માનવીય ભૂલને કારણે મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ…

ઇન્ટરવલ

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

ઈમેજિન કરો કે એક દિવસ અચાનક તમારા ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર થઈ જાય અને તમે રાતોરાત લખપતિ થઈ જાઓ તો…? વિચારમાત્ર જ આપણને ગલીપચી કરાવી જાય નહીં, પણ પાછળથી જો તમને એ જ ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાનું ફરમાન કોર્ટ દ્વારા આપવામાં આવે તો? સાતમા આસમાનથી આવી ગયાને સીધા ધરતી પર… ખેર, આપણને શેખચિલ્લીના સપના જેવી લાગતી આ ઘટના કે વિચાર એક મહિલાના જીવનની હકીકત છે.
થેવામાનોગરી મનીવેલ છે આ મહિલાનું નામ અને ભૂલથી એક દિવસ તેના ખાતામાં ૭૦ લાખ અમેરિકન ડૉલર ટ્રાન્સફર થઈ ગયા અને આ રકમ વિશે વિચારીને જ તે પોતાની જાતને ખુશનસીબ અને સૌથી ભાગ્યશાળી માનવા લાગી હતી. આ ખુશી જ હવે તેના અને તેના મિત્રો માટે ગળામાં ફસાયેલી ગરોળી બની ગઈ છે, કારણ કે ઓસ્ટ્રેલિયાની કોર્ટે આ કેસમાં એવો ચુકાદો આપ્યો છે કે મનીવેલે આ પૈસા પાછા આપવા પડશે અને એટલું જ નહીં, તેણે આ રકમ પર વ્યાજની સાથે સાથે લીગલ ફી પણ ચૂકવવી પડશે. આવો જોઈએ શું છે આખી ઘટના.
મે, ૨૦૨૧થી આ આખા ઘટનાક્રમની શરૂઆત થઈ જ્યારે ક્રિપ્ટો ડૉટકોમે મનીવેલના ખાતામાં ૧૦૦ ઓસ્ટ્રેલિયન ડૉલરના એક પેન્ડિંગ પેમેન્ટ માટે એક ટ્રાન્ઝેક્શન કર્યું હતું, પણ દક્ષિણપૂર્વ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેનારી મનીવેલના ખાતામાં ૧૦,૦૪,૭૪,૧૪૩ ઓસ્ટ્રેલિયન ડૉલર એટલે કે આશરે ૭૦ લાખ અમેરિકન ડૉલરનું ટ્રાન્ઝેક્શન ભૂલથી કરી દીધું હતું.
આ એક હ્યુમન એરર હતી અને એ કર્મચારીએ રકમ જે ખાતામાં ટ્રાન્સફર કરવાની હતી એને બદલે મનીવેલનો એકાઉન્ટ નંબર નાખી દીધો હતો. આ એક ભૂલને કારણે એક જ ક્ષણમાં મનીવેલ કરોડપતિ બની ગઈ અને તેની પાસે આ પૈસાને ઠેકાણે પાડવા માટે પૂરતો સમય પણ હતો. આવનારા દિવસોમાં મનીવેલે પોતાના મિત્રના ખાતામાં ભૂલથી આવેલી રકમનો મોટો હિસ્સો ટ્રાન્સફર કરી દીધો.
મનીવેલના ત્રિણે ત્રણ લાખ ડૉલરની રકમ પોતાની દીકરીના એકાઉન્ટમાં નાખી
દીધી અને મેલબોર્નની ઉત્તરમાં એક ઘર ખરીદી લીધું.
મિત્રએ આ ઘર મલયેશિયામાં રહેતી તેની બહેન થિલગાવથી ગંગાદરીના નામ પર ખરીદ્યું. ૫૦૦ સ્ક્વેર મીટરના ક્ષેત્રફળમાં બનેલા આ ઘર માટે તેણે ૧૩.૫ લાખ ડૉલર ચૂકવ્યા હતા.
બીજી બાજુ ક્રિપ્ટો કરન્સી કંપનીને પોતાની આ ભૂલનો અહેસાસ થવા માટે અનેક મહિનાનો સમય લાગ્યો. ઓસ્ટ્રલિયાના વિક્ટોરિયા પ્રાંતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેમ્સ એલિયટે ગયા અઠવાડિયાના શુક્રવારે ચુકાદો આપતાં કહ્યું હતું કે એવું લાગે છે કે યાચિકાકર્તાને આ મોટી ભૂલનો અહેસાસ થવામાં સાત મહિનાનો સમય લાગ્યો.
અદાલતે યાચિકાકર્તાના પક્ષમાં ફેંસલો આપતાં મનીવેલને ભૂલથી ખાતામાં આવી ગયેલી પૂરેપૂરી રકમ ચૂકવવાની સાથે સાથે આ રકમનું વ્યાજ તેમ જ લીગલ ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો એટલું જ નહીં, પણ મેલબોર્નના મિત્રએ તેની બહેનના નામ પર લીધેલું ઘર પણ વેચવું પડશે, કારણ કે એ સાબિત થઈ ગયું છે કે આ ઘર ભૂલથી ખાતામાં આવી ગયેલા પૈસાથી ખરીદવામાં આવ્યું છે.
કંપનીએ ફેબ્રુઆરી, ૨૦૨૨માં કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી અને મનીવેલ સાથે સંકળાયેલાં તમામ બેન્ક એકાઉન્ટ તેમણે ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી. જોકે જ્યાં સુધી કંપનીએ આ એકાઉન્ટ ફ્રીઝ કર્યાં ત્યાં સુધી તો મનીવેલે મોટા ભાગની રકમ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી.
મનીવેલનાં બેન્ક એકાઉન્ટ સીલ થયાં એનાં બે અઠવાડિયાં બાદ જ તેના મિત્રની બહેનને મેલબોર્નમાં ખરીદેલા નવા ઘરના માલિકી હક્ક મળ્યા હતા. કંપનીએ એવી માગણી પણ કરી છે કે મિત્રની બહેનનાં ખાતાં પણ સીઝ કરવામાં આવે, પણ કોર્ટે આ નવું ઘર વેચી દેવાનો આદેશ મનીવેલને આપ્યો હતો.
મનીવેલ સાથે ઘટેલી ઘટનાનો ફર્સ્ટ હાફ સાંભળીને તો આપણા મોઢામાંથી એક જ ઉદ્ગાર સરી પડે કે દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે… પણ તેના સેક્ધડ હાફની સ્ટોરી પરથી આપણને એક જ બોધપાઠ મળે છે કે અણહક્કની વસ્તુ કે પૈસા ક્યારેય પચતાં નથી, આ પૈસા પચાવવા માટે લોખંડના ચણા ચાવવા પડે છે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.