રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઈ મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ જંતર-મંતર પર ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠેલા કુસ્તીબાજો માટે રાત મુશ્કેલ બની ગઈ હતી. જોરદાર આંધીને કારણે જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોના તંબુઓ ઉડી ગયા હતા અને ત્યાર બાદ વરસાદને કારણે તેમના ગાદલા ભીના થઈ ગયા. આ મુશ્કેલી અંગે ઓલમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે ટ્વિટ કરીને કહ્યું કે આ મુશ્કેલ રાત પણ વીતી જશે.
સાક્ષી મલિકે ગઈ કાલે મોડી રાતે કરેલા ટ્વીટમાં લખ્યું કે, આજે વરસાદ અને તોફાનને કારણે અમારા તંબુ ઉખડી ગયા, આજે રાત્રે અમારે ભીના ગાદલા પર સૂવું પડશે પરંતુ અમે નાનપણથી જ મુશ્કેલીઓ જોઈ છે, આ મુશ્કેલ રાત પણ વીતી જશે. જંતર-મંતર પર બેઠેલા અમારા બધા કુસ્તીબાજો તરફથી બધાને શુભરાત્રિ.
बारिश और आँधी से आज हमारा टेंट उखड़ गया। गीले गद्दों पर सो रहे हैं आज रात। बचपन से कठिनाइयाँ देखी हैं, ये मुश्किल रात भी कट जाएगी। आप सभी को हम सब जंतर मंतर पर बैठे पहलवानों की तरफ़ से शुभरात्रि। 😊🙏 pic.twitter.com/zkMKeKTQsP
— Sakshee Malikkh (@SakshiMalik) May 25, 2023
કુસ્તીબાજોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે લખ્યું કે, વરસાદે આપણા માટે વાતાવરણ ખુશનુમાં બનાવ્યું હશે, પરંતુ એકવાર એ ચેમ્પિયન્સ વિશે વિચારો કે જેઓ આ વરસાદમાં પણ જંતર-મંતર પર બેઠેલા છે.
મેડલ વિજેતા કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. તેમનો આરોપ છે કે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે છોકરીઓનું યૌન શોષણ કર્યું છે, તેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. દિલ્હી પોલીસ આ મામલે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પરંતુ હજુ બ્રિજભૂષણની ધરપકડ નથી થઇ.
કુસ્તીબાજોની માંગ છે કે સાંસદ બ્રિજભૂષણની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જ્યાં સુધી તેમની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.