વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ: ગુજરાતીઓને બ્રાન્ડ અંબાણીમાં રસ છે, બ્રાન્ડ મેઘાણીમાં નહિ

ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

થોડા દિવસો પહેલાં કવિ નર્મદ (નર્મદશંકર લાભશંકર દવે)ની જન્મજયંતી ૨૪ ઓગસ્ટે ગઈ અને તેને ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ પ્રસંગને વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ અથવા ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કવિ નર્મદને આધુનિક ગુજરાતી ભાષાના પિતા તરીકે ગણવામાં આવે છે. તેઓ નાટ્યકાર, નિબંધકાર, વક્તા, લેક્સિકોગ્રાફર (શબ્દકોશો સંકલન કરવાનો વ્યવસાય) અને સુધારક હતા. બ્રિટિશ રાજ હેઠળ રચાયેલી તેમની કવિતા ‘જય જય ગરવી ગુજરાત’ ગુજરાત રાજ્યનું રાજ્યગીત છે. તેમણે ભારે વિપત્તિઓ વચ્ચે નવો ગુજરાતી શબ્દકોશ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શબ્દકોશમાં તમામ બોલીઓના શબ્દો તેમના વિવિધ ઉપયોગો સાથે છે. આપણે આ બધી વાત જાણતા જ હોઈશું, પણ પૂર્વભૂમિકા બંધાવી જરૂરી છે કે આટલો મોટો દિવસ શા માટે આટલા મોટા ગજાના મહાપુરુષના જન્મદિનને સમર્પિત છે.
બ્રાન્ડિંગની ભાષામાં નર્મદ લિગસી બ્રાન્ડ કહી શકાય. મારી માન્યતા પ્રમાણે કવિ નર્મદ, મુન્શી પ્રેમચંદ કે રવીન્દ્રનાથ ટાગોરની હરોળમાં બેસી શકે તેવું મહાન ચરિત્ર છે. અર્થાત્ તે તેટલી જ મોટી પર્સનલ બ્રાન્ડ છે, જેટલી મોટી પ્રેમચંદજી અને ટાગોરજી. અહીં ઉદ્દેશ્ય સરખામણીનો નથી, બધા સર્જકો પોતાના સ્થાને મહાન છે, પણ વાત તે છે કે એક પર્સનાલિટી રિજનલ બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને બીજી નેશનલ બ્રાન્ડ તરીકે.
બ્રાન્ડિંગ જેમ પ્રોડક્ટ, સર્વિસ કે પર્સનલ વ્યક્તિનું થાય તેમ ભાષાનું પણ થવું જોઈએ અને તેને યોગ્ય રીતે પ્રમોટ કરવી જોઈએ. ફ્રેંડશિપ ડે, વેલેન્ટાઈન્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે જેવા દિવસોએ જેટલા મેસેજો આપણને આવે છે મોબાઈલ પર, તેનો એક ટકો મેસેજ પણ વિશ્ર્વ ગુજરાતી દિવસે ન આવ્યા. આનું કારણ કદાચ આપણે તેને મહત્ત્વ નથી આપ્યું અથવા આપણને તે દિવસની જાણ નથી અથવા તે દિવસને જોઈએ તે રીતે પ્રમોટ કરવામાં નથી આવ્યો.
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે લોકોને ગુજરાતી વિષે વાત કરીએ, ત્યારે તેઓનો એક જ જવાબ હોય છે ગુજરાતી એટલે વેપારી. નો ડાઉટ આ આપણો સ્ટ્રોંગ પોઇન્ટ છે અને માર્કેટિંગમાં તેને USP તરીકે ઓળખી શકીએ, પણ બ્રાન્ડનાં જેમ વિવિધ પાસાંઓ હોય છે તેમ આપણે પણ વિવિધ રીતે ઓળખાઈએ તેમ થવું જોઈએ. બીજી ભાષાઓની સરખામણીમાં આપણે આપણી ભાષાને તેટલો ન્યાય નથી આપ્યો. આપણું સાહિત્ય આપણા લોકોમાં પણ પ્રચલિત નથી તો બીજાઓને ખબર ન હોય તે સ્વાભાવિક છે.
આપણે ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટતું જાય છે તેમ કહીએ છીએ. જેમ કોઈ બ્રાન્ડ નીચે જતી હોય કે કોઈ ક્રાઈસિસ અનુભવે કે પછી આજના કાળ સાથે કે વ્યક્તિઓ સાથે સંબંધિત ન હોય ત્યારે તે પોતાને રિવેમ્પ કરે છે અર્થાત્ સમય પ્રમાણે તેનામાં બદલાવ લાવે છે. બસ, આ જ વાત આપણે આપણી ભાષા માટે કરવાની છે. રિવેમ્પ, ભાષામાં બદલાવ નહિ, પણ ભાષાને લોકો સમક્ષ નવી રીતે મૂકવી પડશે.
