લાઈમ લાઈટ -મૌસમી પટેલ
દેવાનંદ ની ફિલ્મ ‘અસલી નકલી’ નું શીર્ષક ગીત યાદ છે? “અસલી ક્યા હૈ, નકલી ક્યા હૈ, પૂછો દિલ સે મેરે.” ઘણીવાર હકીકત માં એવું બનતું હોય છે કે શું અસલી છે અને શું નકલી તે ખબર ન પડે. રૂપિયા ની નકલી નોટો ને ઓળખવી ભારે મુશ્કેલ હોય છે. વેક્સ મ્યુઝિયમ માં મીણ નું નકલી પૂતળું અસલ જેવું લાગતું હોય છે. હાસ્ય કલાકારો લોકોના અવાજ ની આબેહૂબ નકલ કરી જાણતા હોય છે. પણ કોઈ તમને એમ કહે કે આખેઆખું શહેર નકલી છે તો? તો તમે એ વાત હસી જ કાઢો ને? આ વાત કોઈ રોમાચંક ફિલ્મ ની વાર્તા જેવી જ લાગે. પણ જો અમે તમને કહીએ કે ના, આ કોઈ વાર્તા નથી, પણ હકીકત છે તો? તો પણ કદાચ તમારા માન્યા માં ન આવે. તેમ છતાં આ હકીકત છે.
૪ ઓક્ટોબર, ૧૯૨૦ના એક બ્રિટિશ અખબાર માં ખબર છપાઈ જેનું શીર્ષક હતું, ’અ મોક પેરિસ: ફ્રેન્ચ પ્લાન તો ડીસીવ જર્મન ઇન્વેડર્સ.’ (જર્મન આક્રમણખોરો ને છેહ આપવા ફ્રાન્સની યોજના: નકલી પેરિસ.) આ રસપ્રદ રિપોર્ટ અનુસાર યુદ્ધ અને છળ ની આ કહાણી જયારે સામે આવી ત્યારે તેના ઉપર વિશ્વાસ કરવો લગભગ અસંભવ હતું. એ રિપોર્ટ ના આધારે આપણે વધુ જાણીએ.
જર્મનોએ પેરિસ પર પહેલો હુમલો ૩૧ ઓગસ્ટ ૧૯૧૪ ના દિવસે કર્યો હતો. તેનો પાયલટ હતો ફર્ડીનાન્ડ ફોન હીદ્દેસેં. લશ્કરી વિમાન નું નામ હતું રેમ્પલર તૌબે. આ હુમલા થી જાનહાની બહુ ઓછી થઇ હતી પણ તેની માનસિક અસર બહુ ઘેરી પડી હતી. રાઈટ બંધુઓએ પ્લેન નો આવિષ્કાર કર્યા ના એકાદ દસકા બાદ ની આ ઘટનાએ પ્લેન ને એક ઘાતક લશ્કરી હથિયાર બનવી દીધું હતું. અત્યાર સુધી સરહદ ના સૈનિકો સુધી સીમિત રહેલું યુદ્ધ હવે ઘરના આંગણા સુધી આવી પહોંચ્યું હતું અને બાળકો તથા મહિલાઓ તેની ઝપટ માં આવી ગયા હતા.
તેના પછીના અઢાર મહિનામાં ફ્રાન્સ ઉપર છુટાછવાયા હુમલા ચાલુ જ રહ્યા, જેમાં માર્ચ ૧૯૧૫ માં શોધક કાઉન્ટ ફર્ડીનાન્ડ ફોન ઝેપેલિન ઉપરથી નામ પામેલા ઝેપેલિન વિમાનો પણ સામેલ હતાં. બેલ્જીયમ થી ઉડાન ભરીને થતા હુમલાઓએ બહુ મોટું કહેવાય એવું નુકશાન નહોતું પહોંચાડયું. પણ ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ માં ફ્રાન્સ ની રાજધાની પેરિસ ના આકાશ ઉપર બે ઝેપેલિન વિમાનોએ કેર વર્તાવ્યો. ૨૪ લોકોએ જાન ગુમાવ્યા અને ૩૦ ગંભીર ઘાયલ થયા. ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ ની તેમની અંતિમ યાત્રાએ પેરિસ ને જાણે થંભાવી દીધું હતું. છ તોપ ગાડીઓ ઉપર જયારે સ્મશાન યાત્રા નીકળી ત્યારે હજારો પેરિસવાસીઓ અંતિમ વિદાય આપવા ઉમટી પડેલા. રાજકારણીઓ અને અન્ય મહાનુભાવો તેની પાછળ ચાલી રહ્યા હતા. તે પછી પણ જર્મન હુમલાઓ થી ફ્રાન્સ ને રાહત ન મળી અને સતત હુમલો વધતાં રહ્યા. આખરે ૧૯૧૭ માં જર્મનો નું લક્ષ્ય પોતાના નવીનતમ લડાયક વિમાનો ’ગોથા’ સાથે લંડન તરફ વળ્યું ત્યારે ફ્રાન્સ ને થોડી રાહત મળી.
