(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાશીમીરા વિસ્તારમાં જૂની અદાવતને લઇ મહિલા અને તેના ચાર માસૂમ સંતાનોની હત્યા કરીને ફરાર થઇ ગયેલા આરોપીની પોલીસે ૨૮ વર્ષ બાદ ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાવલાલા ઉર્ફે કાલ્યા ઉર્ફે સાહેબ ઉર્ફે રાજકુમાર અમરનાથ ચૌહાણ તરીકે થઇ હોઇ મુંબઈ એરપોર્ટ પર તેને તાબામાં લેવાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઇ આરોપી રાજકુમાર ચૌહાણ તેમ જ તેના બે સાથીદાર અનિલ સરોજ અને સુનીલ સરોજ ૧૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ રાજનારાયણ શિવચરણ પ્રજાપતિના કાશીમીરા સ્થિત પેણકર પાડા ખાતેની ભરવાડ ચાલના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે પ્રજાપતિની પત્ની જગરાનીદેવી (૨૭) તથા તેના ચાર સંતાન પ્રમોદ (૫), પિંકી (૩), પિંટુ (૨) અને ત્રણ મહિનાના પુત્રની કરપીણ હત્યા કરી હતી.
આરોપીઓએ બાદમાં ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને હથિયાર તથા લોહીથી ખરડાયેલાં કપડાં છુપાવી દીધા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાશીમીરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓની શોધ આદરી હતી. જોકે, તેમનો કોઇ પત્તો લાગતો નહોતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ (કાશીમીરા)ની ટીમ જૂન, ૨૦૨૧માં આરોપીઓની શોધ માટે વારાણસી ગઇ હતી, જ્યાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી ૨૦ દિવસ સુધી તપાસ કરી હતી, જેમાં આરોપી રાજકુમાર કામ નિમિત્તે વિદેશ જતો હોવાની માહિતી મળી હતી.
બાદમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે રાજકુમાર બે-ત્રણ મહિના માટે પોતાના વતન બનારસ આવતો હતો. આરોપી ૨૦૨૦માં કતારમાં ગયો હતો અને તે પોતાના વતન પાછો ફરવાનો છે. આથી પોલીસે આરોપીના પાસપોર્ટનો નંબર મેળવ્યો હતો અને તેની સામે લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું.