Homeઈન્ટરવલવીથ લવ ટુ રશિયા

વીથ લવ ટુ રશિયા

ભારત અને રશિયા વચ્ચે ફરી સુમેળભર્યા સંબંધોની મોસમ ખીલી રહી છે… રશિયા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બનવાની દિશામાં

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

એક જમાનામાં ભારતને વૈશ્ર્વિક ફલક પર સૌથી મોટું પીઠબળ રશિયાનું હતું અને તે એટલું જબરદસ્ત હતું કે જગત જમાદાર બની બેઠેલા અમેરિકાએ પણ ભારતનો વાળ વાંકો કરવાનો વિચાર કરતા પહેલાં સો વખત વિચારવું પડતું હતું! એ પછી તો ગંગામાં અબજો ગેલન પાણી વહી ગયા. આપણે અહીં ઇતિહાસ નથી ચર્ચવો, પરંતુ આ ભૂમિકા એટલે બાંધી કે ફરી એક વખત રશિયા સાથે પ્રેમપૂર્વકનું ગઠબંધન વધુ મજબૂત બને એવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. સંરક્ષણ ક્ષેત્રે આ વિશાળ સામ્યવાદી દેશે ભારતને ભરપૂર મદદ કરી છે હવે આર્થિક સ્તરેે રશિયા સાથેના સંબંધો ગાઢ બનાવવા ભારત વધુ આતુર બન્યું છે.
સદ્ભાગ્યે આ વખતે અદેખા અમેરિકા અને યુરોપના કેટલાક દેશોની શેહ શરમ રાખ્યાં વિના ભારતે પોતાના આર્થિક લાભને અંકે કરવા માટે રશિયા સાથેના સંબંધો યથાવત્ જાળવી રાખ્યાં છે. રશિયાના રોકાણકારો પણ ભારતમાં આવવા આતુર બન્યા છે અને ભારતીય મૂડીબજારમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે, જેની ચર્ચા આપણે ફરી કદી કરીશું. આજે આપણે ભારત સરકાર આ મિત્ર રાષ્ટ્ર
સાથેના વેપારી સંબંધો ઘનિષ્ઠ બનાવવા શું કરી રહી છે તેની વાત માંડીએ.
ભારતે આર્થિક મોરચે રશિયા સાથે મજબૂત સંબંધો બનાવવાનો મનસૂબો બનાવી લીધો છે. આ દિશાના પ્રથમ પગલાંમાં ભારતના વાણિજ્ય મંત્રાલયે રશિયા સાથે ભારતની ઝડપી ગતિએ વિસ્તરી ગયેલી વેપાર ખાધને ઘટાડવા માટે કવાયત શરૂ કરી છે અને તમામ નિકાસ પ્રમોશન કાઉન્સિલ (ઇપીસી)ને નિકાસ વિસ્તૃત કરવા માટે રશિયાને વેચી શકે તેવા વધારાનાં ઉત્પાદનોની ઓળખી કાઢવાની અને એ દિશામાં આગળ વધવાની કામગીરી સોંપી છે.
અગાઉ રશિયાથી ભારત ભરપૂર શસ્ત્ર સંરજામ અને લશ્કરી સામાનની આયાત કરતો હતો. આ વખતે ઇંધણ પર કળશ ઢોળ્યો છે. અગાઉ પણ આવશ્યકતા આપણી જ હતી અને અત્યારે પણ આપણી જ છે.
જોકે, ક્રૂડ ઓઇલની ભરપૂર આયાતને કારણે સરકારી ડેટા અનુસાર ભારતની રશિયા સાથેની વેપાર ખાધ ખૂબ જ વધી ગઇ છે. એક ડેટા અનુસાર એપ્રિલ ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ની દરમિયાન આપણી વ્યાપાર ખાધ ૩૪.૭૯ અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી.
એક વાતનું ધ્યાન રહે કે આપણે ચર્ચા મૂળ વ્યાપાર સંબંધો વિકસાવવા સંદર્ભની કરી રહ્યાં છીએ, વ્યાપાર ખાધ ઘટાડવો એ સાઇડ બેનિફીટ છે. જ્યાં સુધી ખનીજ તેલની ધોધમાર આયાતનો સવાલ છે, અહીં એક કાંકરે બે પક્ષી જેવી વાત બની છે. એક તરફ ભારતે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીને તેની મદદ કરી છે, તો બીજી તરફ પોતાના તોતિંગ આયાત બિલમાં મોટી રાહત પણ મેળવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતનું ૨૫મું સૌથી મોટું વેપારી ભાગીદાર રશિયા હવે ચીનને પછાડીને બીજા સ્થાને પહોંચ્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમે રશિયા સાથેના વેપારમાં થોડું સંતુલન રાખવાનું વિચારી રહ્યા છીએ. આપણે આપણી નિકાસ વધારવાની જરૂર છે. ભારત રશિયામાં કાપડ અને કૃષિ ઉત્પાદનોની નિકાસને આગળ ધપાવવાનું વિચારી રહ્યું છે. તમામ નિકાસ પ્રમોશન કાઉન્સિલને ભારતની નિકાસની સંભવિતતાને ઓળખવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.’
રશિયાથી ભારતની વ્યાપારી આયાત ૨૦૨૨-૨૩માં ૩૬૯ ટકા વધીને ૪૬.૩ અબજ ડૉલર થઈ હતી, જે ૨૦૨૧-૨૨માં માત્ર ૯.૮૭ અબજ ડૉલર હતી. આ આયાતમાં લગભગ બે તૃતીયાંશ ક્રૂડ તેલનો સમાવેશ હતો. આનાથી વિપરીત ૨૦૨૧-૨૨માં, ભારતે રશિયા પાસેથી માત્ર ૯.૮૬ અબજ ડૉલરની આયાત કરી હતી. રશિયા ૨૦૨૧-૨૨માં ૧૮મો સૌથી મોટો આયાત સ્ત્રોત રશિયા માત્ર એક વર્ષમાં ભારતનો ચોથો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે.
