(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 10 ગ્રામદીઠ રૂ. 590 અને કિલોદીઠ રૂ. 1239નો ઉછાળો આવ્યા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારોમાં ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક વધારાની ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીનાં ભાવમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગઈકાલે જોવા મળેલા ઉછાળા ઉભરા જેવાં નિવડતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 73થી 74નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધતાં સોનામાં ભાવઘટાડો વિશ્વ બજારની સરખામણીમાં મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 335નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 73 ઘટીને રૂ. 55,842ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 74ના ઘટાડા સાથે રૂ. 56,066ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન ગઈકાલના ઉછાળા વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે પશ્ચાત્ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 335ના ઘટાડા સાથે રૂ. 63,911ના મથાળે રહ્યા હતા. ગઈકાલે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના મેન્યુફેક્ચરિંગ ડેટામાં સતત ચોથા મહિને ઘટાડો થયો હોવા છતાં નવાં ઓર્ડરોમાં અઢી મહિનાની નીચી સપાટીએથી સુધારો થયો હોવાનું જણાતા પુન: રોકાણકારોમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 1831.90 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી 0.4 ટકાના ઘટાડા સાથે 1838.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.8 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 20.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આગામી 21-22 માર્ચની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે જાહેર થનારા અમેરિકાનાં આર્થિક ડેટાઓ અનુસાર સોનું બેતરફી વધઘટે અથડાતુ રહે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આગામી સપ્ટેમ્બર સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર 5.488 ટકા આસપાસની સપાટી સુધી રાખે તેવી શક્યતા નાણાં બજારના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.