સોમવારે બેંગલુરુ રેલવે સ્ટેશન પર પ્લાસ્ટીકના ડ્રમમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બેંગલુરુ રેલવે સ્ટેશન પર આવી રીતે પ્લાસ્ટીકના ડ્રમમાં મૃતદેહ મળી આવવાની વર્ષમાં આ બીજી ઘટના બની છે. આ ડ્રમ બાયપ્પનહલ્લી સ્ટેનના એક એન્ટ્રી ગેટ પાસે સોમવારે સવારે લગભગ 10 થી 11 વગ્યાના સુમારે મળી આવ્યો હતો. આ મૃતદેહ કપડાંમાં ઢાંકેલો અને ઉપર થી ડ્રમનું ઢાંકણ બંધ કરી મૂકવામાં આવ્યો હતો. મહિલા 31 થી 35 વર્ષની હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી નથી.
એક અંગ્રેજી વેબ પોર્ટલ મુજબ આ અંગે તપાસ કરતા પોલીસને માહિતી મળી છે કે સોમવારે ત્રણ માણસો આ ડ્રમને રિક્ષામાં લઇને આવ્યા હતા અને તેમણે જ આ ડ્રમને સ્ટેશનના ગેટ પાસે મૂકી દીધો હતો. આ મૃતદેહ માછલીપટ્ટનમ સ્ટેશનથી ટ્રેનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ માછલીપટ્ટનમમાં વધુ તપાસ અર્થે એક ટીમ મોકલવામાં આવી છે. હજી સુધી આ મૃતદેહ કોનો છે તેની ઓળખ થઇ શકી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 4, જાન્યુઆરીના રોજ યશવંતપુર રેલવે સ્ટેશન પર સફાઇ કર્મચારીઓને સફાઇ કરતી વખતે આવી જ રીતે પ્લાસ્ટીકના ડ્રમમાં લગભગ 20 વર્ષની મિહલાનો ડિકમ્પોઝ્ડ મૃતદેહ મળી આવ્યો હતો.