તિહાર જેલમાં ભૂખ હડતાળ પર બેઠો અલગતાવાદી નેતા યાસીન મલિક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તિહાર જેલના સેલ નંબર 7 માં બંધ કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક ભૂખ હડતાળ પર ઉતરી ગયો છે, એમ જેલના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. “મલિક શુક્રવાર સવારથી ભૂખ હડતાલ પર છે,” એક વરિષ્ઠ જેલ અધિકારીએજણાવ્યું હતું. મલિકને 2017ના ટેરર ​​ફંડિંગ કેસના સંબંધમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને એનઆઈએની વિશેષ અદાલતે 25 મેના રોજ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે તેમની ભૂખ હડતાલ પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. જોકે, જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે મલિક તેના કેસોની તપાસ કરી રહેલી એજન્સીઓ સામે વિરોધ કરી રહ્યો છે.
મલિક આરોપ લગાવી રહ્યો છે કે તેના કેસની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી નથી તેથી તે ભૂખ હડતાળ પર ઉતર્યો છે. નોંધનીય છે કે, મલિક માત્ર બહારની દુનિયાથી જ અલગ નથી, તેને જેલમાં લગભગ 13,000 કેદીઓથી દૂર જેલની અંદર પણ એકલો રાખવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર તેને જેલમાં કોઇ કામ સોંપવામાં આવ્યું નથી.
આ વર્ષે 15 જુલાઇના રોજ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીની બહેન અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મહમદ સઇદની પુત્રી રૂબિયા સઇદે 8 ડિસેમ્બર, 1989ના રોજ JKLFના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા તેના અપહરણના કેસના સંબંધમાં યાસીન મલિકની ઓળખ કરી હતી. રૂબિયાનું 8 ડિસેમ્બર, 1989માં અપહરણ કરવામાં આવ્યું હતું. તે સમયે કેન્દ્રમાં ભાજપ સર્થિત વી પી સિંહની સરકાર હતી. વી પી. સિંહ સરકારે પાંચ આતંકવાદીને મુક્ત કર્યા બાદ 13 ડિસેમ્બરે રૂબિયાને મુકત કરવામાં આવી હતી. માલિક આ કેસમાં આરોપી છે.
યાસીન મલિકે તિહાર જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. 23 ઑગસ્ટે જમ્મુ કોર્ટ આ કેસની સુનાવણી કરશે. એમાં પ્રત્યક્ષ હાજર રહેવા યાસીને વિનંતી કરી છે.
તિહાર જેલનો સેલ નંબર 7, તે હંમેશા ચર્ચામાં રહે છે કારણ કે તેમાં ભૂતપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજા, સહારાના વડા સુબ્રત રોય, ક્રિશ્ચિયન મિશેલ સહિત ઘણા ઉચ્ચ પ્રોફાઇલ કેદીઓ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.