રંગભૂમિ -સ્નેહલ મોદી
સત્યાવીસમી માર્ચ – વર્લ્ડ થિયેટર ડે. ગુજરાતના લગભગ દરેક નાના મોટા શહેરમાં વિશ્ર્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવ્યો. ક્યાંક નવાં નાટકો ખુલ્લાં મુકાયાં, ક્યાંક ફૂલ-લેન્થ નાટકોના ગ્રુપ-શો થયા, ક્યાંક એકાંકી ભજવાયા, ક્યાંક નાટકો વિષે શિબિર થઈ, ક્યાંક રંગભૂમિના જૂના અનુભવો યાદ કરવા માટે બેઠકો થઇ, ક્યાંક થિયેટર આર્ટિસ્ટનું સન્માન થયું. આવા કોઈ કાર્યક્રમમાં જવાનું થાય તો એવું લાગે કે થિયેટર હજુ જીવતું છે. સાચે? તો પહેલા આ સાચુકલો પ્રસંગ વાંચો.
ગુજરાતમાં એક નાટ્યસ્પર્ધા હતી, થોડાંક જ વર્ષો પહેલાં. અઠવાડિયા સુધી સળંગ રોજના બે શોઝ થતાં. એમાં એક સ્કીટ-પ્લે જેવી કૃતિ હતી જેમાં સ્મશાનની બહાર ચાર ડાઘુઓ બેઠા છે, એ ચારેય ડાઘુઓ ચિતા રાખમાં ફેરવાઈ જાય એની રાહ જુવે છે. લાકડાંથી સંપૂર્ણ બળતાં સહેજે ચારથી પાંચ કલાક નીકળી જાય. અંધારી રાતે ચારેય પત્તા, સંભવત: જુગાર રમે છે અને સાથે દારૂ પીવે છે. ચારેય પોતપોતાના મનમાં રહેલી બુરાઈ, પોતાનો ખરાબ ભૂતકાળ, પોતાને આવી રહેલા કનિષ્ઠ વિચારો એકબીજા પાસે ઠાલવે છે. પોતાનું માનસ જ ખુલ્લું કરી દે છે અને વચ્ચે વચ્ચે એક અદ્રશ્ય છોકરી, જે એ ચારેય ડાઘુઓના આત્માનું પ્રતીક છે એ ફરતી રહે અને ચારેય પાસે વાત ઓકાવતી રહે. પ્લેનો ક્ધસેપ્ટ આવો કંઈક હતો. કૃતિ ગંભીર અને બિનપરંપરાગત હતી. એ ગુજરાતના રાજકોટના ખૂબ પ્રખ્યાત વિશાળ ઓડિટેરીયમમાં પ્રેક્ષકો પણ સેંકડોની તાદાદમાં હતા.
