સ્ત્રી અને સરખામણી: તુલના કર્યા વગર કોઈ જીવન જીવી ન શકે?

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

રાબેતા મુજબ સાંજે સાત વાગ્યાની આસપાસ વૃંદા લટાર મારવા નીકળી. પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ડાબી તરફ વળતાં જ બંને તરફ વાવેલાં વૃક્ષોની હારમાળા થકી ઠંડકનો અહેસાસ કરાવતો એ રસ્તો એને બહુ પ્રિય હતો. ઉપર આકાશ માંડ દેખાય એ રીતે વૃક્ષની ડાળીઓ એકબીજા પર આચ્છાદિત થયેલી હતી અને એના પર મહોરી રહેલાં ગુલમોહરનાં લાલ-પીળાં ફૂલ કોઈ પણ જોનારની આંખ ઠરે તેવું સુંદર દૃશ્ય રચી રહ્યાં હતાં. એમાં પણ પોતાના જેવા પ્રકૃતિપ્રેમી માણસ માટે તો જાણે અહીં જ સ્વર્ગ રચાયું! આમ પણ આજે આખા દિવસના ઉકળાટ અને વરસાદ પડતાં પહેલાં અનુભવાતા બફારા વચ્ચે અત્યારે હળવો પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને આથી જ એણે મનોમન નક્કી કર્યું કે ઉતાવળા પગલે ઘેર જવાને બદલે થોડી વાર વધુ ચાલી નાખુ તો વાંધો નહિ. આમ પણ પ્રકૃતિનું સૌંદર્ય માણવાનો મોકો વૃંદા જેવી નોકરી કરતી યુવતીઓને બહુ જૂજ વખતે મળતો હોય છે. આજે એનો લાભ લઈ જ લઉં એમ વિચારતાં, થોડે આગળ ચાલતાં રસ્તાના કિનારે બાળકોને રમવા માટે એક નાની, અલાયદી છતાં સુંદર જગ્યા નજરે પડી જ્યાં નાનાં-મોટાં બાળકો હીંચકા, લપસિયા જેવાં જાતજાતનાં રમતગમતનાં સાધનોની એ નાના એવા બગીચામાં મજા માણી રહ્યાં હતાં. ત્યાં જ સામે રાખેલી લાકડાની બેન્ચ પર બેસી અલકમલકની વાતો કરતી બાળકોની મમ્મીઓ પર એક આછી નજર ફેરવતાં એને પણ મન થઈ આવ્યું કે લાવ અહીં બેસીને થોડી વાર આ નિર્દોષ, હસમુખ અને દુનિયાદારીથી પર એવાં બાળકોના આનંદભર્યા અસ્તિત્વની મજા લઉં! અને જેવી એ પાસે પડેલા પથ્થરની બેઠક પર બેસવા જાય ત્યાં તો બે-ચાર બાળકો દોડતાં-ભાગતાં-હસતાં-કલબલાટ કરતાં એની આસપાસ ગોળ ગોળ ચક્કર ફરતાં રમવા લાગ્યાં… કિલકિલાટ કરતાં બાળકોના હાસ્યની હજુ તો પોતે મજા લેવાની શરૂ કરે ત્યાં જ અચાનક સામે છેડેથી બૂમ પડી… ‘અરે મીનુ, જરા જો તો ખરી… બેન પડી ગઈ!!’ એ તેર-ચૌદ વર્ષની લાગતી છોકરીના પગ ત્યાં જ થંભી ગયા અને હાંફળીફાંફળી દોડતી આવી. એની મમ્મી સીધું જ આગળપાછળ જોયા વગર બોલવા લાગી, ‘તું તો મોટી છો, જો તારી બહેનપણી પેલી કેવી એના નાના ભાઈને સાચવે છે? તું એકલી રમ્યા કરે છે. ત્યાં તારી બેન પર ધ્યાન જ નથી તારું?’ અને આટલું બોલી નાની દીકરીને લઈ ફરી એની જગ્યાએ જતી રહી. અહીં નાનકડી એવી ઊગીને ઊભી થઈ રહેલી ફૂલ જેવી મીનુનું મોઢું પડી ગયું. બીજાં બાળકોની સામે એની સરખામણી થઈ એ કદાચ એના નાજુક મનમાં ખૂંચ્યું. કદાચ એને થયું કે પોતે રમવામાં મશગૂલ બની એમાં કંઈક ફરજચૂક થઈ કે શું? અને ફરીથી એક વખત કોઈ સાથે સરખામણી થઈ એ તો અલગ!? એ બાળક નથી રહી, પરંતુ હવે તરુણ છે એ વાતનો ચિતાર મીનુના મનમાં કદાચ હજુ સ્પષ્ટ નહોતો થયો. નીચે ઘાસની લોન તરફ જોતાં થોડો સમય એમ જ તે ઊભી રહી અને પછી મમ્મીને ફરી વાતે વળગેલી જોઈ પોતે પણ પાછી એની નાનકડી ટોળીમાં ભળી ગઈ અને જોતજોતામાં રમવામાં મશગૂલ થઈ ગઈ, પરંતુ આ દૃશ્યની અજાણતાં જ સાક્ષી બનેલી વૃંદા બારેક વર્ષ પહેલાંના સમયમાં ક્યારે સરી ગઈ એનો એને ખ્યાલ રહ્યો નહીં. પોતે પણ નિશાળેથી આવી આમ જ શેરી, ફળિયા ને આંગણામાં દોડતી, ઊછળકૂદ કરતી, બહેનપણીઓ સાથે નિતનવી રમતો રમતી એ યાદ આવ્યું અને એ જ ઉંમરથી લઈને અત્યાર સુધી આવી જ રીતે વખતોવખત સતત એની પણ તુલના કે સરખામણી અન્યો સાથે કરવામાં આવતી એ પણ એને યાદ આવ્યું. દેખાવ હોય કે આવડત, કોઈ સહન કરવાની વાત હોય કે સમજદારીની, રસોઈ હોય કે પછી વ્યાવહારિક જ્ઞાન, સંબંધ સાચવવાની જવાબદારી હોય કે કુટુંબભાવનાનાં મૂલ્યો – લગભગ દરેક વખતે એને અન્યોનાં અસ્તિત્વ સાથે સરખાવ્યા બાદ જ એનો સ્વીકાર કરવામાં આવતો. આવું ટીનેજથી શરૂ થયેલું અને હજુ સુધી તેની સાથે જ શા માટે થયા રાખતું હશે?? શા માટે દરેક વાતની સરખામણી કર્યા બાદ જ એ સારી છે એનું બિરુદ આપવું કે નહીં એ નક્કી કરવામાં આવતું હોય છે?
