વાહ રે કુદરતની લીલા: ‘છોડ’ અને ‘રણછોડ’ જ જાણે!

ઉત્સવ

મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: જ્યાં વિજ્ઞાનને પણ ના સમજાય ત્યાંથી શ્રદ્ધા આરંભાય (છેલવાણી)
જ્યાં અક્કલ કામ ના કરે ત્યાં વિજ્ઞાન કામ આવે જ્યાં વિજ્ઞાન પણ ના પહોંચે ત્યાં શ્રદ્ધા જન્મે. હમણાં એક ડૉક્યુમેંટરી માટે રિસર્ચ કરતાં કરતાં એવી વાતો જાણી કે જેના અમારી કે તમારી પાસે શું પણ આધુનિક વિજ્ઞાન પાસે પણ જવાબ નથી! લાજવાબ શબ્દનો અર્થ એ જ છે કરી દે એનો જવાબ કોઇ પાસે નથી.
જેમ કે-
દક્ષિણ આફ્રિકામાં એક એવો છોડ છે જે માણસની હાજરીમાં ખુશ થઇ જાય છે અને કોઈ પ્રાણીની હાજરીમાં ડરતો હોય ને છુપાતો હોય તેવું લાગે છે. આ છોડને એસિટિવ પ્લાન્ટ કહે છે. જયારે કોઈકની હાજરીથી તે ખુશ થાય છે ત્યારે તેની પાંદડીઓ ગાઢા રંગની થઈ જાય છે, પાંખડીઓ ફેલાઈ ને પહોળી થઈ જાય છે જાણે તે ખુદને ખોલીને પ્રસન્નતા વ્યક્ત ન કરતું હોય! કોઈની હાજરીથી તેને અણગમો થતો હોય ત્યારે રંગ ફિક્કો ગુલાબી થઈ જાય ને પાંદડીઓ સંકોચાઈ જાય છે. આપણે ત્યાં આવા વર્તનને લીધે જ અમુક છોડને લાજવંતી કે લજામણી કહે છે. જે માણસના સ્પર્શથી જ સંકોચાઇને સોળ વરસની ક્ધયા જેવું શરમાળપણું દેખાડો કરે છે! તો યારોં, આફ્રિકામાં વાયોલેટ નામની લજામણી થાય છે. ફરક એટલો જ કે તેના પર પાણીનું એક ટીપું પડે તો પાન સુકાઈ જતાં સુધી તે પાણીનો ડાઘ રહી જાય છે! ઉફ્ફ પ્રેમરંગ પાક્કો જ હોય એવું જ આ કૈંક છેને!
તો વળી યુરોપમાં ડેસ્મોડિયમ ટ્રાઈકવેટ્સ નામના છોડમાં સતત તાર કાપવાના મશીનના જેવી હિલચાલ થયા કરે છે. ત્રણથી આઠ ફુટ ઊંચા થતાં આ છોડનાં સંયુક્ત પાન એકીસાથે ત્રણ પાંદડીઓ બહાર કાઢે છે. વચલી પાંદડી મોટી હોય છે અને આજુબાજુની બે નાની. મોટી તો સામાન્ય હોય છે પણ નાની પાંદડીઓ તાર કાપવાના મશીન જેવો અવાજ કરે છે. જયારે ઉષ્ણતામાન ૭૨ ફેરનહાઇટ થાય છે ત્યારે જ પાન આવો અવાજ કાઢે છે. આ પાંદડીઓ પવન હોય કે ન હોય એ પોતાની ધરીની આસપાસ ગોળ ગોળ ફર્યા જ કરે છે. આ છોડ જરૂર મૂળે ગુજરાતનો હશે ને ગરબા રમવાની આદત હશે!
ઇંટરવલ:
પિયુ મારો, લીલો લજામણીનો છોડ!