હવે શું છે કે સામાન્યત: ગુજરાતનું નાટકીયું એવું થિયેટર ઓડિયન્સ ગલગલિયા થાય એવા, ઓલમોસ્ટ નોનસેન્સ કેટેગરીમાં મૂકી શકાય એવા હસાહસીના અર્થવિહીન કોમેડી લાઈવ પ્લેઝ જોવા ટેવાયેલી છે, એ પણ આજકાલથી નહિ છેલ્લાં ઘણાં વર્ષોથી. એટલે આવો અબ્સોર્બિંગ લાઈવ શો પ્રેક્ષકોને એબ્સર્ડ લાગ્યો. મજા આવવાની વાત દૂર રહી, પ્રેક્ષકો પચાવી શકતા ન હતા, કારણ કે આટલી સારી ક્વોલિટીની અલગ રચના પહેલી વાર જોતા હોય ને. એટલે પ્રયોગ ચાલુ થયાને અડધી કલાક થઇ હશે ત્યાં ખદબદ ખદબદ થવાનું ચાલુ થઇ ગયું. અવાજ નથી સંભળાતો ને, જોરથી બોલો ને એવી ચીસો પ્રેક્ષકગૃહમાંથી આવવાની શરૂ થઇ ગઈ. વચ્ચે એક તબક્કે કલાકારોએ એક સીન રિપીટ પણ કર્યો. લાઈવ પરફોર્મ કરતા કલાકારોને સતત ડિસ્ટર્બન્સ વધતું ગયું. અને હદ ત્યાં વટી ગઈ કે એક દાદાની ઉંમરના કાકા, ઊભા થઇ સ્ટેજની લગોલગ જઈ એનાઉન્સ કરવા લાગ્યા કે ગાંધીના ગુજરાતમાં આવા નાટકો હોય? જેમાં દારૂની વાત આવે ને… સાવ અંધારું છે, કઈ સંભળાતું નથી… આવાં નાટકો અહી લવાય જ નહિ, બહાર નીકળો બધા. અને લગભગ સિનિયર સિટીઝન્સથી ભરેલું સભાગૃહ અડધું ખાલી થઇ ગયું. પડદો પાડી દેવામાં આવ્યો. કલાકારો ભારે નિરાશ થયા. કલાકારોની ‘ઓન સ્ટેજ’ – થિયેટર લાઈફમાં આવી ઘટના પહેલી વાર ઘટી હશે.
આ છે આપણું ઓડિયન્સ. અને આ એમની મેનરીઝમ. બાળકોને ડિસિપ્લીન શીખવાડતા એના વડીલો અસલમાં આવા છે. ગુજરાતીમાં કહીએ તો આ છે એમના સંસ્કાર! ફરીથી નોંધજો કે આ દ્વિઅંકીમાં આવું કૃત્ય કરવા વાળી વ્યક્તિઓ છેલબટાઉ જુવાનિયાઓ કે કોલેજિયનનું બંક મારીને ઘુસી ગયેલું ગ્રૂપ ન હતું. ડાઈ કરેલા કાળા વાળ વાળા વયસ્કો હતા. નિવૃત્ત ઠરીઠામ થઇ ગયેલા વડીલોએ રંગમંચની તૌહીન કરી હતી. ભલભલા ટંકણખારો અને જ્ઞાનપીઠ વિજેતાઓ પણ જેને પગે લાગ્યા વિના ઉપર ડગ ન માંડે એ મંચનું અને મંચસ્થ કલાકારોનું અણિયાળું અપમાન એ ઓડિયન્સ કરીને ગઈ હતી. ઓડિયન્સ ગુજરાતનું હતું. રંગભૂમિની હાંસી ઊડી હતી. ફક્ત આ એકલદોકલ કિસ્સો છે એવું નથી કે આ ‘બદ્દી’ નાટક સુધી જ વ્યાપેલી છે એવું પણ નથી. સિનેમાહોલમાં ક્રીમ સહપ્રેક્ષકો મળવા એ ભારતની મોટામાં મોટી બૅંકનું અઝખ હંમેશાં કાર્યરત કંડિશનમાં મળે એવી ભાગ્યસિદ્ધિ છે.
