મુંબઈ: અંધેરી વિસ્તારમાં ઇમારતના આઠમાં માળેથી ઝંપલાવીને ૨૪ વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ ડી.એન.નગર પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર અંધેરીમાં ગિલ્બર્ટ હિલ વિસ્તારમાં શનિવારે રાતે આ ઘટના બની હતી. મૃતકની ઓળખ બ્રક્ષિતા સુતાર તરીકે થઇ હતી. તે ગિલ્બર્ટ હિલ ખાતે રહેતી હતી અને ઘરકામ કરતી હતી. શનિવારે બપોરે ઘરેથી નીકળી હતી, પણ રાતે પાછી ન ફરતાં પતિ તેને શોધવા નીકળ્યો હતો. દરમિયાન ગ્રીન ટાવર એપાર્ટમેન્ટના આઠમા માળેથી મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ તેને થઇ હતી. આથી તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે આત્મહત્યા કરનાર મહિલા તેની પત્ની હતી.