વિશેષ -અભિમન્યુ મોદી
સ્ત્રી હોવું એ સ્ત્રીઓનું અચિવમેન્ટ નથી. તેમનું અસ્તિત્વ મનુષ્યની માદા જાતિના શરીરમાં છે તે તેમની સિદ્ધિ નથી. ક્રોમોસોમ તેણે ગુલાબી રંગની જેમ પસંદ કર્યા ન હતા. સ્ત્રી તરીકે જન્મ લેવો એ એના હાથમાં ન હતું માટે એ બાબતનો શ્રેય તે ન લઈ શકે.
પણ જન્મતાની સાથે જ તેને રમાડવાની બાબતે, તેના પહેરાવવામાં આવતા ઝભલાની સાથે, તેને તેડતી વખતે, તેને બહાર લઈ જતી વખતે, કોઈના હાથમાં થોડી વાર આપતી વખતે, તેને આપવામાં આવતા રમકડાંના પ્રકારોની બાબતે, તે પહેલો એકડો ઘૂંટે ત્યારથી તે વાંચતા-લખતા શીખે ત્યાં સુધીમાં તેની સાથે થયેલો વ્યવહાર અને દુનિયા અલગ છે એવો એને આછોપાતળો અહેસાસ તેને થતો હોય પણ દુનિયાદારીની ક્રૂર સમજણ હજુ ન આવી હોય એટલે બહુ ખબર ન પડે. મમ્મીનો ખોળો ને પપ્પાના ખભા જ દુનિયા હોય.
અત્યાર સુધી વર્જિન રહેલા એના મગજનું દૂષણ ત્યારે ચાલુ થાય જ્યારે તે આગળનાં ધોરણોમાં આવે. છોકરી જુએ કે બાલમંદિરમાં તો બહેનો ને ટીચર જ હતા, આ અચાનક સાહેબો કેમ ભણાવવા આવવા મંડ્યા? ધીમે ધીમે એને ખબર પડે કે એના કલાસમાં છોકરાઓની સંખ્યા વધુ છે, મહિલા સ્કૂલ હોવા છતાં શિક્ષકોમાં સાહેબો જ સાહેબો છે, અંગ્રેજીનું વ્યાકરણ પણ પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ એમ ભણાવવામાં આવે છે. શિયાળ ને કાગડાની વાર્તામાં બન્ને પુલ્લિંગ છે, વાંદરા અને ટોપીવાળા ફેરિયાની વાર્તામાં જાનવર અને મનુષ્ય બન્ને નર જાતિના છે, જંગલના રાજાની વાર્તા જ એના ક્લાસમાં કહેવામાં આવે છે- જંગલની રાણી સિંહણની કોઈ વાર્તા જ નથી કહેતું, અરે મોટાભાગની વાર્તાની શરૂઆત પણ રાજાથી થાય છે. મમ્મી-પપ્પા મેળામાં જાય છે તો મેળો શરૂ થાય એની પહેલાથી જ દેખાતા ફેરીયાઓ પાસે રહેલા રમકડાં મોટા ભાગના બોયઝ માટે છે. પપ્પાને મારી ઢીંગલી ગોતવા માટે અંદર ત્રણ સ્ટોલ ફરવા પડે છે! રિક્ષાથી લઈને બસ સુધી કોઈ અંકલ જ હંકારતું હોય, રેસ્ટોરન્ટમાં ઓર્ડર લેવા પણ કોઈ અંકલ આવે અને કાકાએ એક ઓળખીતાની રેસ્ટોરન્ટનું રસોડું અંદરથી બતાવ્યું તો એમાં બધા રસોઈ કરતા હતા એ પણ અંકલો અને બડે ભૈયાઓ જ હતા. સ્કૂલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પણ મોટે ભાગે છોકરાઓ હોય છે. મને કોઈ જ ટીચર કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવાની ના નથી પાડતા, ઉલટાનું પ્રોત્સાહન આપે છે પણ હું જ્યાં જઉં ત્યાં છોકરાઓ જ મેજોરિટીમાં દેખાય. મારી સાથે ગર્લ્સ હોય ખરી પણ દર વખતે કંપની બદલાયે રાખે, ક્યારેક તો હું એકલી જ હોઉં. પોસ્ટમેન પણ કોઈ ભાઈ હોય છે અને ઘરે નળ રિપેર કરવા આવતા પ્લમ્બર પણ ભાઈ. રાષ્ટ્રપિતાનો ફોટો પણ નોટમાં રોજ જોઉં છું. સ્કૂલના સેમિનારમાં કહ્યું હતું માટે હવેથી છાપું વાંચવાનું શરૂ કર્યું તો દસ દિવસમાંથી નવ દિવસની છાપાની હેડલાઈનના કેન્દ્રમાં કોઈ પુરુષ હોય. ઘરે બધા વર્લ્ડ કપ જોવા ભેગા થાય છે તો એ આખી ક્રિકેટની ટીમ પણ પુરુષોની. ફોરેનમાં ફૂટબોલ થાય એમાં પણ પુરુષો જ. હા, મહિલાઓની ટીમ પણ હોય છે, હોકી-ક્રિકેટ બધામાં. પણ એ લોકોના નામ જનરલ નોલેજની કે યુપીએસસીની બુકમાં જ સમાઈને રહી જાય છે.
