ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
યહાં કુછ રહા હો તો હમ મુંહ દિખાએં,
ઉન્હોં ને બુલાયા હૈ ક્યા લે કે જાએ.
તુમ એક ખ્વાબ થે જિસ મેં ખુદ ખો ગયે હમ,
તુમ્હેં યાદ આએ તો ક્યા યાદ આએં.
વો ખામોશિયાં જિન મેં તુમ હો ન હમ હૈ,
મગર હૈં હમારી તુમ્હારી સદાએ.
બહુત નામ હૈં એક ‘શમશેર’ ભી હૈં,
કિસે પૂછતે હો કિસે હમ બતાએ.
– શમશેર બહાદુર સિંહ
આધુનિક હિન્દી કવિતા વિશ્ર્વમાંં ‘કવિઓના કવિ’નું બિરૂદ પામેલા મશહૂર કવિ શમશેર બહાદુર સિંહ તારીફ સિંહનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૧૧ના રોજ ઉત્તર પ્રદેશના દેહરાદૂનમાં જાટ પરિવારમાં થયો હતો. મુઝફ્ફરનગર જિલ્લાનું એલમ ગામ તેમનું મૂળ વતન હતું. તેમણે તેમનું શિક્ષણ દેહરાદૂન અને પ્રયાગમાં લીધું હતું. હિન્દી-ઉર્દૂના વિદ્વાન શમશેરજીનું જીવન અને તેમની કવિતા મનુષ્યની સાહજિકતાનું ઉદાહરણ છે. તેમનામાં ન તો ઔપચારિકતા હતી, ન તો દંભ હતો. તેમનું જેવું જીવન હતું તેવું તેમનું સર્જન હતું. તેમનું વ્યક્તિત્વ સહજ હતું પણ તેમની કવિતા એટલી સરળ નથી. સરળતા ક્યારેક અણસમજથી ભરેલી હોય છે જ્યારે સાહજિકતા જિંદગીનો તાપ સહન કરીને આવતી હોય છે. સંત કવિ કબીરજી જેને સહજ સાધના કહેતા હતા તેવી સહજતા શમશેરજીને કુદરતી રીતે વરી હતી.
શમશેર આઠ-નવ વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું હતું. તો કવિ ૨૪ વર્ષના હતા તે વખતે ટી.બી.ની બીમારીને લીધે તેમના પત્ની ધર્મવતીનું અવસાન થયું હતું. તેમણે કાળજું કઠણ રાખીને આ બબ્બે આઘાતો સહન કર્યા હતા. જીવનનો અભાવ તેમની કવિતામાં વિભાવ થઈને હંમેશાં હાજર રહ્યો હતો. કાળે તેમના પત્નીને છીનવી લીધા પણ શમશેરની કવિતામાં તે સજીવ રહ્યા હતા.
યુવાવસ્થામાં આ કવિ વામપંથી વિચારધારા અને પ્રગતિવાદી સાહિત્યથી પ્રભાવિત રહ્યા હતા. તેમણે સ્વાધીનતા ક્રાન્તિને પોતાની વસ્તુ હોય તેમ અપનાવ્યા. આ સંદર્ભમાં ‘યે શામ હૈ’ શીર્ષક હેઠળ કવિતામાં ડોકિયું કરવા જેવું છે. ગ્વાલિયરની એક ખૂની સાંજનું વાસ્તવિક ભાવ-ચિત્ર આ કવિતામાં દોરાયું છે. લાલ ઝંડા પર રોટલી ટાંગવામાં આવી છે અને મજૂરોનું સરઘસ રસ્તા પર પસાર થઈ રહ્યું છે. માનવ શોષક શૈતાનોએ આ કામદારોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. ૧૨ જાન્યુઆરી ૧૯૪૪ના રોજ બનેલી આ દુર્ઘટનાની સંવેદના આ કવિતામાં વ્હેતી કરાઈ છે:
યે શામ હૈ
કિ આસમાન ખેત હૈ
પકે હુએ અનાજ કા.
લપક ઉઠીં લહૂ-ભરી દરાતિયાં,
– કિ આગ હૈ:
ધુઆં ધુઆં
સુલગ રહા
ગ્વાલિયર કે મજૂર કા હૃદય.
કરાહતી ધરા
કિ હાય મય વિષાક્ત વાયુ
ધૂમ્ર તિક્ત આજ
રિક્ત આજ
સોખતી હૃદય
ગ્વાલિયર કે મજૂર કા.
ગરીબ કે હૃદય ટંગે હુવે
કિ રોટિયાં લિએ હુએ નિશાન
લાલ-લાલ
જા રહે
કિ ચલ રહા
લહૂ-ભરે ગ્વાલિયર મેં જુલૂસ:
જલ રહા
ધુઆં ધુઆં
ગ્વાલિયર કે મજૂર કા હૃદય.