ભારતનાં કયાં રાજ્યોમાં સતત નાટકો ભજવાય છે અને લોકો ટિકિટ લઈને તેને જોવા આવે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, અમુક અંશે કર્ણાટક. મરાઠી લોકોનો નાટ્યપ્રેમ જાણીતો છે. ત્યાં નાટકો ઉપરથી ફિલ્મો પણ બને છે અને બેહતરીન ફિલ્મો બને છે. જો કે હિન્દીની ઘણી ફિલ્મોનો બેઇઝ જે તે સમયે ભજવાઈ ગયેલાં ગુજરાતી નાટકો હતાં. ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ છાતી પહોળી થઇ જાય એટલો સમૃદ્ધ છે, પરંતુ એ જ રંગભૂમિનો વર્તમાન સાંભળીએ તો સ્મશાનમાં ઊભા હોઈએ એવું લાગે. ગુજરાતી દર્શક કોઈ ગ્રુપ વિના, કોઈ સંસ્થા વિના, કોઈ ક્લબના સભ્ય બન્યા વિના ટિકિટ લઈને નાટક જોવા જાય છે ખરો? જો હા, તો એ નાટક કેવું હોય છે? હસાહસી અને માઈન્ડલેસ કોમેડી જેમાં ીઓ ઉપરના જોક્સ હોય, પતિ-પત્ની વચ્ચેની સ્લેપસ્ટીક કોમેડી હોય. ‘બૈરાઓને’ ટાર્ગેટ બનાવીને બનાવવામાં આવેલા નોનસેન્સ કોમેડી નાટકો સિવાય બીજાં કેટલાં નાટકો આપણે ત્યાં આપબળે ચાલે છે? બહુ ઓછા, અપવાદ સિવાય એક પણ નહિ. ગુજરાતી નાટક માટે પ્રેક્ષક શોધવો પડે છે અને શોધ્યા પછી પણ જડતો નથી.
વેબ સિરિઝમાં, ફિલ્મોમાં રી-ટેક હોય છે, ફિલ્મ-સિરિયલ ડિરેક્ટરનું માધ્યમ છે. ડિરેક્ટરને જેમ બતાવવું હોય એમ તે એડિટર પાસે એડિટ કરાવીને બતાવી શકે. થિયેટર માત્ર એક્ટરનું માધ્યમ છે. ગમે તેટલા રિહર્સલ્સ કર્યા હોય, ગમે તેટલી વખત રીડિંગ થયું હોય પણ પડદો ખુલ્યા પછી ડિરેક્ટર-પ્રોડ્યુસરના હાથમાં કશું રહેતું નથી. પછી કલાકાર બાપ બની જાય છે. એક્ટર પછી કઈ પણ પરફોર્મ કરી શકે. રી-ટેકનો ચાન્સ નથી. તેને માથાથી લઈને પગ સુધી એકસાથે એકાદી હજાર આંખોની જોડ જોઈ રહી છે. નાટક જીવંત છે. નજર સામે ફિક્શન ભજવાય છે. આવો રોમાંચ ગમે તેવડી મોટી સ્ક્રીન કે ગમે તેટલી આધુનિક સાઉન્ડ સીસ્ટમ ન આપી શકે. શેક્સપિયર એટલે જ મહાન થયો. તેણે પ્રેક્ષકોના હૃદયમાં કરંટ જેવો રોમાંચ પહોચાડ્યો, દરેક શોમાં.
નાટક દરેક કલાની જનની છે. મહાભારત કે રામાયણ પણ જયારે મહાકાવ્ય સ્વરૂપે સુગ્રથિત થયા ન હતા ત્યારે નાટકના સ્વરૂપમાં ભજવતા. ગુજરાતમાં એક જમાનામાં આખી રાત નાટકો ચાલતાં. ભવાઈઓ થતી. ચારચાર -પાંચ પાંચ દિવસ નાટકો ચાલતાં. હાઉસફૂલ શો થતા. બેસવાની કે ઊભવાની જગ્યા ન મળે. જયશંકર સુંદરી કે માર્કંડ ભટ્ટ જેવા અનેક મહાન નાટ્યકર્મીઓની યાદી બનાવીએ તો આખો લેખ પૂરો થઇ જાય. આધુનિક ગુજરાતી રંગભૂમિને કાંતિ મડિયા કે કૈલાસ પંડ્યા કે અરવિંદ જોશી કે પ્રવીણ જોશી જેવા ઘણા માંધાતા સર્જકોએ ઘડી છે. પણ છેલ્લા વીસ-ત્રીસ વર્ષમાં ગુજરાતી નાટકોનું સ્તર કેવું રહ્યું? મોટાભાગે કોમેડી જ ચાલે. અર્થ વગરની, એક ને એક પ્રકારના જોક્સ જુદાં જુદાં નાટકોમાં નામ બદલાવીને આવે અને લોકો ગ્રૂપ બુકિંગમાં ખિખિયાટા કરે.
ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકનો વાંક બહુ કાઢી શકાય એમ નથી પણ ગુજરાતી રંગભૂમિની આવી હાલત કરવા માટે પ્રેક્ષકનો કાન પહેલો આમળવો પડે એમ છે. બસ્સો રૂપિયાનો પિઝ્ઝા ગુજરાતીને વધુ વહાલો છે પણ પોતાના બાળકને એક સારું ગુજરાતી નાટક દેખાડવા માટે દોઢસો રૂપિયાની ટિકિટ મોંઘી લાગે છે. અમેરિકામાં, બ્રિટનમાં, યુરોપના ઘણા દેશોમાં કેવાં કેવાં ભવ્ય નાટકો થતાં હોય છે. બે-બે માળના કેવા ભવ્ય સેટ્સ બને. આખો હોલ ખીચોખીચ ભરાઈ જાય. ઉત્તર ભારતમાં નાટકો નથી થતા. દક્ષિણ ભારતમાં સાંસ્કૃતિક શો થાય, નૃત્યોના સમારંભો થાય પણ નાટકો ખાસ નહિ. નાટ્યકર્મીઓએ છેલ્લે મજબૂરીમાં બ્લેક બોક્સ થિયેટર જેવા ક્ધસેપ્ટ લાવવા પડે છે જ્યાં સાવ નાનકડા હોલમાં એક જ લેવલ પર ઓડિયન્સ અને કલાકાર હોય. ડાન્સ અને સિંગિંગનો ક્રેઝ રિલ્સ અને યુટ્યુબ શોર્ટ વીડિયોને કારણે વધ્યો છે. વાલીઓને પોતાના દીકરા-દીકરી માટે સોશિયલ મીડિયામાં વધુ લાઈક્સ જોઈએ છે અથવા તો રીયાલીટી શોઝમાં મોકલીને ચાઈલ્ડ સુપરસ્ટાર બનાવી નાખવો છે. જિમ્નાસ્ટીકસ જેવા ડાન્સ અને અતિશયોક્તિ ભરેલા સ્ક્રીપ્ટેડ ગાયનના સો કોલ્ડ રિયાલીટી શો. આ બધા રિયાલીટી શોમાં જ એટલો બધો ડ્રામા થાય છે કે થિયેટર માટે સ્પેશિયલ શોની જરૂર નહિ પડતી હોય. જજ બનતા સેલિબ્રિટી ગાયકોને હવે એક્ટિંગ આવડવી ફરજિયાત છે. એક્ટિંગની શરૂઆત સ્ટેન્ડિંગ ઓવેશનથી થતી હોય છે.
ભરતમુનીએ નાટ્યશા ભારતમાં લખ્યું છે. નાટકની કળા ભારતની દેન છે એવું કહેવું જરા પણ ખોટું નથી. ચેસ ભારતે આપી છે. જે જે ભારતે આપ્યું છે તેમાં અત્યારે આધિપત્ય બીજા દેશોનું છે. ભારત બહુ પાછળ છે. વેબ સિરીઝ કે ફિલ્મો ખરાબ નથી. એ પણ કળાનો આધુનિક પ્રકાર છે અને ખૂબ અઘરો તથા ખર્ચાળ છે, પરંતુ નાટક પાયો છે. નાટક જોવાથી પણ માણસ ઘણું બધું શીખે છે. ખૂબ ટીવી જોનારો માણસ ઈડિયટ બની જતો હશે પણ ખૂબ નાટકો જોનારો માણસ વધુ શાણો બને છે, હોશિયાર થાય છે. નાટકોને અવગણવાની ભારતીય પ્રજા ખૂબ મોટી ભૂલ કરે છે. એક દિવસ નાટકોને અવગણવાને કારણે આ પબ્લિક પસ્તાશે.