કોઈ પણ બ્રાન્ડ લાંબા ગાળા સુધી રમવા માટે યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવે છે, જેથી તે વૃદ્ધ થાય ત્યાં સુધી તેનો સાથ ન છોડે. જેમ જેમ યુવાન કે સમય બદલાય તેમ બ્રાન્ડની ભાષા અને કોમ્યુનિકેશન બદલાય, જેમ યુવાન ચાહે તેમ તેની સાથે વાત કરે. બસ આવી જ રીતે આપણે એક વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી ગુજરાતી ભાષાને નવા રૂપમાં આજના યુવાનને આકર્ષે તેમ તેની સમક્ષ મૂકવી પડશે.
બ્રાન્ડ માટે કે કોઈ પણ વેપારમાં તેમ કહેવાય છે કે આઉટ ઓફ સાઈટ ઇઝ આઉટ ઓફ માઈન્ડ. આમ જ કોઈ પણ ભાષા પ્રચલિત કરવા તે બોલાવી જોઈએ, લખાવી જોઈએ, વંચાવી જોઈએ અને આજની તારીખે જોવાવી જોઈએ. આજના OTT પ્લેટફોર્મના જમાનામાં દુનિયા નાની થઈ ગઈ છે અને સારું ક્ધટેન્ટ રાજ કરે છે. આજે લોકો માટે ક્ધટેન્ટ મહત્ત્વનું છે અને નહિ કે ભાષા.
બ્રાન્ડ પોતાને લોકો સમક્ષ જે રીતે મૂકશે તે રીતે લોકો તેને જોશે. બ્રાન્ડનું પર્સેપ્શન બ્રાન્ડના હાથમાં છે. આપણે ગુજરાતી ભાષાને નવા રૂપમાં મૂકવા રોકાણ કરવું પડશે. રોકાણ ફક્ત પૈસાનું નહિ, સમયનું પણ. એકાદ દિવસ ગુજરાતી દિવસ મનાવ્યે નહિ ચાલે, ૩૬૫ દિવસ ગુજરાતી દિવસ ઊજવવો પડશે. જેમ બ્રાન્ડ પોતાને સફળ બનાવવા વર્ષનું પ્લાનિંગ કરે છે, પોતાના પ્રોડક્ટમાં ઇનોવેશન, બદલાવ, નવી નીતિઓ લાવે છે તેમ આપણે પણ સમયે સમયે જોઈતા બદલાવો લાવવા પડશે.
બ્રાન્ડ પ્રતિસ્પર્ધીનો અભ્યાસ કરી પોતાની ચાલ ચાલે છે. બ્રાન્ડ પોતાની SWOT- સ્ટ્રેન્ગ્થ, વીકનેસ, ઑપર્ચ્યુનિટી અને થ્રેટ – ખૂબીઓ, નબળાઈ, તક અને મુશ્કેલીઓનો અભ્યાસ કરી પોતાને માર્કેટ માટે તૈયાર કરે છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો, આપણી ખૂબી; આપણી વેપારી, વિત્તવાન, તરીકેની છાપ, આપણી નબળાઈ; સાહિત્ય, કલા, સંસ્કૃતિમાં ઓછો રસ અને આનાથી મોટું તેનો રંજ નહિ. મુશ્કેલીઓ જોઈએ તો, આજની પેઢીને ભાષાથી લગાવ નથી, ગુજરાતી શાળાઓ બંધ થઈ રહી છે, પ્રકાશન ઘરો બંધ થઈ રહ્યાં છે, વાચનમાં રસ નહિ. તકની વાત કરીએ તો આજે પ્રાદેશિક ભાષાને વધુ મહત્ત્વ મળે છે, ગ્લોબલ વિચારધારા, યુવા વર્ગ કોઈ
પણ સમય કરતાં આજે વધુ ઓપન
માઇન્ડેડ છે.
આજે યુવાન ગ્લોબલી એક્સપોઝ્ડ છે, તે જાણે છે કે ગ્લોબલી લોકો પોતાની ભાષાને કેટલું મહત્ત્વ આપે છે. જર્મની, સ્પેનિસ, ફ્રેન્ચ તે શીખે છે કારણ તે જાણે છે કે બહારની દુનિયામાં તેનું મહત્ત્વ છે. આવા સમયે તેને પોતાની માતૃભાષા શીખવા પ્રેરિત કરી શકાય. આપણી ખૂબી/તાકાત વેપારી બુદ્ધિ આપણે કામે લગાડવી પડશે આપણી ભાષાને ગ્લોબલ ભાષા બનાવવા. આપણો પૈસો જે આપણી તાકાત છે તેને સારા કામે લગાડવો પડશે. ફક્ત પૈસો આપીએ નહિ ચાલે, ઇન્વોલ્વ થવું પડશે.
