મુંબઈના અક્સા બીચ પર સનસનાટી, હોટલમાંથી મહિલાની લાશ મળી

આમચી મુંબઈ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. મલાડના અક્સા બીચ પાસેની એક હોટલમાંથી 47 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. ખાસ વાત એ છે કે મહિલાના શરીર પર કોઈપણ પ્રકારના નિશાન નથી. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું નથી. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ બહાર આવશે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે હત્યારાની ઓળખ થઈ ગઈ છે પરંતુ પોલીસ હજુ તેનું નામ જાહેર કરી શકી નથી. આરોપી હજુ ફરાર છે, જેની ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હોટલના સ્ટાફે મંગળવારે સાંજે 4 વાગ્યે સૌપ્રથમ 47 વર્ષીય મહિલાનો મૃતદેહ જોયો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હોટલની આસપાસની નાની દુકાનો અને હોટલના માલિક અને સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. પોલીસે હોટલમાં નોંધાયેલા આધાર કાર્ડની માહિતી અનુસાર હત્યારા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેના ઘરે મળી શક્યો ન હતો. હત્યાનો આરોપી વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે, જેની શોધ માટે પોલીસે એક વિશેષ ટીમ પણ બનાવી છે.
હોટેલ સ્ટાફના જણાવ્યા મુજબ કપલ સોમવારે સાંજે હોટેલમાં આવ્યું હતું. આવતા વેંત જ તેમની વચ્ચે તકરાર ચાલુ થઇ ગઇ હતી. હોટેલ સ્ટાફે તેમને શાંત પાડ્યા હતા. મંગળવારે સવારે તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ હોટેલ રૂમનો દરવાજો નહીં ખોલ્યો અને કૉલનો જવાબ પણ નહીં આપતાં કર્મચારીઓએ પોલીસને જાણ કરી. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે તે પલંગ પર પડેલી જોવા મળી હતી. મહિલાને હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પણ હત્યારાને પકડવા માટે સમાંતર તપાસ શરૂ કરી દીધી છે. હત્યારો કાંદિવલી પશ્ચિમના મહાવીર નગર વિસ્તારનો રહેવાસી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.