15 માર્ચના દિવસને દુનિયાભરમાં વિશ્વભરમાં વર્લ્ડ કન્ઝ્યુમર રાઈટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ ગ્રાહકને તેમના અધિકારો વિશે જણાવવાનો અને જાગૃત કરવાનો છે. એક જાગૃત ગ્રાહક હોવાને નાતે આપણને બધાને અમુક અધિકારો મળેલા હોય છે, પણ આપણે એ અધિકારની જાણ નથી હોતી અને ઘણી વખત આ જ્ઞાનના અભાવને કારણે જ આપણે છેતરાઈ જઈએ છીએ કે પછી હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે.
આજના દિવસે ગ્રાહકોને તેમના અધિકાર વિશે જાગરૂક કરવા માટે વિવિધ કેમ્પેઈન ચલાવવામાં આવે છે અને આ કેમ્પેઈનના માધ્યમથી ગ્રાહકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. 24 ડિસેમ્બરની ઊજવણી ભારતમાં “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે અને ક્યારે શરૂ થઈ તેમજ આ વર્ષની થીમ વિશે…
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એટલે કે વર્લ્ડ કન્ઝ્યુમર રાઈટ્સ ડેની ઊજવણી કરવાનો વિચાર રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીને આવ્યો હતો અને 15મી માર્ચ, 1962ના રોજ, પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ યુએસ કોંગ્રેસના સત્તાવાર સંબોધનમાં ઉપભોક્તા અધિકારોનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. ઉપભોક્તા અધિકારોની વાત કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા હતા. 15 માર્ચ 1983ના રોજ પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. ગ્રાહકોનો સંગ્રહખોરી, કાળાબજાર, બજારમાં ભેળસેળયુક્ત માલસામાનનું વિતરણ, નિયત કિંમત કરતાં વધુ કિંમત વસૂલવી, બિન-માનક માલનું વેચાણ, છેતરપિંડી, માપણીમાં ગેરરીતિ, ગેરંટી બાદ પણ સેવા ન આપવી, ઉપરાંત ગ્રાહકો સામેના ગુનાઓને ધ્યાનમાં રાખીને જાગૃતિ લાવવામાં આવી છે. આ દિવસે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષ એટલે કે 2023ની થીમ Empowering consumers through clean energy transitions છે. વર્ષ 2022માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ ફેર ડિજિટલ ફાઇનાન્સ હતી, જ્યારે વર્ષ 2021માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવો હતી.