ટૂંકમાં, એ છોકરી મોટી થાય ત્યાં સુધીમાં આપણે બધાએ અજાણતા જ એના મનમાં નાખી દીધું છે કે બેન તને બધા બહુ માન-સન્માન આપે છે અને આપતા પણ રહેશે પણ આ દુનિયાને ચલાવે છે પુરુષો. ટાઇટેનિકનો કેપ્ટન પણ પુરુષ હોય અને તેનસિંગ-હિલેરી પણ સ્ત્રી ન હોય. આર્મસ્ટ્રોંગથી લઈને આઇનસ્ટાઇન સુધી બધાં જ ક્ષેત્રોની ટોચ પર પુરુષોની બહુમતી જોઈને મનમાં ઠસી ગયેલો ‘પુરુષો જ બધે આગળ છે’નો વિચાર વેશભૂષા કોમ્પિટિશનમાં ફક્ત લક્ષ્મીબાઈ કે ભારતમાતા બનીને સ્ટેજ ઉપર ચાલવાથી ભૂંસાતો નથી. લગ્ન વ્યવસ્થાથી લઈને સ્મશાનમાં થતી અંતિમ વિધિ સુધી, લગ્ન કરાવતા ગોર બાપાથી લઈને વેટિકનના ઝરૂખામાં હાથ હલાવવા આવતા રહેતા નામદાર પોપ સુધી, પહેલું મુંડન કરાવવા આવતા વાળ કાપનાર ભાઈથી લઈને ખેડૂતને જગતાત કહેવાતા સંબોધન સુધી, ચિરાગ ઘસતા બહાર નીકળતા જીનથી લઈને કુરક્ષેત્રમાં લડતા બહાદુર પુરુષો સુધી દરેક વાતે આ દુનિયાએ અને આપણે જાણે દરેક સ્ત્રીને ચોક્કસ ટોનમાં કીધું છે કે બેન તું છોકરી છો હો.
અત્યારે આપણે એટલા ડાહ્યા છીએ કે મનમાં વિચારતા પણ હોઈએ તો પણ સ્ત્રીઓને ઊતરતી નથી ગણતા, પણ આપણા મોટાભાગના કામમાં એક પરોક્ષ મેસેજ જાય છે કે મેન આર સુપિરિયર એન્ડ, બટ, વિમેન ઓલ્સો કેન બી!
આ બધામાં આપણો વાંક નથી. સિસ્ટમ ખોટી છે કે વડવાઓ અક્કલ વિનાના હતા એવું કહેવાનું પ્રયોજન નથી. અત્યારે એ વાત જ નથી. મુદ્દો એ છે કે આપણો વાંક હોય કે ન હોય, જાણતા થયું હોય કે અજાણતા, જન્મ થાય ત્યારે લક્ષ્મીજી પધાર્યાના સંબોધનથી લઈને એક સ્ત્રી અ.સૌ. બને અને કદાચ છેલ્લે ગં.સ્વ. નો પૂર્વગ લાગે અને છેલ્લે પાનેતર ઓઢાડવાનો વારો આવે ત્યારે લગભગ દરેક તબક્કે એને એવી દુનિયા મળી છે જેની ઉપર એમ્બ્રોઈડરી ભલે સ્ત્રીત્વથી થઈ હોય પણ એ કાપડના તાકાના તાણાને વાણા પુરુષત્વના જ છે. આ હકીકત છે. અને આ સ્ત્રીઓ જે આપણી આજુબાજુ છે, મમ્મી, બહેન, કઝીન, દીકરી, મા, કાકી-માસી-દાદી, હાઉસહોલ્ડ હેલ્પ કે કોઈ પણ સ્ત્રી આ જ દુનિયા જે એના માટે નથી બની તેમાં માથું કાઢીને અહીં સુધી પહોંચી છે. બધા જ ઓડ્સને અતિક્રમીને આજે એ સ્ત્રીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવ્યું અને ખુશીથી જાળવ્યું માટે આજે દુનિયા ટકેલી છે. આઇનસ્ટાઇન ભલે એમ કહે કે મધમાખીઓ જો અદ્રશ્ય થઈ જાય તો ચાર વર્ષની અંદર મનુષ્યજાત ખતમ થઈ જાય. સ્ત્રીઓ વિના આ સંસાર ચાર મહિના પણ ચાલી શકે એમ છે ખરો?
માટે સ્ત્રી હોવું કે થવું એ અચિવમેન્ટ નથી, પણ આપણે બનાવેલી આ દુનિયામાં સ્ત્રી બનવું બહુ જ મોટી સિદ્ધિ છે. પછી એ ગૃહિણી હોય કે બેદુઈનોની બુરખો ઓઢીને પતિની પાછળ રણમાં ચાલતી સાતમી પત્ની હોય કે કોઈ દેશની પ્રમુખ હોય. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ, તમારું અહિત કરનારી સ્ત્રી પણ વંદનીય છે જ. એક જાતિની અંદર જુદી જુદી પોસ્ટ ન હોય પણ સ્ત્રીઓમાં આ દુનિયા માટે સૌથી વધુ ભોગ કોઈ કોમ્યુનિટી એ આપ્યો હોય તો એ વેશ્યા સ્ત્રીઓનો સમાજ છે અને તેમના સહિત દરેક સ્ત્રીઓને વંદન કરવા જ જોઈએ.