યાકુબ મેમણની કબરનો વિવાદ: પોલીસે LED લાઈટો ઉખાડી નાખી, ઉદ્ધવ ઠાકરે પર ભાજપનો ગંભીર આરોપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષીત યાકુબ મેમણની કબરને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે શણગારેલી યાકુબ મેમણની કબરના ફોટો બહાર આવ્યા. આ મુદ્દાને લઈને ભાજપે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. આ મામલામાં હવે પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે યાકુબ મેમણની કબર પર લગાવેલી એલઈડી લાઈટો ઉખડી ફેંકી છે. યાકુબ મેમણની આ કબર બડા કબ્રસ્તાનમાં આવેલી છે.
ભાજપનો આરોપ છે કે જ્યારે ઉદ્ધવ ઠાકરે સરકારમાં હતા ત્યારે આતંકવાદી યાકુબની કબરને શણગારવામાં આવી હતી. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ગઈકાલ સુધી દાઉદ સમર્થક હતી, આજે તે દાઉદ પ્રચારક બની ગઈ છે. શિવસેનાએ યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને સાથ આપ્યો હતો. અસલમ શેખ જે મુંબઈના પ્રભારી મંત્રી હતા તેઓ આદિત્ય ઠાકરેને પોતાનો ભાઈ કહેતા હતા. આ જ અસલમ શેખે યાકુબને ફાંસી ન આપવાની માંગ કરી હતી. ભાજપે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કબરને મઝાર બનાવવામાં આવી રહી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પગલાં કેમ ન લીધા? શું ઉદ્ધવ ઠાકરે ટુકડે-ટુકડે ગેંગના દબાણમાં હતા?
ભાજપના નેતા રામ કદમે કહ્યું કે પાકિસ્તાનના ઈશારે 1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદી યાકુબ મેમણની કબર જ્યારે ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે મઝારમાં ફેરવાઈ ગઈ હતી. શું આ જ તેમનો મુંબઈ પ્રત્યેનો પ્રેમ અને દેશભક્તિ છે? શરદ પવાર, રાહુલ ગાંધી અને તેમણે મુંબઈની જનતાની માફી માંગવી જોઈએ.
આ અંગે BMC કમિશનર ઈકબાલ ચહલે કહ્યું કે બડા કબરિસ્તાન અમારા (BMC) જ્યુરીડિક્શન હેઠળ આવતું નથી, જેના કારણે અમે તેના પર કોઈ કાર્યવાહી કે તપાસ કરી શકતા નથી. આ એક ખાનગી મુસ્લિમ ટ્રસ્ટની જગ્યા છે. મુંબઈમાં બીજા ઘણા કબ્રસ્તાનો છે જે અમારા અધિકારક્ષેત્રમાં આવે છે, જો એમાં આવું કોઈ કબ્રસ્તાન હોત તો અમે તેની વિગતવાર તપાસ કરી હોત. આ બડા કબ્રસ્તાન જુમા મસ્જિદ ઓફ બોમ્બે ટ્રસ્ટના નામે છે.
બડા કબરીસ્તાનના ટ્રસ્ટી શોએબ ખતીબે આ સમગ્ર મામલે કહ્યું કે, આ સમાચાર સાચા નથી. શબેના જુલુસના દિવસે આ લાઈટ લગાવવામાં આવી હતી. ત્યાં યાકુબની કબર સિવાય 17 કબરો છે. સાત વર્ષ પહેલા માર્બલ લગાવવામાં આવ્યો છે. આ સમાચાર ખોટી રીતે ફેલાવવામાં આવ્યા છે. યાકુબ મેમણની કબર માટે કોઈ ખાસ ઇંતજામ કરવામાં આવ્યો નથી. અહીં મેમણની કબર પાસે એક ઝાડ પડી ગયું હતું, જેના પછી તેના પરિવારે તેને રિપેર કરવાની પરવાનગી માંગી હતી, ત્યારબાદ અમે તે મંજૂરી આપી હતી. ત્યાં અન્ય કારણોસર લાઇટ લગાવવામાં આવી છે, તે યાકુબ મેમણ માટે લગાવવામાં આવી ન હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ લાઇટો 18 માર્ચ 2022ના રોજ લગાવવામાં આવી હતી. શબે જુલુસનો દિવસ હતો. આ દિવસે લોકો પોતાના પૂર્વજોની કબરો પર જઈને પ્રાર્થના કરે છે કે તેઓએ જે પણ પાપ કર્યું હોય, જે ખોટું કર્યું હોય તે માફ થાય. બાકીના દિવસોમાં આ લાઇટનો ઉપયોગ થતો નથી. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.