રોજ બરોજ -અભિમન્યુ મોદી
ભારતમાં કોઈ બાળકને પૂછો કે ચીન એટલે શું તો બાળક ટીકાઓનો વરસાદ કરશે. વયસ્કો તો ચીનનું નામ સાંભળીને છંછેડાઈ જાય છે. મહિલાઓમાં ‘ચાઈના’ શબ્દથી ભારોભાર રોષ જોવા મળે છે. છતાં ભારતમાં કોઈ ચીની ઉત્પાદન અને ચાઈનીઝ વાનગીનું સેવન બંધ નહીં કરે! કેમ? જીભને ચટાકો મળે છે એટલે?, ઘણાં ભોજનભૂખ્યાં ભારતીયો તો ગરીબ રેંકડીવાળાની જઠરાગ્નિ સંતોષાય એટલે ચાઈનીઝ
વાનગીઓનું ભક્ષણ કરવાની તરફેણ કરે છે. આ ભક્ષણ જ છે. જે દેશ દર ત્રીજા મહિના માતૃભૂમિની રક્ષા કરતા જવાનોની કામગીરીમાં કનડગત કરે, ભારતની ભૂમિને કબ્જે કરવાના ષડયંત્ર કરે, પાકિસ્તાન અને નેપાળને ભારત સાથે લડવા નવા-નવા મુદ્દા પ્રદાન કરે તેની પેદાશોને બહુધા ભારતીય પ્રજા નિયમિત ઉપયોગ કરે છે અને જયારે સરહદ પર વિવાદ ઉત્પન્ન થાય એટલે બોયકોટની બકવાસ કરે. ઘણાં તો બાપડાં નુડલ્સ વાળાની રેંકડી પર તૂટી પડે તો શું તેનાથી સરહદ વિવાદ અટકી
જવાનો છે?
ભારતની પ્રજાને એ વાતની ગંભીરતા જ નથી કે ચીન કારગિલ યુદ્ધની પેટર્નને અનુસરીને શિયાળાના શીતળ કાળમાં ઘૂસણખોરી કરે છે. એ પણ એવા પોઇન્ટ પર જ્યાં ઠંડી વધુ છે. ચીન નાના-મોટા છમકલાં કરે અને પછી મંત્રણા કરવા બેસી જાય ત્યારે પણ કોઈ દેશવાસી એ વિશે ચિંતન કે ચિંતા નથી કરતો કે જો ચીન ફરી ઘૂસણખોરી કરશે તો શું થશે? ફરી જવાનોને શહિદ કરશે તો સરહદ પર વસેલી ગ્રામ્ય પ્રજાનું શું? અને સરહદ કબજે કરી લીધી તો કાલે લોકોના ઘર પર આક્રમણ નહીં કરે? ભારતનો સમાવેશ નસીબદાર રાષ્ટ્રોમાં થાય છે. કારણ કે ભારતના જવાનો અફઘાનિસ્તાન જેવા નમાલા નથી કે દુશ્મનને નિહાળી રણછોડ બને. જવાનો તો જીવની આહુતિ આપી દે છતાં ચાઇનાને ભૂમિનું એક કણ પણ ન આપે. આ વાત કોઈના કર્ણ સુધી પહોંચતી નથી. દરેકને સોશિયલ મીડિયામાં ચાઈના વિરોધી પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવવો છે પરંતુ ચાઈનાના વલણ અંગે સતર્કતા નથી દાખવવી. તેનું તાજું ઉદાહરણ તવાંગ પર થયેલો તણાવ છે. ચીનથી અરુણાચલની ભૂમિ કબજે ન થઈ એટલે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને બોર્ડર વિસ્તારમાં શાંતિ મંત્રણા કરવાની વ્યક્ત કરી. શું આ પહેલી ઘટના છે જયારે ચીને ઘૂસણખોરી કરી હોય? ભારત અને ચીનની સરહદ પર શાંતિ જાળવવા બંને દેશો વચ્ચે સત્તાવારરીતે ૨૧ વખત મંત્રણાઓ થઇ છે. છતાં ચીન તો નિયમભંગ કરવાનો રેકોર્ડ બનાવે છે.
