એઆર રહેમાનનું ‘તે’ નિવેદન ચર્ચામાં
આ વર્ષના 95મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. ફિલ્મ આરઆરઆરના નાટુ-નાટુ ગીતે અને ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પુરસ્કાર વિજેતાઓની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા થાય છે. દરમિયાન, બે ઓસ્કાર જીતનાર એઆર રહેમાનનો એક ઈન્ટરવ્યુ હાલમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં તેમણે ભારતીય ફિલ્મોને ઓસ્કારમાં મોકલવા અંગે મોટું નિવેદન આપ્યું છે. બે ઓસ્કાર જીતનાર એ.આર.રહેમાનનો ઈન્ટરવ્યુ હાલમાં ચર્ચામાં છે. ઇન્ટરવ્યુમાં તેમણે ભારતીય ફિલ્મોને ઓસ્કારમાં મોકલવા અંગે મોટું નિવેદન આપ્યું છે. એઆર રહેમાનનો ઈન્ટરવ્યુ ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં તેમણે સંગીત વિશે ઘણી ટિપ્પણીઓ કરી છે.
આ ઈન્ટરવ્યુમાં જ્યારે એઆર રહેમાનને પૂછવામાં આવ્યું કે તેમણે ઘણા બધા સંગીતકારો અને ઓર્કેસ્ટ્રા સાથે સંગીત બનાવવાની જૂની રીત કેવી રીતે બદલી, ત્યારે રહેમાને જણાવ્યું હતું કે, ‘આ બધુ ટેક્નોલોજીના વિકાસને કારણે થયું છે. અગાઉ ફિલ્મ માટે માત્ર આઠ ટ્રેક હતા, પરંતુ હું જિંગલ બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હતો, તેથી મારી પાસે 16 ટ્રેક હતા અને હું તેની સાથે ઘણું બધું કરી શકતો હતો.’ તેમણે ઉમેર્યું કે, ‘તે દિવસોમાં ઓર્કેસ્ટ્રા મોંઘા હતા, પરંતુ હવે તમામ વાદ્યો નાના થઈ ગયા છે. આનાથી મને આ બધા વાદ્યો વસાવવાનો અને નવા નવા પ્રયોગ કરવાનો, નિષ્ફળ થવાનો અને વારંવાર પ્રયાસ કરવા માટેનો પુષ્કળ સમય મળ્યો. મારી નિષ્ફળતાઓની કોઈને ખબર નથી, લોકોએ માત્ર મારી સફળતાઓ જ જોઈ છે, કારણ કે મારી સફળતા સ્ટુડિયોમાં થઇ છે. ઘરના સ્ટુડિયોએ મને વારંવાર પ્રયાસ કરવાની, નિષ્ફળ જવાની અને ફરીથી પ્રયાસો કરતા રહેવાની સ્વતંત્રતા આપી હતી.’
ઓસ્કાર માટે પસંદ કરાયેલી ફિલ્મો વિશે એઆર રહેમાને કહ્યું હતું કે, ‘ક્યારેક હું જોઉં છું કે આપણી ફિલ્મો ઓસ્કારમાં જાય છે, પરંતુ એવોર્ડ નથી મળતા.’ તેમણે ઉમેર્યું, ‘ઓસ્કર માટે ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે. મને લાગે છે કે આવું બિલકુલ ન કરવું જોઈએ. આપણે સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારવું જોઈએ. આપણે જો ઓસ્કાર મેળવવાની ઇચ્છા રાખતા હોઇએ તો અહીં શું ચાલી રહ્યું છે તે જોવું અને સમજવું જોઇએ. એ માટે તમારે પશ્ચિમની જેમ વિચારવું પડશે.’ રહેમાને આ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આપણે આપણી જગ્યાએ રહીને આપણી રીતે વિચારીને આગળ વધવું જોઈએ.