કોઈ પણ રાષ્ટ્ર ની રાજધાની ઉપર સતત થતાં હુમલા ચિંતા નું કારણ હોય છે. તેનાથી કઈ રીતે બચાવ કરી શકાય તેનો એક અનોખો વિચાર એક ઇલેક્ટ્રિકલ ઇંજિનિયર નામે, ફેર્નાન્ડ જેકપોઝઝી ને આવ્યો. મૂલત: ઇટાલી ના ફ્લોરેન્સ નો વતની એ વર્ષ ૧૯૦૦ માં પેરિસ ઇન્ટરનેશનલ એક્સપોઝિશન માં કામ કરી ચુક્યો હતો જેમાં પાછલી સદી ની ઉપલબ્ધીઓ અને આવનારી સદી ઉપર ચિંતન કરવામાં આવ્યું હતું. આ નકલી પેરિસ પ્રોજેક્ટ નો હિસ્સો જેકપોઝઝી કેવી રીતે બન્યો તે એક રહસ્ય જ છે, પણ ૧૯૧૭ ની આસપાસ ફ્રાન્સ ના લશ્કર ના હવાઈ હુમલા સામે બચાવ કરતા વિભાગ ઉઈઅ (ફ્રેન્ચ ભાષા માં ડિફેન્સે કોંત્રે આવીઓન )દ્વારા જર્મન હુમલા થી બચાવ માટે નકલી પેરિસ બનાવવા ના પ્રોજેક્ટ માં નિમણુંક થઇ.
આધુનિક સમયમાં આ વાત મુર્ખામી જેવી લાગે, પણ એ સમયે તે બંધબેસતી હતી. તે સમયમાં લડાયક વિમાનો રાત્રીના સમયે ફ્રાંસ ની રાજધાની ઉપર નેવિગેશન સિસ્ટમ થી નહિ, પણ નક્શા ના આધારે હુમલો કરતા હતા. સીન નદી ને અનુસરીને આ હુમલાઓ થતાં. પરંતુ વળાંકો વાળી સીન નદી પેરિસ ના પ્રસિદ્ધ પુલ અને સીમાચિહ્ન રૂપ એફિલ ટાવર પાસેથી પસાર થઈને જેવી પરા મેસોન લફીત્તે તરફ આગળ વધે એટલે એક નહીં પણ બે વાર ઊંટ ની ખૂંધ ની જેમ વળાંક લે છે. ત્યાંજ અધિકારીઓએ જેકપોઝઝી ને આ મૃગજળ નું નિર્માણ કરવા કહ્યું હતું. તે ઉપરાંત બે અન્ય નકલી જગ્યાઓ બનવવાની હતી. એક નકલી ઇન્ડસ્ટ્રીયલ ઝોન વઇરેઝ-સુ-માર્ને રાજધાની થી દસ માઈલ દૂર બનાવવાનો હતો, જયારે સેન્ટ ડેનિસ નું સર્જન ઈશાન બાજુ વિલ્લેપિન્ટ માં કરવાનું હતું.
જેકપોઝઝીએ ૧૯૧૮માં પોતાનું કામ વિલ્લેપિન્ટ થી પેરિસ ના સહુથી વ્યસ્ત રેલવે સ્ટેશન ની નકલ બનાવવા સાથે શરુ કર્યું. જાણીને આશ્ચર્ય થશે, પણ એક હાલતીચાલતી ટ્રેન પણ બનાવી! ઇલેક્ટ્રિકલ લાઇટિંગ ના વર્ષોના બહોળા અનુભવ ને કામે લગાડીને જેકપોઝઝીએ લાકડા ના બોર્ડ નો ઉપયોગ ટ્રેન ના ડબ્બા બનાવવા કર્યો અને ક્ધવેયર બેલ્ટ ઉપર લાઇટિંગ ગોઠવીને એવું દ્રશ્ય ઉભું કર્યું કે આસમાન થી જોતાં એવું લાગે જાણે ટ્રેન ચાલી રહી છે.