૧૯મી સદીના મધ્ય એશિયામાં બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે મહાસત્તા બનવાની હોડ લાગી હતી, જેને બ્રિટિશ કવિ અને લેખક રુડયાર્ડ કિપ્લિંગે ‘ધ ગ્રેટ ગેમ’ તરીકે ઓળખાવી હતી. આજે સમય અને સ્પર્ધકો બદલાયા છે, પણ શતરંજની મહારમત તો એ જ રહી છે. અગાઉની મહારમતમાં યુરોપીય સામ્રાજ્યો હતા અને હવે એશિયાના બે મહાન દેશ – ભારત અને ચીન વચ્ચે મહારમત ગોઠવાઈ છે, જેમાં ચીન પોતાના હિતો સર કરવા ભારતને ભરડામાં લેવાના સરહદ વિવાદ નામના પ્યાદા ચલાવી રહ્યું છે અને ભારત પોતાની રીતે સાવચેત બની રહ્યું છે. તવાંગ પરથી ચીનની પીછેહઠ પાછળ પણ તેની ચોક્કસ ગણતરીઓ નકારી શકાય નહિ. ભારત પર દબાણ સર્જવા ચીન એક સાથે અનેક મોહરાની શતરંજ ખેલતું રહ્યું છે. જોકે, ભારતે આ વખતે મજબૂતપણે તેના તમામ મોહરા અને ચાલને શિકસ્ત આપી છે.
ચીને વર્ષોથી સરહદો પર ભારે માળખાકીય વિકાસ કર્યો તેની સામે ભારતે પણ ગત વર્ષોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું છે પરિણામે, સૈનિકો અને શસ્ત્ર સરંજામની હેરફેર આસાન બની છે. ચીન તવાંગમાં ઘૂસણખોરી કરીને ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા જ લઇ રહ્યું હતું જેમાં તેને સફળતા હાંસલ થઈ નથી. ચીનની કોઇપણ અણછાજતી હરકતનો પ્રત્યુત્તર વાળવામાં ભારતે પાછીપાની કરી નથી. ચીને લશ્કર અને ટેન્કો તો ખડકી દીધા પરંતુ, તેની જાળવણી કરવી ભારે પડી છે. ભારતીય જવાનો અતિ ઊંચાઈએ, માઈનસ તાપમાનમાં જે મક્કમતાથી ફરજ બજાવી રહ્યા છે તેનો અનુભવ ચીનના સૈનિકોને જરા પણ નથી.
વિશ્ર્વતખતા પર અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાની સાથે વ્યુહાત્મક ચોકડી બનાવી ભારતે પેસિફિક ઓશન વિસ્તાર પર કબજો જમાવવાના ચીનના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પણ ભારતની તરફેણ કર્યા પછી ચીનને પ્રેશર સ્ટ્રેટેજી કામ નહિ લાગે તે સમજાઈ ગયું છે. ચીન ટ્રમ્પ શાસનગાળામાં અમેરિકા સાથે બગડેલા વેપારી અને રાજકીય સંબંધો સુધારવા માગે છે પરંતુ અમેરિકા તો શું વિશ્ર્વમાં કોરોના વાઈરસના કારણે ચીન વિશ્ર્વસનીય રહ્યું નથી. તેમાંય ચોથી લહેરમાં ચીનમાં મોતનું જે ભયાવહ તાંડવ ચાલી રહ્યું છે તેનાથી વિશ્ર્વને પણ બીજી લહેરની ભયાનકતાનો ભાસ થાય છે. આ વાત ભારતથી છૂપી નથી એટલે જ સરકારે હજુ સુધી ચીનની શાંતિ મંત્રણાના પ્રસ્તાવ પર કોઈ વિચાર વ્યક્ત નથી કર્યા
ચીનને શાંતી મંત્રણાની ઉતાવળ એટલા માટે છે કે તે તેની સરહદે સ્પર્શતા દેશોની સરહદ તે બળજબરી કરીને નક્કી કરવા માંગે છે. કેટલાક દેશો આ બાબતે બહુ રસ બતાવતા નથી પરંતુ ચીન સ્પષ્ટતા કરવા માંગે છે. ચીનની દાનતખોરી છે. તે પોતાના કબજાવાળી જમીનને પોતાના હસ્તકની ગણીને ત્યાં બોર્ડર લાઇન દોરવા માંગે છે. ભારત સાથે પણ ચીન જમીન કાયમ માટે હસ્તક કરી નાખવા માંગે છે.
સલામતીના ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધોથી ચીન નારાજ ચાલે છે. ચીન અવારનવાર અમેરિકાની ટીકા કરી ચૂક્યું છે. યુક્રેનના મુદ્દે ભારત સાથે મતભેદો હોવા છતાં અમેરિકાએ ભારત સાથે સંબંધો ચાલુ રાખ્યા છે. પશ્ર્ચિમના દેશોએ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની નીંદા કરવા કહ્યું તો પણ ભારત રશિયાની સાથે રહ્યું હતું અને ઓેઇલ રશિયા પાસેથી ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે અમેરિકા અને અન્ય દેશોના ભારત સાથેના સંબંધોમાં કોઇ તીરાડ પડી નહોતી. તેનાથી ભારતને છબી ખરાડાઇ નથી તેનો રંજ ચીનના સત્તાધીશોના ચહેરા પર નિહાળી શકાય છે.
ઈસુનું વર્ષ બદલાઈ રહ્યું છે અને વિશ્ર્વમાં રાજકીય પ્રવાહોનો સમય પણ બદલાઈ રહ્યો છે. એક સમયે ‘મદારી અને ફકીરોના દેશ’ ગણાયેલા ભારતની વિશ્ર્વમાં કોઈ ગણના જ થતી ન હતી. અમેરિકા, રશિયા હોય કે ચીન, બ્રિટન હોય કે ફ્રાન્સ, બધા દેશો પોતાની જરૂરિયાત પૂરી થાય એટલે ભારતને ડફણાં મારતા જરા પણ અચકાતા ન હતા. આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. ભારત કોઈપણ દેશ સામે પોતાનો મજબૂત અને નિર્ણાયક મત જાહેર કરતા અચકાતું નથી કારણ કે તે કોઈનું ખંડિયું રાજ્ય નથી, સાર્વભૌમ રાષ્ટ્ર છે. ચીન જતારે સરહદી વિવાદ આગળ ધરીને ભારતને ડારો દેવા તવાંગની સીમાએ સૈન્યનો જમાવડો કરી રહ્યું હતું. એ સમયે ભારતે પણ લશ્કર અને સામરિક સામગ્રી ખડકી દીધી છે. ભારતની ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ની નીતિએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ૧૯૬૨નું મજબૂર કે ગભરું ભારત નહિ પરંતુ આંખ કાઢનારની આંખોના ડોળા પણ ખેંચી શકે તેવું સક્ષમ ભારત છે.
હવે અચાનક ડ્રેગન યુદ્ધની વાત ભૂલીને શાંતિની મીઠી ભાષા બોલીને નવી રાજનીતિ કરવા જઈ રહ્યું છે. ભલે ચીન તવાંગ પરથી પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ, ચીનની કથની અને કરણીમાં હંમેશા અંતર રહ્યું છે. વર્ષ ૧૯૬૨માં પંચશીલ અને હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્ર્વાસ કરી શકાય એમ નથી. ચીનની માનસિકતા અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી ભારતે સાવધાની રાખવાની આવશ્યકતા છે. ચીને સદીઓથી સુનિયોજિત સરહદી ઉન્માદ અને વિસ્તારવાદી વ્યૂહરચના અપનાવ્યાં છે તેમાં રાતોરાત પરિવર્તન આવી ગયાની વાત કઈ રીતે સ્વીકારવી! ત્યારે જોવાનું રહેશે કે ભારત ચીનનો મંત્રણા પ્રસ્તાવ સ્વીકાશે કે નહિ?