મુંબઈઃ કોરોના સંબંધિત નિયંત્રણો હટાવવામાં આવ્યા પછી મુંબઈ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં એકંદરે વધારો થયો નથી, પરંતુ ટ્રેનોમાં પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવાના ભાગરુપે પંદર કોચની વધુ બાર સર્વિસ વધારવામાં આવી છે, જે બારમી જાન્યુઆરીથી અમલી થશે.
12 કોચના બદલે પંદર કોચની સર્વિસ વધારવાથી પ્રત્યેક ટ્રેનમાં પેસેન્જર કેપેસિટીમાં 25 ટકાનો વધારો થશે, જેથી પ્રવાસીઓ ભીડ વગરની ટ્રેનમાં ટ્રાવેલ કરવાની સુવિધા મળશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. વિરાર/દાદરની ત્રણ, વિરાર-બોરીવલી બે, વસઈ રોડ-અંધેરી વચ્ચે અપ દિશામાં છ સર્વિસ વધારવામાં આવશે, જ્યારે ડાઉન લાઈનમાં દાદર-વિરાર વચ્ચે ત્રણ, બોરીવલીથી વસઈ રોડ એક, અંધેરી-વિરાર વચ્ચે એક, બોરીવલી-નાલાસોપારા વચ્ચે એક સર્વિસ વધશે. અલબત્ત, અપ એન્ડ ડાઉન એમ બંને દિશામાં છ-છ સર્વિસ વધારવામાં આવશે, જે બારમી જાન્યુઆરીથી અમલી થશે. પંદર કોચની સર્વિસ વધારવાને કારણે સૌથી વધારે ફાયદો પ્રવાસીઓને થશે, જેમાં બાર કોચના બદલે પંદર કોચની ટ્રેનમાં પેસેન્જર કેરિંગ કેપેસિટી પચીસ ટકા વધશે. પેસેન્જર કેરિંગ કેપેસિટીમાં એવરેજ પચીસ ટકાનો વધારો થવાને કારણે એકંદરે ટ્રેનોમાં ભીડ ઘટે છે, જ્યારે અકસ્માતનું પ્રમાણ ઘટે છે, જે બંને પક્ષે ફાયદાકારક બાબત છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું. હાલના તબક્કે પશ્ચિમ રેલવેમાં પંદર કોચની 132 સર્વિસ છે, પરંતુ બારમી જાન્યુઆરીથી નવી 12 સર્વિસ વધતા 144 સર્વિસ દોડાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.