સાહિત્યકાર ધીરુબહેન પટેલનું અવસાન

56

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના સર્જક ધીરુબહેન પટેલનું શુક્રવારે ૯૬ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. ધીરુબહેનનો જન્મ વડોદરાના ધર્મજમાં ૨૯ મે ૧૯૨૬ના રોજ થયો હતો. પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કૂલ સાંતાક્રુઝ મુંબઇ ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે વર્ષ ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને વર્ષ ૧૯૪૮માં એમ.એની ડિગ્રી મેળવી હતી.
મુંબઈ ખાતે પ્રાધ્યાપક તરીકેની આજીવન કારકિર્દી દરમ્યાન ધીરુબહેને મૂલ્યવાન અને પ્રાણવાન સાહિત્યનું પણ સર્જન કર્યું છે. તેમણે નવલિકા લઘુનવલ નવલકથા ચરિત્રનિબંધો હાસ્યકથાઓ બાળસાહિત્ય અનુવાદ અને કાવ્ય એવા સાહિત્યના લગભગ સઘળા પ્રકારોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. વર્ષ ૨૦૦૩-૨૦૦૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ધીરુબહેન રહ્યાં હતાં.
ધીરુબહેનનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. એમના સર્જન તરફ એક નજર નાખીએ તો ‘અધૂરો કોલ’ (૧૯૫૫) ‘એક લહર’ (૧૯૫૭) ‘વિશ્રંભકથા’ (૧૯૬૬) વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. આ વાર્તાઓમાં નારીસંવેદનાને ધીરૂબહેને વાચા આપી છે. ‘વડવાનલ’ (૧૯૬૩) ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬) ‘વાવંટોળ’ (૧૯૭૯) વમળ’ (૧૯૭૯) ‘કાદંબરીની મા’ ‘અતીતરાગ’ – એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
એમની કૃતિ પરથી કેતન મહેતા દિગ્દર્શિત ‘ભવની ભવાઇ’ ફિલ્મ બની છે. ‘હારુન અરુણ’ ફિલ્મ એમની બાળકથાને આધારે બની છે તો ફિલ્મ ‘મિશન મમ્મી’ પણ ધીરૂબહેનની વાર્તા પરથી પ્રેરિત છે.
ગુજરાતી સાહિત્યજગતમાં ધીરૂબહેનના પ્રદાનને ધ્યાનમાં લઇને વર્ષ ૧૯૮૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૫નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ અને એ પછી કાવ્યમુદ્રા ‘ઍવોર્ડ’થી ધીરુબહેનને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!