નિકાસ પ્રમોશન કાઉન્સિલને શક્યતાઓ શોધવા, સંભવિતતાનું વિશ્ર્લેષણ કરવા અને રશિયામાં કયાં ઉત્પાદનોની નિકાસ કરવાની જરૂર છે તે સમજવા માટે કહેવામાં આવ્યું છે. માર્ચમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિમંડળોએ રશિયામાં નિકાસની સંભાવના ધરાવતી ભારતીય જણસોને ઓળખી કાઢવા તેમ જ રશિયાની બજાર આવશ્યકતાને સમજવા માટે રશિયાની મુલાકાત લીધી હતી.
સૌથી મહત્ત્વની બાબત રૂપી ટ્રેડને લગતી છે. પેમેન્ટ વેચવા માટે આંતરરાષ્ટ્રીય સ્વીફ્ટ મેસેજિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે રશિયન બૅન્કો પરના પ્રતિબંધોને પગલે, બંને દેશો વચ્ચેના વેપારને સરળ બનાવવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય રિઝર્વ બૅન્કે ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ભારતીય ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઇન્વોઇસિંગ અને ચુકવણીની મંજૂરી આપી હતી. અલબત્ત સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત રશિયા સાથે રૂપિયાના વેપારને પ્રોત્સાહન આપી રહ્યું હોવા છતાં, દેશમાં નિકાસને વેગ આપવા માટે, નિકાસકારો તેમના માટે અનુકૂળ હોય તે ચલણમાં વેપાર કરવા માટે સ્વતંત્ર છે.
તેમણે કહ્યું હતું કે, રૂપિયામાં વેપાર થઈ રહ્યો છે. અમે રશિયા સાથે રૂપિયાના વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, પરંતુ નિકાસકારોએ તેમને અનુકૂળ ચલણમાં વેપાર કરવો જોઈએ, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકો દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે તેમના દેશે તેના વધતા વેપાર સરપ્લસને કારણે ભારતીય બૅન્કોમાં અબજો રૂપિયા એકઠા કર્યા છે, જે એક મહત્ત્વનો મુદ્દો છે.
આપણે આ પૈસા વાપરવાની જરૂર છે, પરંતુ આ માટે આ રૂપિયા અન્ય ચલણમાં ટ્રાન્સફર કરવા જોઈએ, અને હવે આ અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું. ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઈલ ગયા વર્ષથી ભારતની આયાતનો મોટો હિસ્સો ધરાવે છે.
એક સમયે ભારત દ્વારા આયાત કરાયેલા તમામ ક્રૂડ ઓઈલના ૯૦ ટકા જેટલો હિસ્સો ઓપેક (ઓઇલ પ્રોડ્યુસર્સ એન્ડ એક્સપોર્ટર્સ ક્ધટ્રીઝ એસોસિયેશન)નો હોય છે, પરંતુ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર મોસ્કોના આક્રમણ બાદ રશિયન તેલ ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ થયું ત્યારથી રશિયાના હિસ્સામાં વધારો અને ઓપેકના હિસ્સામાં ઘટાડો થઈ રહ્યો છે.
ભારત દ્વારા આયાત કરાયેલા તમામ ક્રૂડ સોર્સના ત્રીજા ભાગ કરતાં વધુ સપ્લાય કરીને સતત સાતમા મહિને રશિયા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું સપ્લાયર રહ્યું છે, જે રિફાઈનરીઓમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂપાંતરિત થાય છે.
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પહેલા ભારતના આયાત બાસ્કેટમાં એક ટકાથી ઓછા બજાર હિસ્સાથી, એપ્રિલમાં ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને ૧.૬૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચ્યો હતો, જે ૩૬ ટકા હિસ્સો ધરાવે છે.
એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાના જણાવ્યા અનુસાર, ભારતે માર્ચ ૨૦૨૨માં રશિયા પાસેથી માત્ર ૬૮,૬૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડની આયાત કરી હતી અને આ વર્ષે ખરીદી વધીને ૧,૬૭૮,૦૦૦ બેરલ સુધી પહોંચી ગઇ છે. ટૂંકમાં રશિયાની બદોલત આ એક જ આઇટમથી દેશના આયાત બિલમાં તોતિંગ ઘટાડો થઇ રહ્યો છે અને સરકાર હવે આ દેશ સાથે વ્યાપારી સંબંધો વિકાસાવીને અન્ય અનેક ક્ષેત્રે વ્યૂહાત્મક લાભ મેળવવા પ્રયત્નશીલ છે, જે આપણા સૌ માટે લાભકારી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -