યહાં ગલી ગલી મેં શોર હૈ કિ ચોર હૈ?

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ચોરી ને પછી સીનાજોરી આવડી જાય તો પોલિટિક્સમાં કેરિયર પાક્કી! (છેલવાણી)
૮૦ના દાયકામાં ‘અલગ ખાલિસ્તાન’, ‘અલગ કાશ્મીર’, ’અલગ સાઉથ-ઇંડિયા’ની વારંવાર માગ ઉઠતી અને સ્વાભાવિક રીતે દેશમાં એનો પ્રચંડ વિરોધ પણ થતો. એવામાં એકવાર ઉત્તર ભારતના કોઇ અવળચંડા નેતાએ મૂડમાં આવીને સંસદમાં ‘અલગ યુપી-બિહાર’ની માગણી કરી દીધી! ત્યારે વડા પ્રધાન વી.પી.સિંહે હસતાં હસતાં કહેલું, “ભાઇ, મહેરબાની કરીને તમે યુપી-બિહારવાળાઓ તો ભૂલથી પણ અલગ દેશની ડિમાંડ કરતા નહીં નહિતર આખો દેશ મળીને તરત ‘હા’ પાડી દેશે ને તમારે દેશ છોડીને ભાગવું પડશે! એવી તમારી આબરુ છે!
વિશ્ર્વ-વિજેતા નેપોલિયનના જીવનની જેમ યુપી-બિહારના ક્રાઇમ જગતની ડિક્શનેરીમાં પણ ‘ઇંપોસિબલ’ કે ’અસંભવ’ જેવો શબ્દ જ નથી! હમણાં બિહારમાંથી તસ્કરીના જે સમાચાર મળ્યા એના પર હસવું, રડવું કે ચૂપ રહેવું કે માથાના વાળ ખેંચવા એ જ સમજાતું નથી. હમણાં બે મહિના અગાઉ બિહારના સાસારામ ઇલાકામાં ૫૦૦ ટન વજનવાળા ૬૦ ફૂટ લાંબા ૧૨ ફૂટ ઊંચા આખેઆખા બ્રિજની ચોરી થઇ ગઇ! હદ તો એ વાતની છે કે આવી અદ્ભુત તસ્કરી કરનારાઓએ ખુદ સિંચાઇ વિભાગના કર્મચારીઓની મદદથી જ, આખા ગામને વિશ્ર્વાસમાં લઇને દિન દહાડે આ બ્રિજના ૩-૩ દિવસ સુધી ટુકડા કર્યા અને સૌની સામે ટ્રકમાં લાદીને બાઇજ્જત લઇ ગયા ને કોઇને ખબર સુધ્ધાં ના પડી!
બિહારના ગામડાને છોડો ત્રણેક વરસ અગાઉ સરકારના એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં કહેલું કે ખુદ રક્ષા મંત્રાલયમાંથી વિવાદાસ્પદ ’રાફેલ પ્લેનના સોદા’ને લગતા દસ્તવેજો ચોરી થઇ ગયા! આખા દેશની રક્ષા જેના હાથમાં હોય એવા સાક્ષાત્ રક્ષા મંત્રાલયમાં જ ચોરી થઇ જાય તો કોને કહેવું?(આ તો એવું થયું કે સાક્ષાત્ પોલીસ કમિશનરનું પાકીટ, કોઇ પોલીસ ચોકીમાં જ મારી જાય ને ખબર જ ના પડે!) રક્ષા મંત્રાલયમાં જ ચોરી- એ સિચ્યુએશન જ બહુ ફિલ્મી અને રમૂજી છે પણ દેશમાં હવે કશું પણ શક્ય છે. અગાઉ યુપીના આઝમખાન નામના કુખ્યાત નેતાની ૪ ભેંસો ચોરાઇ ગયેલી ત્યારે આખું પુલિસ ડિપાર્ટમેંટ ભેંસોને શોધવા લાગી પડેલું!
