મહિલા કર્નલ કમાન્ડિંગ ઑફિસર બનશે ભારતીય સૈન્યમાં મહિલાઓ માટે હવે વધુ એક ‘મિશન પોસિબલ’

13

સ્પેશિયલ-પૂર્વી દેસાઈ

જર્નલ રાજીવ ચૌધરી અને કર્નલ અર્ચના સૂદ
————–

ગઈકાલે જ આપણે ‘વિશ્ર્વ મહિલા દિન’ ઉજવ્યો છે ત્યારે તાજેતરમાં સરકાર તરફથી એક શુભ સમાચાર આવ્યા છે કે ભારતીય સૈન્યમાં હવે મહિલા કર્નલોને કમાન્ડિગ ઑફિસરનો દરજ્જો મળશે. મતલબ કે અત્યાર સુધી ભારતીય લશ્કરમાં જે-જે વિભાગમાં મહિલાઓ હતી જેમ કે સર્વિસિંગ, સપોર્ટિંગ આર્મ્સમાં વગેરેમાં મહિલાઓ કર્નલ રેન્ક સુધી તો પહોંચી શકી છે, પણ પોતાની બટાલિયનના કમાન્ડિંગ ઑફિસર તરીકેની પોસ્ટ તેને આપવામાં આવતી નહોતી. તેના માટે હવે એ રસ્તો પણ મોકળો થયો છે. આનો અર્થ એ પણ થાય છે કે જો મહિલા કમાન્ડિંગ ઑફિસરમાં કૌવત હશે તો તે જનરલના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકશે. વધુ ફોડ પાડીને સરળ શબ્દોમાં કહીએ તો લક્ષ્ય ફિલ્મમાં અમિતાભ બચ્ચન જે પાત્ર નિભાવે છે તેમાં તે જે રીતે બટાલિયનને કમાન્ડ કરે છે એ રીતે મહિલા ઑફિસર પણ કમાન્ડ કરી શકશે.
ભારતીય સશસ્ત્ર સેના અને દેશની સરકારે સહમતીથી આ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણી લશ્કરની મુખ્ય શાખાઓમાં કમાન્ડિંગ ઑફિસર્સ તરીકે પુરુષો જ રહયા છે. એટલે કે સેનાને અથવા સેનાના કેટલાક મુખ્ય યુનિટ્સને કમાન્ડ કરવાની જવાબદારી સ્ત્રીઓને ભાગે આવી જ નથી. પણ હવે સરકારે કરેલા નિર્ણય પ્રમાણે દેશની ૧૦૮ મહિલા ઑફિસર્સને કર્નલ તરીકે કમાન્ડિંગ ઑફિસર્સનો હોદ્દો આપશે. થોડુંક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ભારતીય સેનામાં મહિલાઓનો પ્રવેશ ૧૯૯૧ અને ૧૯૯૨ માં શરૂ થયો, પરંતુ આર્મીમાં શોર્ટ કમિશન અને પરમનન્ટ કમિશન હતું. મહિલાઓના સંદર્ભમાં જોઈએ તો તેમને શોર્ટ કમિશન હેઠળ જ લેવામાં આવતી હતી જેને લીધે તેનો કાર્યકાળ પાંચ વર્ષ અને એક્સટેન્શન પાંચ વર્ષનું મળતું હતું. કર્નલ રેન્ક સુધી પહોંચવા માટે આટલો સમયગાળો પૂરતો હોતો નથી એટલે મોટા ભાગની મહિલા ઑફિસરો કર્નલના પદ સુધી પહોંચી જ શકતી નહોતી. વધુ સરળ ભાષામાં કહીએ તો આ કાર્યકાળ બહુ જ ટૂંકો હોવાને કારણે સ્ત્રીઓને સ્થાયી કમિશન (એક રીતે જોઈએ તો પરમેનન્ટ જોબ એમ કહી શકાય ) આપવામાં આવતું નહતું આને લીધે તેમની બઢતી બહુ જ મર્યાદિત થઇ જતી અને કર્નલ રેન્ક સુધી પહોંચવાનું લગભગ અશક્ય થઇ જતું. એટલે આ રેન્ક પર મોટે ભાગે પુરુષોનો જ ઈજારો રહેતો હતો. આપણી સરકારે સ્ત્રીઓ વિશેની બધી જ માન્યતાઓ અને ધારણાઓને કડક કસોટીમાંથી પસાર કરી અને આપણી વીરાંગનાઓ એ સાબિત કરી આપ્યું કે “મારી છોરી તારે છોરે સે કમ નહીં હૈ… શારીરિક અને માનસિક રીતે સુસજ્જ એવી મહિલાઓને ભારતીય સેનામાં અલગ અલગ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવી રહી છે.
