રાજસ્થાનમાં એક મહિલાએ એક સાથે પાંચ બાળકને જન્મ આપવાની ઘટના નોંધાઇ હતી. મહિલાના લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા, પરંતુ હજી સુધી તેની ગોદ સુની હતી. તેવામાં એક સાથે પાંચ બાળક જનમતા ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઉજવણીનું આ વાતાવરણ ટૂંક સમયમાં જ શોકમાં ફેરવાઈ ગયું. મળતી માહિતી મુજબ મહિલાના કોઈપણ બાળકને બચાવી શકાયા નથી.
આ મામલો કરૌલી જિલ્લાનો છે. પિપરાની ગામની રહેવાસી 25 વર્ષીય રેશ્માએ સોમવારે સવારે 5 બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં બે છોકરા અને ત્રણ છોકરી હતી. મહિલાની ડિલિવરી 7 મહિનામાં થઈ હતી. પ્રી-મેચ્યોર ડિલિવરી પછી માતા સ્વસ્થ હતી, પરંતુ તેના નવજાત શિશુઓ નબળા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તમામ બાળકોના જન્મમાં દોઢ મિનિટનો તફાવત હતો. બાળકોનું વજન 300 થી 660 ગ્રામ સુધી હતું. એમને સારવાર માટે જયપુર લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં 2 છોકરા અને 2 છોકરીનું જ મોત થયું હતું, જ્યારે એક છોકરી જયપુર પહોંચીને હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી.