૨૦ વર્ષથી ગુમ મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં મળી આવી

દેશ વિદેશ

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં રહેતી મહિલા કામ નિમિત્તે વિદેશ જવા નીકળ્યા બાદ ગુમ થયાનાં છેક ૨૦ વર્ષે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનમાં મળી આવી હતી.
પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં રહેતી હમીદા બાનો (૭૦)ને કુર્લામાં રહેતા તેના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. હમીદાને દુબઈમાં કામ મળ્યું હતું. ૨૦૦૨માં તે દુબઈ જવા મુંબઈથી નીકળી હતી.
હમીદાના પરિવારજનોના કહેવા મુજબ પાકિસ્તાનના સામાજિક કાર્યકર વલિઉલ્લાહ મારૂફ હમીદાને મળ્યો હતો. ૨૦ વર્ષ અગાઉ દુબઈમાં નોકરીની ખાતરી આપીને મુંબઈના એજન્ટે કઈ રીતે તેને છેતરી અને તેને પાકિસ્તાન પહોંચાડી એ અંગેની વિગતો હમીદાએ મારૂફને આપી હતી.
પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં રહેતી હમીદાએ સ્થાનિક પુરુષ સાથે નિકાહ કર્યા હતા અને તેને એક સંતાન પણ છે. જોકે બાદમાં તેના પતિનું નિધન થયું હતું. હમીદાની આપવીતી સાંભળી મારૂફે તેનો વીડિયો પોતાની યુટ્યૂબ ચૅનલ પર મૂક્યો હતો, જે મુંબઈના એક સામાજિક કાર્યકરે જોયો હતો અને તે મદદ માટે આગળ આવ્યો હતો.
મુંબઈના યુવાન ખફલાન શેખે સંબંધિત વીડિયો પોતાના સ્થાનિક ગ્રુપમાં ફેરવ્યો હતો અને હમીદા બાનોની કુર્લાના કસાઈવાડામાં રહેતી પુત્રી યાસ્મીન બશીર શેખને શોધી કાઢી હતી. યાસ્મીને જણાવ્યું હતું કે મારી માતા જીવિત છે અને સુરક્ષિત છે એ જાણી અમે ઘણા ખુશ છીએ. તેને ભારત પાછી લાવવા ભારત સરકાર અમારી મદદ કરે એવી અમને અપેક્ષા છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.