નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ઓસ્ટ્રેલિયામાં સન ૨૦૨૦માં લાગેલી ભીષણ આગ જેને ઓઝી લોકો બુશ ફાયર તરીકે ઓળખાવે છે, તેમાં કુદરતનું એક અનોખું સ્વરૂપ સામે આવ્યું જે પ્રાણીઓમાં બહુ જૂજ કિસ્સાઓમાં જોવા મળે છે . . . દયા ભાવ અને કરૂણા. પ્રાણી-જગત બેરહેમ કહેવાય છે. એક જીવ બીજા જીવની દયા ખાય નહીં અથવા તો પ્રાણી સહજ વૃત્તિઓ મુજબ જ વર્તે. આ અપેક્ષિત વર્તણૂક છે. પરંતુ એક જીવ આપત્તિના સમયે બીજા જીવોની દયા ખાય એવું આ બુશ-ફાયરમાં જોવા મળ્યું. સામાન્ય રીતે પ્રાણીઓ પોતાના આવાસ બાબતે બહુ મમતીલા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલીયન વાઈલ્ડ લાઈફનો એક વિચિત્ર જીવ તો આ બાબતે જીવન રક્ષક નિકળ્યો ! હા, આપણે અગાઉ ઓસ્ટ્રેલીયન પ્રાણીઓની વાત કરેલી તેના લિસ્ટમાં આ મહાશય હતા. એમનું નામ છે ‘વોમ્બેટ’. આપણા વોમ્બેટભાઈની દિલેરીની વાતથી શરૂ કરી રહ્યા છીએ તે વાત અંતે તો તેમની વિચિત્રતા પર જ અંત પામશે.
ઓસ્ટ્રેલીયન બુશફાયરના વીડિયોઝ જોઈને આપણે સૌ દ્રવી ઊઠેલાં. આગમાં સળગતા અનેક જીવોની વેદના આપણે ટેલિવિઝન પર જોઈ જ છે. ઘરની દાઝી વનમાં ગઈ, ને વનમાં લાગી આગ જેવો તાલ આખા ઓસ્ટ્રેલિયામાં હતો. પ્રાણીઓ ગમે એટલું ભાગે પણ અંતે તો અગ્નિદેવ તેમને સ્વાહા કરી જ જતા હતાં. આવા કપરા કાળમાં આપણા વોમ્બેટ મહાશય, જેઓ જમીનની નીચે જાતે અને પોતે દર ખોદીને રહે છે, તેમણે અનેક નાના પ્રાણીઓને અને પંખીડાઓને પોતાની દરોની બનેલી વિશાળ અન્ડરગ્રાઉન્ડ ટનલોના નગરમાં આશરો આપીને તેમને બચાવી લીધી. અરે ના, વોમ્બેટભાઈ કંઈ પ્રાણીઓને બોલાવવા નહોતા ગયા, પરંતુ અગ્નિના ડરથી તેમના દરોમાં ઘૂસી આવેલા જીવોને તેમણે ત્યાંથી ન તગેડીને પ્રાણીજગતમાં એક નવો સિલસિલો ચાલુ કર્યો હતો.
તો ચાલો આપણા આ દિલેર મિત્ર એવા વોમ્બેટનો પરીચય થઈ જાય ? વોમ્બેટ એ ઓસ્ટ્રેલિયાનું એવું પ્રાણી છે જે તમને મોટે ભાગે સળિયા પાછળ જ જોવા મળશે. અરે, તેને કંઈ જેલની સજા નથી થઈ ! પરંતુ આ પ્રાણી અત્યંત શરમાળ અને નિશાચર પ્રાણી હોવાથી હાડોહાડ પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણ વિજ્ઞાનીઓ સિવાય મહદંશે કોઈએ જોયું ન હોય એ સ્વાભાવિક છે. તેથી આ પ્રાણીને લોકો જોઈ શકે તેના વિશે જાણી શકે તેના માટે સરકારે તેમને પ્રાણીસંગ્રહાલયોમાં વસાવ્યા છે. મજાની વાત તો એ છે કે આ પ્રાણીના શરમાળ પ્રકાર અને નિશાચરી સ્વભાવને લીધે ઓસ્ટ્રેલીયન એબોરીજનલ એટલે કે મૂળનિવાસીઓના લોકસાહિત્યમાં પણ આ પ્રાણીનો ક્યાંય ઉલ્લેખ નથી. અને જુઓ તો ખરાં, ઓસ્ટ્રેલીયામાં છેક સન. ૨૦૦૩માં એક ૪૦૦૦ વર્ષ જૂની ગુફા મળી આવી અને તેની દીવાલોમાં મળેલા ભીંતચિત્રોમાં વોમ્બેટના ચિત્રો મળી આવ્યા છે.
