વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજે જીત્યો રજત

દેશ વિદેશ

યૂજીન: અમેરિકાના યુજીનમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ઓલિમ્પિકના ગોલ્ડન બોય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. એન્ડરસને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૦૩ બાદ ભારતને આ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ ૨૪ વર્ષના નીરજે અપાવ્યો છે. તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ૮૮.૧૩ મીટર દૂર ભાલો ફેંકીને બીજો નંબર મેળવી રજત ચંદ્રક મેળવી લીધો હતો.
અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત પાસે ફક્ત એક જ ચંદ્રક હતો જે લોન્ગ જમ્પમાં નિષ્ણાત અંજુ બૉબી જ્યોર્જને ૨૦૦૩માં કાંસ્ય ચંદ્રકના રૂપમાં મળ્યો હતો. હવે ૧૯ વર્ષ બાદ ભારતના ખાતામાં બીજો મેડલ આવ્યો છે જે સિલ્વર છે.
નીરજે છ વાર ભાલા ફેંક્યા હતા એમાં પહેલો, પાંચમો અને છઠ્ઠો થ્રો ફાઉલ (ખરાબ) રહ્યો હતો. બીજો ૮૨.૩૯ મીટરના અંતરે, ત્રીજો ૮૬.૩૭ મીટરના અંતરે અને ચોથો થ્રો ૮૮.૧૩ મીટરના અંતરે પડ્યો હતો જેણે તેને રજત ચંદ્રક અપાવ્યો હતો. તેના હરીફ ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે ફાઇનલમાં શરૂઆતના પ્રથમ બે થ્રો ૯૦ મીટરથી પણ વધુ અંતરના કર્યા. તે સાથે જ તેણે ફાઇનલમાં ૯૦.૫૪ મીટરના બેસ્ટ થો્ર સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. એન્ડરસને અગાઉ ૨૦૧૯ની દોહા ખાતે રમાયેલ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ફાઇનલમાં નીરજ ઉપરાંત બીજો એક ભારતીય ખેલાડી રોહિત યાદવ પણ હતો. જોકે, શરૂઆતના ત્રણ થ્રો બાદ એ ટોપ-૮માં પોતાનું સ્થાન બનાવી શક્યો ન હતો અને મેડલની રેસમાંથી બહાર થઇ ગયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.