બાળક નાનું હોય અને આવી રીતે તેની સરખામણી કરવામાં આવે તો તેને બહુ ઝાઝી સમજ ન પડે, પરંતુ તરુણાવસ્થામાં આવી નાનીમોટી વાતમાં સરખામણી થતી હોય તે દીકરી મોટી થતાં પણ લઘુતાગ્રંથિથી પીડાવા લાગે તો એના જીવન પર કેવી અવળી અસર પડે તે વિશે આપણે મોટા ભાગે વિચારતા હોતા નથી. વૃંદાને એ દરેક ઘટના યાદ આવી ગઈ કે જ્યારે જ્યારે તેની આવડતો સરખાવાય છે ત્યારે ત્યારે તે પોતાનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકતી નથી, પછી ભલે એ નોકરીનું સ્થળ હોય કે ઘર-પરિવાર. સ્કૂલના સમયથી જ આ સરખામણીની સમસ્યા તેની અંદર ઘર કરી ગયેલી. વૃંદાને યાદ આવ્યું કે એક ટીનેજર તરીકે તે હંમેશાં વિચારતી કે શું તુલના કર્યા વગર પણ કોઈ જીવન જીવી ન શકે? અને આજે તો હવે એ તરુણાવસ્થાનો ઉંબર વટાવી ચૂકી છે, પણ હજુય યુવાવસ્થામાં પોતે કરેલી ભૂલો શું સુધારી ન શકાય? આવા વિચારોને મનમાં મમળાવતી એ ધીમા પગલે ઘર તરફ આગળ વધી.
ઘરમાં પહોંચ્યા બાદ પણ વૃંદાના વિચારોએ અટકવાનું નામ લીધું નહીં. બાલ્કની પાસે ઊભી રહી તે ફરી ભૂતકાળમાં ગોથાં ખાવા લાગી. એ વર્ષોમાં પોતાની મમ્મીને કોઈ ન મળે તો અંતે વૃંદાને પોતાની જાત સાથે સરખાવતી તો ક્યારેક પોતાની રીતે જ પોતાની સરખામણી કરતી, પણ હકીકત એ છે કે શું ટીનેજર દીકરીઓની સતત સરખામણી વગર જીવી શકાય એમ હોતું નથી? ક્યારેક પોતાને દીકરી કે અન્ય તરુણીઓ કરતાં વધુ હોશિયાર કે સમજદાર, અલગ, વધુ સારી કે વધુ ગુણવાન બતાવવાની લાયમાં પણ તેઓની ટીકા કે નિંદા થતી જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓને એ આદત પડેલી હોય છે કે કોઈ કરતાં સારું હોવું એ જ સ્વીકાર્ય છે, આથી જ સ્ત્રીઓએ જીવન પ્રત્યેનો તુલનાત્મક અભિગમ વધારે અપનાવેલો જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ છે એવું પોતાના બાળકને શિખવાડતી સ્ત્રી તરુણીઓની વાત આવે ત્યારે ભૂલી જાય છે કે તેની દીકરી પણ અન્યો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. વૃંદાના મનમાં વિચારોનું આવું તુમુલ યુદ્ધ અટકવાનું નામ લેતું નહોતું.
તરુણાવસ્થામાં આ પ્રકારની અન્યો સાથેની સરખામણીની ભાવના યેનકેન પ્રકારે જો ઉમેરાઈ ગઈ હોય તો યુવાવસ્થા આવતાં તેને ધીરે ધીરે ઘટાડતાં જવી જોઈએ અને પોતાની અંદર ઉંમર વધતાં વિકસેલી શાણપણની મહોરને ચોક્કસ વધુ ખીલવવા દેવી જોઈએ કે જેથી કરીને આગળ જતાં સુખમય જીવન જીવી શકાય અને જો સરખામણી કરવી જ હોય તો પણ એ રીતે કરતાં શીખવી કે જેના થકી તમારા આત્મવિશ્ર્વાસમાં વધારો થાય અને તમારા ભીતરમાં સમજણરૂપી પુષ્પો ખીલી ઊઠે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.