મુંબઈની ઓળખ એટલે ગેટવે ઓફ ઈન્ડિયા, બાંદ્રા-વરલી સી લિંક, મરીન ડ્રાઈવ, બેન્ડસ્ટેન્ડ વગેરે વગેરે… પણ તેમ છતાં મુંબઈની ઓળખ એક વસ્તુ વગર તો સાવ જ અધૂરી છે અને એ એટલે મુંબઈની જાન અને સ્ટ્રીટ ફૂડ વડાપાઉં.
વડાપાઉં અને મુંબઈગરાનો નાતો એકદમ અલગ જ છે. મુંબઈમાં જ રહેલો મુંબઈકર હોય કે પછી થોડાક સમય માટે મુંબઈમાં આવેલા પરપ્રાંતિય નાગરિક વડાપાઉંનો ટેસ્ટ તો બધાને દાઢે વળગી જ જાય છે. આવા મુંબઈના વડાપાંઉને હવે વૈશ્વિક ઓળખ મલી છે. દુનિયાની સર્વોત્કૃષ્ટ 50 સેન્ડવિચની યાદીમાં આપલા વડાપાંઉએ સ્થાન મેળવી લીધું છે. મુંબઈના આ પ્રસિદ્ધ વડાપાંઉને વૈશ્વિક માન્યતા મળી ગઈ છે. દુનિયાની સર્વોત્તમ સેન્ડવિચની યાદીમાં વડાપાઉં 13મા સ્થાને છે. ટેસ્ટ એટલાસની દુનિયાની ટોપ 50 સર્વોત્કૃષ્ટ સેન્ડવિચ યાદીમાં મુંબઈના વડાપાંઉએ સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં તૂર્કીનું ટોમ્બિકલ સેન્ડવિચ પહેલાં નંબર પર છે. ત્યાર બાદ બીજા નંબરે પેરુની બૂટીફારા સેન્ડવિચ અને ત્રીજા નંબર પર આર્જેન્ટિનાની ડી લોમો સેન્ડવિચ આવે છે. એક પાવમાં ગરમાગર તેલમાં તળેલું થોડું કૂરકું, તીખું અને ચટાકેદાર વડા, તેના પર લસણની ચટણી અને કેક પર ચેરીની જેમ સરસ મજાની તીખી તીખી તળેલી મરચી સાથે વડાપાંઉ જ્યારે મુંબઈગરા આરોગે ત્યારે તેમને આહ્લાદક આનંદની અનુભૂતિ થાય છે. આઈ એમ શ્યોર વડાપાઉંનું આટલું વર્ણન વાંચીને તમારા મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું હશે… અને હવે તો આ વડાપાંઉ તમને વધારે વહાલું લાગશે, કારણ કે લોકલ આઈટમે ગ્લોબલ લેવલ પર નામના હાંસિલ કરી છે ભાઈસા’બ!