વારાણસી: શુક્રવારે વિશ્ર્વના સૌથી લાંબા લક્ઝરી રિવર ક્રૂઝ ‘એમ.વી.ગંગાવિલાસ’નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો. ‘એમ.વી.ગંગાવિલાસ’ ૫૧ દિવસમાં ૩૨૦૦ કિલોમીટરના પ્રવાસમાં ભારત અને બંગલાદેશના પાંચ રાજ્યોની ૨૭ નદીઓના જળપ્રવાહોમાંથી પસાર થશે. ભારતમાં નદીઓના જળપ્રવાસનમાં ક્રૂઝનો પહેલી વખત આરંભ કરાયો છે. આ ક્રૂઝ ઉત્તર પ્રદેશના વારાણસીથી નીકળીને બંગલાદેશના જળપ્રદેશમાંથી પસાર થઈને આસામના દિબ્રુગઢ સુધી પહોંચશે. સમગ્ર ક્રુઝ પ્રવાસ માટે વ્યક્તિદીઠ પચાસ લાખથી પંચાવન લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક વક્તવ્યમાં ‘એમ.વી. ગંગાવિલાસ’ના આરંભને સીમા ચિહ્ન રૂપ ઘટના અને પર્યટન ક્ષેત્રે નવા યુગની શરૂઆત સમાન ગણાવ્યો હતો. આ નિમિત્તે વડા પ્રધાને વિદેશી પર્યટકોને ભારત
આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. દેશના વિવિધ પ્રાંતોમાં રિવર ક્રૂઝ શરૂ કરાઈ રહ્યા છે. તેને કારણે પર્યટનને પ્રોત્સાહન ઉપરાંત રોજગારના અવસરો પણ ઉપલબ્ધ થશે. ‘એમ.વી. ગંગાવિલાસ’ રિવર ક્રૂઝ દ્વારા ભારતનું શ્રેષ્ઠત્વ વિશ્ર્વ સમક્ષ રજૂ કરાઈ રહ્યું છે. આ પ્રવાસમાં પર્યટકોને ભારત અને બંગલાદેશના સંસ્કૃતિ, ઇતિહાસ અને અધ્યાત્મનો પરિચય મળશે.
‘એમ.વી. ગંગાવિલાસ’ના સંચાલક અંતરા લક્ઝરી રિવર ક્રૂઝનાં વાઇસ પ્રેસિડેન્ટ સૌદામિની માથુરે જણાવ્યું હતું કે પ્રથમ પ્રવાસમાં સ્વિત્ઝર્લૅન્ડના ૩૨ પ્રવાસીઓ છે. વર્ષ ૨૦૨૪ના માર્ચ મહિના સુધી તેનાં બુકિંગ્સ થઈ ચૂક્યાં છે. હવે વર્ષ ૨૦૨૪ના એપ્રિલ મહિનામાં બુકિંગ ઉપલબ્ધ છે. આ ક્રૂઝમાં ત્રણ ડેક, ૧૮ સુટ્સ, ૪૦ જણને બેસવાની ક્ષમતા ધરાવતો રેસ્ટોરાં, ફિટનેસ સેન્ટર જેવી અદ્યતન સુવિધાઓ છે. ૫૧ દિવસના પ્રવાસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, નેશનલ પાર્ક્સ, નદીઓના ઘાટ, બિહારના પટણા, ઝારખંડના સાહિબગંજ, પશ્ર્ચિમ બંગાળના કોલકાતા, બંગલાદેશના ઢાકા અને આસામના ગુવાહાટી જેવા મોટાં શહેરોને આવરી લેવાશે.
અંતરા લક્ઝરી રિવર ક્રૂઝીસના સ્થાપક અને સીઈઓ રાજસિંહે જણાવ્યું હતું કે ‘એમ.વી. ગંગાવિલાસ’માં માંસાહાર અને શરાબ નહીં પીરસાય. ૩૯ ક્રુ મેમ્બર્સ ધરાવતા લક્ઝરી ક્રુઝનું સુકાન ૩૫ વર્ષના અનુભવી કૅપ્ટન મહાદેવ નાઇકને સોંપાયું છે. ‘એમ.વી. ગંગાવિલાસ’ ક્રૂઝ માટે વપરાતું જહાજ ૬૨ મીટર લાંબું અને ૧૨ મીટર પહોળું છે. (એજન્સી)