ફ્રાંસમાં સોરગ્યુ નદીના સામે કિનારે અંજીરનું એક વૃક્ષ છે. કોઈ કારણ વિના દર વર્ષે માર્ચ માસમાં નદીના પાણીનું સ્તર જાતે જ વધે છે. નવાઈની વાત એ છે કે નદીનો પ્રવાહ-વિરુદ્ધ દિશામાં વહી ઊંચાઈ પર આવેલા અંજીરના ઝાડ તરફ જાય છે અને ઝાડને નવડાવી તે પાછું ફરે છે. દરેક માર્ચ માસમાં આવું બને છે. વૈજ્ઞાનિકો માટે હજુય આ રહસ્ય જ છે. એવિગ્રાનના લોકોમાં દંતકથા છે કે આ અંજીરનું વૃક્ષ યક્ષ છે અને નદી અપ્સરા છે જે કોઈ દેવતાના શાપને લીધે ફક્ત માર્ચ માસમાં જ યક્ષને મળી શકે છે. ઇનશોર્ટ, આવી દંતકથાઓ માત્ર આપણા દેશમાં જ હોય છે એવું નથી!
કોરિયાની કોયમ નદીના કિનારે નાકૂવાહા નામનો એક પથ્થર છે. સન ૯૯૦માં આ જગ્યાએ ચીનના રાજાએ હુમલો કર્યો. રાજાને કેદી બનાવી ચીન લઈ ગયો, રાણી તેમ જ અન્ય ૭૧ સ્ત્રીઓએ આ પથ્થર પરથી નદીમાં કૂદી પડી આપઘાત કર્યો. આ વાતને ૧૩૦૦-૧૪૦૦ વર્ષ વીતી ગયાં. દર વર્ષે આ પથ્થર પાસે એક જ જાતનાં ફક્ત ૭૧ છોડ એકીસાથે ઊગે છે! ઈતિહાસ કહે છે કે વસંત ઋતુના કોઈ ચોક્કસ દિવસે રાણીઓએ સમૂહ આપઘાત કરેલા! ને બરાબર તે જ દિવસે બધાં ૭૧ ફૂલ એકી સાથે નદીમાં પડી જાય છે! અહીં લોકોમાં એવો વિશ્ર્વાસ છે કે દરેક વરસે છોડના રૂપમાં રાણીઓ શરીર ધારણ કરે છે અને જોહરની ઘટનાનું પુનરાવર્તન કરતાં નદીમાં પડીને પ્રેરણા આપે છે કે- “ભલે મોત આવી જાય પણ અત્યાચાર સામે ઝુકશો નહીં! વાહ આપણી વીરાંગનાઓના બલિદાન જેવો શું અદ્ભુત ઇતિહાસ છે કે પછી માત્ર લોકકથા છે? ભૈ, એ તો પેલો ‘છોડ’ અને ‘રણછોડ’ જ જાણે!
પેગરેજ જવાળામુખી પર ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ રોયલ કોડસ્લિપ નામે એક છોડ પર જયારે ફૂલ ખીલે છે ત્યારે નક્કી જવાળામુખી ફાટે છે! સ્થાનિક લોકો ફૂલને ખીલતાં જોઈ જવાળામુખી ફાટવાનું સિગ્નલ સમજીને તરત સ્થાળાંતર કરી લે છે. જવાળામુખી ને આ છોડને શું સંબંધ હશે? શું એ છોડમાં ભવિષ્ય ભાખવાનું કોઈ યંત્ર છે? એ તો ‘જવાળામુખી’ અને ‘જગતગુરુ જગદીશ’ જ જાણે !
વિખ્યાત વૈજ્ઞાનિક રોબર્ટ મેલ્કે કહ્યું છે: ‘પરમસત્તા પોતાની ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન કરે છે. આંબાના ગોટલામાંથી આમલી પેદા કરવાની શક્તિ માનવીમાં નથી! પણ કુદરતમાં કોઇપણ કરામત કરવા માટેની અદ્રશ્ય પરમસત્તામાં જ છે.’ આ બધું તમારા-મારા જેવા સામાન્ય માણસ કે વિજ્ઞાનની સમજણથી પણ ઉપર છે! આપણને તો ભૈ, એટલી જ ખબર છે કે માશૂકાના કેશમાં ગજરો મૂકાય છે ત્યારે એના શરમાવવામાં સામે બધાં વિશ્ર્વના સર્વ વિજ્ઞાન ચૂપ થઇ જાય છે!
એંડ ટાઇટલ્સ:
આદમ: કોઇપણ એક ફૂલનું નામ બોલો તો.
ઇવ: ફૂલ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.