આ શિષ્ટ કવિના કાવ્યસંગ્રહમાં ‘કુછ કવિતાએ’ (૧૯૫૯), ‘કુછ ઔર કવિતાએ’ (૧૯૬૧), ‘ચુકા ભી હૂં મૈં નહીં’ (૧૯૭૫), ‘ઈતને પાસ અપને’ (૧૯૮૦), ‘ઉદિતા: અભિવ્યક્તિ કા સંઘર્ષ’ (૧૯૮૦), ‘બાત બોલેગી’ (૧૯૮૧) તથા ‘કાલ તુઝ સે હોડ હૈ મેરી’ (૧૯૮૮)નો સમાવેશ થાય છે. આવું જબરદસ્ત અને ખાસ્સુ પ્રદાન કરનાર સર્જન પુરસ્કૃત થાય જ. ઈ.સ. ૧૯૭૭માં ‘ચુકા ભી હૂં મૈં નહીં’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઈ.સ. ૧૯૮૭માં તેમને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર તેમજ તુલસી પુરસ્કાર એનાયત થયેલો. તેઓશ્રીને ઈ.સ. ૧૯૮૯માં પ્રતિષ્ઠિત કબીર સન્માન મળેલું.
વિશ્ર્વવિખ્યાત કવિ ટી. એસ. એલિયટ તથા એઝરા પાઉન્ડ તેમજ ઉર્દૂ શાયરોનો માંદલો પ્રભાવ તેમની કવિતામાં ભલે જોવા મળે. પણ તેમનો સ્વસ્થ સૌંદર્યબોધ આ અસરથી ઘેરાયેલો નથી. તેમની કવિતામાં સૌંદર્યના અજોડ ચિત્રોના દર્શન થાય છે. તેમના કાવ્યોમાં પ્રકૃતિની લીલા વિહરતી જોવા મળે છે. આ સંદર્ભમાં ‘સૂર્યોદય’ કવિતા માણીએ:
પ્રાત નભ થાય બહુત નીલા શંખ
જૈસે ભોર કા નભ.
રાખ સે લીપા હુઆ ચૌકા
(અભી ગીલા પડા હૈ)
બહુત કાલી સિલ જરા – સે
લાલ કેશર સે
કિ ધુલ ગઈ હો.
સ્લેટ પર યા લાલ ખડિયા ચાક
મલ દી હો કિસી ને.
નીલ જલ મેં યા કિસી કી
ગૌર ઝિલમિલ દેહ
જૈસે હિલ રહી હો.
ઔર…
જાદૂ ટૂટતા હૈ
ઈસ ઉષા કા અબ
સૂર્યોદય હો રહા હૈ.
દક્ષિણ અમેરિકાના ચિલીના નોબલ પ્રાઈઝ વિજેતા સુખ્યાત કવિ પાબ્લો નેરુદા (૧૯૦૪-૧૯૭૩)ને સંબોધીને લખાયેલી કવિતામાં તેમના સર્જનનો નમણો વળાંક જોવા મળે છે:
મેં નિછાવર હૂં તુમ પર નેરુદા,
ઉસ પર ભી યહ મહજ
ચાર દાને ચાવલ કે હૈં
તુમ્હારી પ્રતિભા કી ઉત્તુંગ
શુભ્ર પર્વત વેદી પર.
મૈં અપની છોટી સી નૌકા
છોડ દેતા હૂં
તુમ્હારે સાત સમુન્દરોં કે ઉપર.
વહ ભટકેગી
કુછ અર્સે શાયદ
મગર વહ
ખોએગી નહીં કભી.
ઈતના તો પૂરા વિશ્ર્વાસ હૈ.
છેલ્લા કેટલાક સમયથી શમશેર સાહેબ તેમના દત્તક પુત્રી ડૉ. રંજનાબહેન અરગડેને ત્યાં સુરેન્દ્રનગરમાં રહેતા હતા. ત્યાર બાદ તેઓએ અમદાવાદમાં સ્થળાંતર કર્યું હતું. ૧૨મી મે ૧૯૯૩ના રોજ હૃદયરોગના હુમલાથી કવિશ્રીનું અમદાવાદમાં નિધન થયું હતું. આ સંવેદનશીલ, સાલસ સ્વભાવના શાયરની ગઝલોમાંથી થોડાક શે’રનું આચમન કરીએ:
– ક્યા વસવસા હૈ, પા કે ભી તુમ કો યકીં નહીં,
મૈં હૂં જહાં વહીં ભી તો આખિર નહીં હૂં મૈં.
– અપને દિલ કા હાલ યારો, હમ કિસી સે ક્યા કહેં,
કોઈ ભી ઐસા નહીં મિલતા જિસે અપના કહે.
– કાફિલે વાલો, કહાં જાતે હો સહરા કી તરફ,
આઓ બૈઠો તુમ સે હમ મજનૂ કા અફસાના કહેં.
– કુછ આપસ મેં જૈસે બદલ-સી ગઈ હૈ,
હમારી દુઆએ, તુમ્હારી બલાએં.
– આજ મૈં શાયદ તુમ્હારે પાસ હૂં,
ઔર કિસ કે પાસ આયા જાએગા.