આ જ ક્ષેત્રમાં જ્યાં પહેલા મહિલા અધિકારીઓને સ્થાઈ કમિશન નહોતું આપવામાં આવતું તે હવે આપવામાં આવશે. તાજેતરમાં જ દેશ માટે ફના થવાનાં સપનાઓ સેવતી કેટલીક મહિલા સૈનિકોને જમ્મુ અને કાશ્મીર સરહદે તૈનાત કરીને એક ઇતિહાસ રચવામાં આવ્યો! તો હવે કમાન્ડિંગ ઑફિસર્સ તરીકે પણ મહિલાઓને નિયુક્ત કરવાની પરવાનગી પણ અપાઈ ગઈ છે. દેશની એકસોઆઠ મહિલા અધિકારીઓને કમાન્ડીંગ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે. એટલે કે હવે તેઓ આર્મીના યુનિટ્સ અને ટ્રૂપ્સને સીધાં ઓર્ડર આપી શકશે. જી હા, અત્યારસુધી આપણી વીરાંગનાઓને આ અધિકાર આપવામાં આવ્યો નહોતો. સરકાર દ્વારા મહિલાઓના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોમાંથી એક છે આ. કર્નલ અર્ચના સૂદ એ પહેલાં મહિલા અધિકારી છે જે “બોર્ડર રોડ ટાસ્ક ફોર્સને કમાન્ડ કરશે.
તો વળી આના જ અનુસંધાનમાં એક બીજા સમાચાર પણ આવ્યા છે કે ભારતીય વાયુ સેનાએ એ તેના તમામ વિભાગો મહિલાઓ ઑફિસર્સ માટે ખુલ્લા મૂક્યાં છે. જેમાં આપણાં દેશનું ગૌરવ એવી એક શાખા “ગરુડ- ધ ઇન્ડિયન સ્પેશિયલ ફોર્સનો પણ સમાવેશ થાય છે. આર્મી અને નેવીએ પણ આ દિશામાં મહત્ત્વના પગલાં લીધાં છે.
આ ઘટનાને લીધે હવે સમય એવો આવી રહ્યો છે કે “દીકરીઓને કરાટે અને દીકરાઓને પરાઠા શીખવવાની શરૂઆત આપણા ઘરથી કરવી પડશે. જેમ સરકારે અત્યાર સુધી ફક્ત પુરુષોના જ વર્ચસ્વ હેઠળ રહેલાં વિભાગોમાં પણ આપણી દેશની દીકરીઓને ગૌરવભેર શામેલ કરી એ જ રીતે ક્યાંક આપણે પણ આપણી વિચારધારામાં આમૂલ પરિવર્તન લાવવા જ પડશે. ડૉક્ટર, એન્જિનિયર બનવા ઇચ્છતી છોકરીને આપણે એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમીથી પણ માહિતગાર કરવી પડશે. હવે જયારે કેટલીય મહિલા અધિકારીઓ એ એમનું બળ સાબિત કરી આપ્યું છે ત્યારે આપણે પણ સ્ત્રી એટલે અબળા, સ્ત્રી એ ટેબલ ખુરશીવાળી જ નોકરી કરવાની આ માનસિકતામાંથી બહાર આવવું પડશે.
