(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ (પશ્ચિમ)માં એક ઘરની ભીંત તૂટી પડવાની દુર્ઘટનામાં ૪૦ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હોવાનો બનાવ શુક્રવારે વહેલી સવારે બન્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાનો પતિ ગંભીર જખમી થયો હતો. તેના પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતક મહિલાનું નામ લક્ષ્મીબાઈ કાતડે છે અને જખમી થયેલા ૫૦ વર્ષના તેના પતિનું નામ રઘુનાથ કાતડે છે. આ દંપતી મુલુંડ (પશ્ચિમ)માં મુલુંડ કોલોનીમાં હનુમાન પાડામાં એક ચાલીમાં રહેતું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કાતડે દંપતીના ઘરની બાજુમાં એક ખાલી અને જૂના થયેલા ઘરની ભીંત શુક્રવારે સવારના લગભગ ૫.૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. આ ભીંત કાતડે દંપતીના ઘર પર તૂટી પડતાં તેના કાટમાળ હેઠળ પતિ-પત્ની દબાઈ ગયાં હતાં.
દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે, પોલીસ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભીંતના કાટમાળ હેઠળ ફસાયેલાં કાતડે દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને તાત્કાલિક તેમને અગ્રવાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ લક્ષ્મીબાઈ કાતડેને તપાસીને મૃત જાહેર કરી હતી. તો રઘુનાથને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મુલુંડમાં ઘરની ભીંત તૂટતા એક મહિલાનું મોત
RELATED ARTICLES