ઇંટરવલ: ચુરાનેવાલે તો આંખો સે કાજલ તક ચૂરા લેતે હૈં! (ફિલ્મી ડાયલોગ)
જોકે આપણું ગરવું ગુજરાત પણ કાંઇ પાછળ નથી. ૨૦૧૬માં અમદાવાદમાં એલિસબ્રિજ ફ્લાયઓવર પરથી ‘કવિ નાનાલાલ’ના નામની આરસની તકતી ચોરાઇ ગયેલી! કમાલ છેને? ચોરવાવાળાઓને કાંઇ નહીંને એક પ્રાચીન ગુજરાતી કવિની તકતી જ મળી? ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તે જે તું લઇ જા’ જેવી રચનાઓ લખનારા કવિ નાનાલાલને લોકો ‘રસકવિ’ પણ કહેતા પણ તસ્કર કે ચોરને કવિની તક્તીમાં ‘રસ’ પડશે એની અમને નહોતી ખબર! વળી જેમ ’ચોરી’ એક કળા છે એમ ‘કવિતા લખવી’ પણ એક કળા જ છે ને, આમ બે કળાનો અહીં સંગમ થયો ગણાય! (અને બીજાની કવિતા પરથી ચોરીને ‘કવિતા લખવી એ તો મહાકળા છે!) બંગાળમાં એક જમાનામાં ચોર લોકો, દીવાલમાં ખાતર પાડીને પાછા ત્યાં અવનવી ડિઝાઇન કરીને જતા! છે ને કમાલની તસ્કરી વિદ્યા?
વળી હમણાં કચ્છના માંડવીમાં શીતળા માતાના મંદિર પાસેથી ચોર લોકો રાતોરાત ૧ ડઝન સિમેંટના બાંકડા અને વીજળીના થાંભલા ચોરીને લઇ ગયા! (જોકે ચોરી કરતી વખતે એ બાંકડા પર બેઠેલા નગરજનોને પણ ઉઠાવી ગયા હશે કે કેમ એ વિશે કોઇ માહિતી નથી!)
એક જમાનામાં મુંબઇની બ્રિટિશ કાઉંસિલની લાઇબ્રેરી કે અમેરિકન સેંટરની લાઇબ્રેરીમાંથી,
ગુજરાતી નાટ્યલેખકો-નિર્દેશકો અંગ્રેજી નાટકોની ચોપડીઓ શર્ટમાં છૂપાવીને ચોરી જતા ને પછી એ જ નાટકોને ગુજરાતીમાં બનાવીને રંગદેવતાને અર્પણ કરતા! આ દેશમાં કૂવો ખોદવા માટે બેંક લોન લેનારાઓ જ્યારે સરકારી અધિકારીઓ ચેક કરવા આવે ત્યારે કહેતા હોય છે કે- “સાહેબ, કૂવો તો ચોરાઇ ગયો! ત્યાં સુધી તો ઠીક છે કેટલાક તો ત્યાં સુધી દાવો કરે છે કે- “આખેઆખું ખેતર ચોરાઇ ગયું છે! હવે બોલો!
ફરી યુપી-બિહાર પર આવીએ તો ૨૦૧૪માં ૨૫ ઓગસ્ટે યુ.પી.માંથી ગોરખપુર-મુઝફફર નગર પેસેંજર નામની આખેઆખી ટ્રેન જ ખોવાઇ કે ચોરાઇ ગયેલી! પછી છેક ૧૭ દિવસે ક્યાંક બિહારમાં મળી આવી ને ડબ્બાઓમાંથી પંખા, સીટ્સ જેવા સામાન ગાયબ હતા! થયેલું એવું કે એ ટ્રેનના ડબ્બા “ધુંધલી બાઝાર સ્ટેશન પર ખખડી ગયેલાં માટે ને એને બીજા પાટા પર ડાઇવર્ટ કરવામાં આવી ને પછી ક્યાં ગઇ ખબર જ ના પડી! ટ્રેન જુદી જ દિશામાં ચાલવા લાગી,મુસાફરો ઊતરીને જતા રહ્યા. ના તો કોઇએ ફરિયાદ નોંધાવી કે ના તો રેલવે ડિપાર્ટમેંટે તપાસ કરી! આખેઆખી ટ્રેઇન ખોવાઇ કે ચોરાઇ જાય એવું એવી અદ્ભુત ઘટના ભારતમાં ને તેમાંયે માત્ર યુ.પી.-બિહારમાં જ થઇ શકે!
એક વાર બે ચોરે ભેગા મળીને રાત્રે બેંકમાં મોટી લૂંટ કરી.પૈસા લૂંટીને ભાગતાં ભાગતાં થાકીને રાતે ઘરે આવ્યા ત્યારે એક ચોરે કહ્યું, ચાલ ગણી લઇએ કે કેટલો માલ હાથમાં આવ્યો?’ બીજા ચોરે ઠંડકથી કહ્યું,‘જવા દેને આપણે શું કામ મહેનત કરવાની? સવારે છાપામાં આંકડો વાંચી લઇશું!’ ને અરામથી બેઉ સૂઇ ગયા! વાતમાં લોજિક તો છે કે છાપામાં આંકડો તો આવશે જ, જેમ આવા રોમાંચક ન્યૂઝ આવે છે !
એંડ ટાઇટલ્સ:
આદમ: રાત્રે ઘરમાં ચોર આવેલો.
ઇવ: કાંઇ મૂકી ગયો?

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.