એવું કહેવાય છે કે વોમ્બેટને હજારો વર્ષ પહેલાં પૂંછડી હતી, પરંતુ પૃથ્વી પર જીવન અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં તેણે પોતાના શરીરમાં જે બદલાવો આણ્યા તેના લીધે તેની પૂંછડી લોપ થઈ ગઈ અને તેની જગ્યાએ એક અનોખી ઢાલ જેવી પૂંઠ તેને પ્રાપ્ત થઈ. વોમ્બેટ માત્ર દોઢ બે ફૂટ જેટલું ઊંચું હોય છે અને તેના પગ ખૂબ જ ટૂંકા પરંતુ મજબૂત હોય છે. આ પ્રાણીએ કોઈ સમયકાળમાં શિકારી પ્રાણીઓથી બચવા પૃથ્વીના પેટાળમાં રહેવાનું ચાલુ કરેલું અને ત્યાં રહેવા રેડીમેઈડ અથવા ભાડે ટનલ તો મળે નહીં. એટલે બીજા બદલાવ તરીકે વોમ્બેટના પગ પણ પોતાનું દર પોતે ખોદી કાઢી શકે એટલા મજબૂતી પામ્યાં. આની સાથે સાથે બીજું એક પરિવર્તન પણ આવ્યું હતું.
પૂંછડીનો લોપ થવાથી એક બીજું પરિવર્તન પણ તેનામાં લાવવું પડ્યું. ટૂંકા પગ અને ગોળમટોળ કાયાના કારણે વોમ્બેટ શિકારી પ્રાણીઓનો પ્રિય શિકાર હોવો જોઈએ. તેથી તેના બચાવ માટે સમયોપરાંત વોમ્બેટે પોતાની પૂંઠને રબ્બર જેવી લવચિક અને ડઠ્ઠર બનાવી દીધી. ઘણી વાર તો વોમ્બેટ પોતાના દરમાં ઘુસી આવતા શિકારીને ખાળવા માટે પોતાની આ પૂંઠનો ઉપયોગ કરે છે. હકીકતે એની પૂંઠ એટલી જાડી કોમલાસ્થિ એટલે કે કાર્ટિલેજની બનેલી હોય છે કે શિકારીના દાંત કે પંજા તેને ઈજા કરી શકતાં નથી અને વોમ્બેટ ભાઈ ‘લે ઠેંગો’ કરીને નાસી જાય છે. ઓસ્ટ્રેલિયામાં આવી વસેલા યુરોપિયન વસાહતીઓ શરૂઆતમાં તેને ઘોરખોદીયુઅં માનતા હોવાથી તેમનો અવિચારી શિકાર થયો અને તેઓ જોખમના આરે આવી ઊભાં. વોમ્બેટ ઓસ્ટ્રેલિયાના મેદાનોથી લઈને પર્વતોની ટોંચે એમ તમામ પ્રકારના પર્યવાસોમાં જોવા મળે છે.
ઓસ્ટ્રેલિયામાં
વોમ્બેટની ત્રણ જાતિઓ મળી આવી છે. ‘કોમન વોમ્બેટ’ એ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળતી જાતિ છે. એ સિવાય સધર્ન અને નોર્ધર્ન હેરી નોઝ્ડ વોમ્બેટની બીજી બે પ્રજાતિઓ છે. કુલ મળીને ઓછી સંખ્યામાં હોવાથી અને મોડે મોડે પ્રકાશમાં આવેલા પ્રાણીનો અભ્યાસ પણ ઓછો થયો છે. પરંતુ તેમના પર સંશોધકોનું ધ્યાન કેન્દ્રિત થયા બાદ સૌથી મજેદાર વાત જે જોવા મળી છે એ ખરેખર અજુગતી છે. સૌએ પ્રાણીઓના પોદળા, લીંડીઓ અને મળ જોયા જ હશે. મહદંશે કોઈ પણ પ્રાણીની લીંડીઓ ગોળાકાર હોય અથવા નળાકાર હોય. પરંતુ વિચિત્રતાઓના સરતાજ એવા આપણા વોમ્બેટભાઈની લીંડીઓ ચોરસ ચોસલા જેવી હોય છે. પ્રકૃતિ વિજ્ઞાનીઓએ એટલું માથુ ખંજવાળ્યું એટલું માથું ખંજવાળ્યું કે અમુક વિજ્ઞાનીઓને તો માથે ટાલ પણ પડી ગઈ હશે! અનેક સંશોધનો બાદ વૈજ્ઞાનિકો એક સાવ અનૂઠા તારણ પર આવ્યા. સામાન્ય પ્રાણી કે મનુષ્યના આંતરડાના સ્નાયુઓ કરતાં વોમ્બેટના આંતરડાના સ્નાયુઓ અલગ બંધારણ ધરાવતા હોવાથી, પાચન પ્રક્રિયા પત્યા બાદ આંતરડાના સ્નાયુઓની આ રચના બાદ તેનું મળ કંઇક અજાયબ રીતે ચોરસ આકારના ચોસલાના આકારમાં જ બંધાય છે. વોમ્બેટના આંતરડાના સ્નાયુઓની રચનાનો અભ્યાસ કરીને તેની ટેકનિકલ નકલ કરીને તેનો ઉદ્યોગમાં ઉપયોગ કરવા તરફના સંશોધન પણ ચાલી રહ્યાં છે. ભગવાનના સમ . . . ભવિષ્યમાં આવા આકારના ઉત્પાદનો ખરીદતી વખતે આ પ્રશ્ર્ન આપણને અવઢવમાં જરૂર મૂકી દેશે.