ગ્લોબલી આજે જેટલા પણ સફળ દેશો આપણે જોઈશું, તો તેઓમાં એક વાત સમાન છે અને તે એટલે તેઓએ પોતાની ભાષાને છોડી નથી; પછી તે જર્મની હોય, જાપાન હોય, ચીન હોય કે પછી ઇઝરાયલ હોય. બસ આ જ વાત ધ્યાનમાં રાખી ગુજરાતી ભાષાને આપણી સમક્ષ મૂકવી પડશે.
આજે જ્યારે અંગ્રેજીનું ચલણ વધી રહ્યું છે અને આપણે આપણી ભાષા તરફ દુર્લક્ષતા સેવી રહ્યા છીએ ત્યારે આપણી ભાષાને રિવેમ્પ કરવી અઘરી છે, પણ મુશ્કેલ નથી. બીજી પ્રાદેશિક ભાષાઓ જુઓ, પછી તે સાઉથ હોય કે મરાઠી હોય કે બેંગોલી હોય તેઓની ફિલ્મો, નાટકો બીજી ભાષાના લોકો સબ-ટાઇટલ સાથે પણ તેને રસથી જુએ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બ્રાન્ડ લોકો સમક્ષ રહેવી જોઈએ અને તેના માટે આજે આપણી પાસે સૌથી મોટું અને સરળતાથી યુવાનો સુધી પહોંચી શકાય તેવું સાધન છે; ઓનલાઇન પ્લેટફોર્મ્સ. સારું ક્ધટેન્ટ બનાવો અને લોકોને આપો. માફ કરજો પણ આપણું ક્ધટેન્ટ બીજા ક્ધટેન્ટની સરખામણી પણ નથી કરી શકતું. સમસ્યા ટેલન્ટની નથી, નિયતની છે. આપણે નાટક હોય કે ફિલ્મ્સ, આપણું લોજિક હોય છે કે દર્શકોને આવું જ જોઈએ છે. બાળકને શું આપવું તે માને ખબર હોય. તેવી જ રીતે સમાજને શું પીરસવુ તે સર્જકોના હાથમાં છે કારણ તેમને તેની જાણ છે, દર્શકોને નહિ. ચીલાચાલુ નહીં જ પીરસું, યુનિક રસપ્રદ ક્ધટેન્ટ પીરસીસ તેના માટે કટીબદ્ધ થવું પડશે. વેપારી બુદ્ધિ વાપરશું તો સમજાશે કે સારું ક્ધટેન્ટ સારા પૈસા કમાવી આપશે અને ભાષાને પણ આનાથી ફાયદો થશે.
ઇન્વેસ્ટમેન્ટ ક્ધટેન્ટ પાછળ કરવું પડશે. આ જ દર્શક બીજી ભાષાઓમાં બનતા સોલિડ ક્ધટેન્ટ રાત-દિવસ જુએ છે અને વખાણે છે, તેના વિષે વાત કરે છે. તે જોતો નથી કે વાંચતો નથી, કારણ તેની સમક્ષ આપણે તે જ જૂની વાતો રાખીએ છીએ. તેને રસપ્રદ પોડકાસ્ટ જોઈએ છે, આપણા સાહિત્યને ઓડિયો બુક્સમાં ક્ધવર્ટ કરી સાંભળવા આપો. એવા બ્લોગ્સનું નિર્માણ કરો જેને વાંચવામાં તેને રસ પડે. ઈવેન્ટ્સ ઊભી કરો જેમાં તે સક્રિય રીતે સહભાગી થઈ શકે. નવા સ્વરૂપે, નવી વાતો મૂકવી પડશે તો બ્રાન્ડ ગુજરાતી ખરા અર્થમાં ગ્લોબલ બનશે.
બ્રાન્ડ, લોકો ચાહે તે રીતે પોતાને પ્રમોટ કરે છે, નહિ કે બ્રાન્ડ ઓનર ચાહે તે રીતે. આ એક નાની વાત ગુજરાતી ભાષાની ધુરા સંભાળતા આગેવાનોએ ધ્યાનમાં રાખવી પડશે.
અંબાણી અને મેઘાણી (લક્ષ્મી અને સરસ્વતી) બંને સાથે જશે અથવા બ્રાન્ડ અંબાણીએ બ્રાન્ડ મેઘાણીમાં ઈન્વેસ્ટ કરવું પડશે ત્યારે બ્રાન્ડ ગુજરાતી ગ્લોબલ થશે અને આપણે ગર્વથી કહીશું કે વી ટોક ગુજરાતી, વી વોક ગુજરાતી, ત્યારે ખરા અર્થમાં વિશ્ર્વ ગુજરાતી દિવસ ઊજવાશે, કવિ નર્મદને અંજલિ આપી શકીશું અને કહી શકીશું કે ‘જય જય ગરવી ગુજરાત.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.