ત્યારબાદ તેણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ના ખોખા બનાવવા લાકડા ના બોર્ડ વાપર્યા અને છત બનવવા કેનવાસ ઉપર રંગીન ચિતરામણ કર્યું. સફેદ, પીળી અને લાલ લાઈટ નો ઉપયોગ કરીને ફેક્ટરી માં ઉત્પાદન પ્રક્રિયા માટે પેદા થતી આગ અને ધુમાડા નું અદભુત અને સાવ સાચું લાગે એવું દ્રશ્ય ઉભું કર્યું. તેણે ખાસ ધ્યાન એ રાખ્યું કે આ આભા ઉભી કરવામાં ક્યાંય અતિશયોક્તિ ન થાય જેને કારણે જર્મનો ને શંકા પેદા થાય.
નીચોવી નાખનારું આ કામ જેકપોઝઝી પૂરું કરવામાં જ હતો ત્યારે જર્મન ’ગોથા’ વિમાને રાજધાની ઉપર હુમલો કરી દીધો અને ૨૨૦૦૦ કિલો જેટલા વજન ની બોમ્બ વર્ષા પેરિસ ઉપર થઇ. છ લોકો ના મૃત્યુ થયા, પંદર ઘાયલ થયા. ત્યાર પછી જો હુમલો થાય તો જેકપોઝઝી ની માયાનગરી તેમને છળવા તૈયાર હતી. પણ એ દિવસ આવ્યો જ નહીં! બે મહિના પછી યુદ્ધ નો અંત આવ્યો. જેકપોઝઝી ક્યારેય જોઈ ન શક્યો કે તેની માયાજાળ થી જર્મનો કેવા મૂર્ખ બને છે.
પણ ફ્રાન્સ ની સરકાર ને એ વાત નું આશ્વાસન હતું કે ભવિષ્ય માં પેરિસ ઉપર આવો કોઈ હુમલો થાય તો તેને ગેરમાર્ગે દોરવા તેમણે એક મહત્વ નું તંત્ર રચ્યું હતું. જેકપોઝઝી ની આ રચના ઉપર રહસ્ય નો પડદો પાડી દેવામાં આવ્યો. પણ ૧૯૨૦ માં બ્રિટિશ પ્રેસ ના હાથ માં આ રહસ્ય આવી ગયું.
બ્રિટન ના ’ધ ગ્લોબ’ ને ઓક્ટોબર માં આ કહાણી હાથ લાગી, પરંતુ પહેલા લંડન ના ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યુઝે ૬ નવેમ્બર ૧૯૨૦ ના રોજ જેકપોઝઝી ની આ અદભુત અને અવિશ્વસનીય કહાણી નક્શાઓ, ફોટાઓ વગેરે સાથે ફોટો સ્ટોરી તરીકે મથાળું આપ્યું: ’પેરિસ ની બહાર એક નકલી પેરિસ – બોમ્બ વરસાવવા રચાયેલું ’શહેર’.’ પણ તેમણે આ શહેર ના વિશ્વકર્મા નું નામ જાહેર નહોતું કર્યું.
ફ્રાન્સ સરકારે જેકપોઝઝી ને ’લિજિયન દ’ઑનર’ ના ખિતાબ થી નવાજ્યા અને ૧૯૨૦ ના દશક માં તેમણે ખુબ સફળતા મેળવી. તેમણે એફિલ ટાવર ને રોશની થી ઝગમગતો કર્યો. ત્યાર પછી પેલેસ ડે લા કોન્કોર્ડ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ ને ઝગમગતી કરી. ઉદ્યોગપતિઓએ પણ તેમની કાબેલિયત નો ઉપયોગ કર્યો. એફિલ ટાવર પર પોતાની કાર ની જાહેરાત કરવાનું કામ સિટિયોને તેમને સોંપ્યું હતું.
૧૯૩૨ માં ફર્નાન્ડ જેકપોઝઝી ની નિધન થયું. તેમના શોક સંદેશ માં ’ધ પીપલ’ અખબારે લખેલું કે “એફિલ ટાવર પર તેમણે કરેલી રોશનીએ દુનિયાભર નું ધ્યાન આકર્ષિત કર્યું. પેરિસ ને રોશની નું શહેર બનાવવામાં તેમની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ રહી છે. પણ અખબારે ન તો બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ફ્રાન્સ ની સરકાર ની કોશિશો ઉપર પ્રકાશ પાડ્યો, ન તો નકલી પેરિસ શહેર બનાવવાની યોજના બાબત એક પણ અક્ષર લખ્યો. એક અદભુત રચના નો રચનાકાર અધિકૃત રીતે ક્યારેય તેનો યશ ન મેળવી શક્યો. કેટલાક રહસ્યો કદાચ રહસ્યો રહેવાં જ સર્જાયેલા હોય છે.