ્ર સાથે કરવાનું સાહસ વિચારી રહ્યો.
હવે મારું લક્ષ્ય માત્ર ‘નાટક’ કંઈ નહોતું. લગ્નની કંકોતરીમાં તમારું ધ્યાન સીધું ‘જમણવાર’ પર જાય તો માનવું કે તમારી અને મહાભારતનાં અર્જુનની આંખમાં બહુ જ જો ફરક નથી, હા.. હા… હા… હા…
બીજા દિવસથી મારી અને રાજેન્દ્ર શુકલની બેઠકો શરૂ થઇ ગઈ. એ મીટિંગમાં ક્યારેક નરહરિ જાની પણ આવતો. એ પણ આ નાટક વિષે શું વિચારેલું, એ વિચારો અમારા સાથે શૅર કરતો રહેતો.
મને સ્ક્રિપ્ટ ગમી… મારે લાયક મુખ્ય ભૂમિકા હતી. જાની જે પોતે એક વખત કરવાનો હતો, પણ પછી વચ્ચે “પપ્પાની સેક્રેટરી આવી ગઈ…! એ પછી અરવિંદ ત્રિવેદી (લંકેશ) અને વિજય દત્ત સાથે નરહરિ જાનીએ “શુભમ થીયેટરના બેનરમાં એક નિર્માતા તરીકે શ્રી ગણેશ કરેલા અને એનું પહેલું નાટક હતું “પરિવાર. એટલે એ સ્ક્રિપ્ટ મારી પાસે આવી અને રાજેન્દ્રએ મને મુખ્ય ભૂમિકા કરવા કહ્યું.
મેં કહ્યું કે નહિ દોસ્ત ! બને ત્યાં સુધી જે નાટક ડિરેક્ટ કરું એમાં હું રોલ કરતો નથી. કારણ માત્ર એટલું જ કે હું પૂરતું ધ્યાન રાખી શકું. અમિત દિવેટિયાનો રોલ કર્યો, પણ એ આવી પડેલા સંજોગોને સાંભળી લેવા. બાકી તું જો, “તિરાડ, “જીવન ચોપાટ, “સાળી સદ્ધર… કે પછી નિષ્ફળ નાટક “ઘેર ઘેર મમ્મીનું રાજ મેં ક્યારેય રોલ કર્યો છે? હા, એક લોભ ખરો કે મારું નાટક રજૂ થઇ જાય ત્યાર પછી બીજા દિગ્દર્શકોનો લાભ લઇ ભૂમિકા ભજવું. રાજેન્દ્રએ તરત કોલેજના દિવસો યાદ કરાવ્યા. મને કહે તે કોલેજમાં કેટલા મેડલો અને મેરિટ સર્ટિફિકેટ મેળવેલા એ ભૂલી ગયો? તું તો ટાઈમિંગનો કલાકાર છે યાર. ઘરે છોકરો હોય અને ગામની કાંખમાં ગોતવા શા માટે નીકળે છે? આખી દુનિયા જોનારી આંખ પોતાની આંખમાં પડેલું કણું જોઈ નથી શકતી એવું તારું છે. તું તારી પ્રતિભા ઓળખ. મેં કહ્યું, ” થેંક યુ દોસ્ત ! મારી પ્રતિભા બીજા કદાચ ઓળખે. પણ હું મારા નાટકની પ્રતિમા સુંદર રીતે ક્ન્ડારૂ એ મારી ધગશ છે, બાકી તો બધું પ્રેક્ષકો પર નિર્ભર છે, કદાચ પ્રતિભા આવકારે કે પછી કંડારેલી પ્રતિમાને જાકારો આપે, જે નિર્ણય પ્રેક્ષક-માઈ-બાપનો, આપણા માથા પર.
“આ જાડિયો નહિ માને જાની સામે રાજેન્દ્રએ હસતા કહ્યું. પછીના કાસ્ટિંગ વિષે વિચારતા મને કહે “હમણાં આઈ.એન.ટી. નાં નાટકો અહીં થાય છે, અમદાવાદ નથી. ચાલતાં નાટકોમાં કિશોર ભટ્ટનું નામ નથી આવતું.આ રોલમાં કિશોર ભટ્ટ એકદમ ફિટ છે.
મેં “ઘેર..ઘેર..નો તાજો દાખલો, કેવી રીતે નયન ભટ્ટને રિપ્લેશમેન્ટમાં લીધા ત્યારે પોતાની ‘ફિયાટ’ કારમાં એ અને કિશોર દવે, દેવયાનીબેનનો પક્ષ લઇ મને પ્રોડ્યુસર્સ ગીલ્ડમાં ફરિયાદ કરવાની ધમકી આપી ગયા હતા..એ વાત કરી. રાજેન્દ્ર કહે, “દોસ્ત, તું રંગભૂમિ અને કલાકારોને જાણે જ છે ને? અહીં કોઈ બાંધીને નથી રાખતું અને એ જ તો બ્યુટી છે.એ બધા ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે એટલે એક ફિલ્ડના હોવાને કારણે પક્ષ લે. કાલે નાટકમાં તારી સાથે એવું કંઈ બને તો હું અને જાની તારે પક્ષે ન આવીએ? પીઠ હંમેશાં મજબૂત રાખવી, દુનિયા શાબાશી અને ઘા ત્યાં જ આપે છે અને આ રોલ જ એવો છે કે કિશોર ભટ્ટ ના નહિ જ પાડે.
હું જરા ખંચકાયો. મારો એ ખંચકાટ પારખી રાજેન્દ્રએ કહ્યું, “તું એ મારા પર છોડી દે.કાલે આ નાટક
મઠારવા ઘરે જ છું. બપોરે હું મુંબઈ કોફી-હાઉસમાં મળી એમને બધી વાત કરી દઈશ. હમણાં ‘આવો મારી સાથે’ નાં બે એપિસોડ મેં લખેલા. કરસનકાકાનું એનું પાત્ર એટલું ગમ્યું કે એમણે વાંચીને મારી પીઠ પણ થાબડી. હું વાત કરી લઈશ. વધુમાં વધુ શું થશે, ના પાડશેને? પછી આગળ વિચારીશું. જો, બધા સારા રોલના ભૂખ્યા હોય છે. સમજે છે કે બદલો લેવા કરતા બદલાઈ જવામાં વધારે મજા છે અને આ વાત તું પણ સમજ, હું કાલે વાત કરી લઈશ.
ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાંખીના આતંકથી,
ડંખને પણ હવે એ મીઠો સ્પર્શ કહે છે, નજાકતથી.
——————————
બકો મિત્રો પાસે ફરિયાદ કરતા બોલ્યો..
બકો: મારી વાઈફના વિચારો અને મારા વિચારો મળતા જ નથી.
મિત્ર: કેમ શું થયું?
બકો: મારે આ વેકેશનમાં ગોવા જવું છે, બીચ પર ફરવું છે, કેસીનોમાં રમવું છે, ફેની પીને પડ્યા રહેવું છે. જલસા કરવા છે…
મિત્ર: તો તારી વાઈફને ક્યાં જવું છે?
બકો: એને મારી સાથે આવવું છે. ઉ