સરકારના આ અતિમહત્ત્વના પગલાંથી સેના અને મહિલાઓ બંને પક્ષે શું લાભ થશે? એવો પ્રશ્ર્ન થતો હોય તો એક, સેનામાં મહિલાઓને લાંબા સમયની કારકિર્દી મળી શકશે જે અત્યાર સુધી સીમિત હતી એટલે મહિલા અધિકારીઓ સર્વોચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી શકતી ન હતી કારણકે તેમની સમયાવધિ જ પૂરી થઇ જતી. એટલે કે હવે તેમનો કાર્યકાળ પણ વધી જશે અને બઢતીની તકો પણ વધુ મળશે. બીજું તેઓ હવે કમાન્ડિંગ પોઝિશનમાં આવશે એટલે તેમને તેમની નેતૃત્વ શક્તિઓ બતાવવાનો અવસર મળશે. અત્યાર સુધી કમાન્ડિંગ પોઝિશન નહિ મળવાને કારણે આ ક્ષેત્રમાં પુરૂષોનું જ વર્ચસ્વ રહ્યું હતું જેમાં હવે સ્ત્રીઓ પણ ઉન્નત મસ્તકે પ્રવેશ કરશે અને પોતાની લાયકાત સાબિત કરશે. જો કે એ પણ હકીકત છે કે સૈન્યમાં કેટલાક જવાનો હજુ પણ સ્ત્રીઓ પાસેથી ઓર્ડર ન લેવાય એવી માનસિકતા ધરાવતા પુરુષો છે તેમની સાથે આ કમાન્ડિંગ ઑફિસરને કામ કઢાવતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એવું સૈન્યના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે. અલબત્ત તેઓ ઉમેરે છે કે આ તબક્કે આવો નિરાશાવાદી સૂર કાઢવો યોગ્ય નથી કારણ કે તે જ બટાલિયનના ઉચ્ચ અધિકારીઓ આવી માનસિકતા ધરાવતા નથી હોતા એટલે તેમના સહકારથી ધીમે-ધીમે સૈન્યના જવાનોમાં કમાન્ડિંગ ઑફિસર તરીકે સ્ત્રી પણ હોઈ શકે એ વાતનો સ્વીકાર આવી શકે છે.
અત્યારના સમયમાં જયારે કેટરીના અને આલિયા જેવી બોલીવુડ અભિનેત્રીઓ જ મોટાભાગની છોકરીઓની રોલમોડેલ હોય છે ત્યારે હવે સિક્કિમથી કેપ્ટન દીપશિખા છેત્રી કે જેમને સેના કમિશન મળ્યું છે અને જમ્મુ કાશ્મીરથી માવયા સુદાન કે જેમને ઇન્ડિયન ઍરફોર્સએ ફાઈટર પાઇલટ તરીકે કમિશન આપ્યું છે આ બંને અને આવી તો અનેક મહિલા જાંબાઝ પણ આપણી દીકરીઓની રોલમોડેલ બની શકે છે
આ બંને જાંબાઝ અધિકારીઓ વિષે વધુ માહિતી આપીએ તો કેપ્ટન દીપશિખા છેત્રી એક ડૉક્ટર પણ છે અને આર્મીની મેડિકલ પરીક્ષામાં આખા દેશમાં છઠ્ઠો નંબર મેળવ્યો છે. તેમને કર્નલ તરીકે ફ્રન્ટ લાઈન પર તૈનાત કરવામાં આવ્યાં છે. એટલે કે ડૉક્ટર હોવાની સાથે જ તેઓ એક સૈનિક તરીકેની ફરજ પણ બજાવશે. તો માવયા સુદાન જમ્મુ કાશ્મીરની પહેલી અને દેશની બારમી મહિલા ફાઈટર પાયલટ બની છે!
તાજેતરના થોડાક આંકડાઓ જોઈએ તો અત્યારે ભારતીય સશસ્ત્રસેના અંતર્ગત આર્મીમાં એટલે કે આપણી થલસેનામાં ૧૭૦૫ મહિલા અધિકારીઓ છે વાયુસેનામાં ૧૬૪૦ અને નૌકાદળમાં ૫૫૯ મહિલા અધિકારીઓ શામેલ છે. હવે જયારે મહિલા સમાનતા અને પુરુષ સમોવડી અને એવા શબ્દોની આજકાલ બહુ બોલબાલા છે ત્યારે એવા સમયમાં આ સિદ્ધિ મહિલાઓ માટે અત્યંત ગૌરવપ્રદ સાબિત થશે.
દરેક ક્ષેત્રની માફક પુરુષોના ઈજારા ગણાતા લશ્કરમાં પણ મહિલાઓ એક પછી એક મિશનને પોસિબલ કરી રહી છે. સાથે-સાથે સરકાર પણ આ મહિલાઓને વધુને વધુ તક આપી રહી છે એ આપણા બધા માટે હરખાવા જેવી બાબત છે! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!