વાઘાસાહેબની જ્ઞાનમાર્ગી વાણી

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -બળવંત જાની

હરિજન જેવી જ્ઞાતિમાં જન્મીને જ્ઞાનવાણી ગાઈને ગુજરાતી સંતવાણીમાં ઉલ્લેખનીય સ્થાન અને માન પ્રાપ્ત કરી શકેલા વાઘાસાહેબનો જન્મ ઈ.સ.૧૭૯૦માં થયેલો મનાય છે. નાનપણથી જ ભક્તિના રંગે રંગાયેલા, વાઘાસાહેબ સત્સંગમાં સતત ઉપસ્થિત રહેતા અને પાટ- પૂજાવિધિની જાણકારી ધરાવતા તથા એમાં એમને અપાર શ્રદ્ધા પણ હતી. મંડપ-પાટ ઉપાસનામાં એમને વાયક પણ બહું આવતા. એમની સત્સંગક્રિયા પણ જાણીતી હશે. તેઓ ભારે પ્રખ્યાત હશે. એમના વિશે એટલે જ તો પૂરણદાસે રચેલી સાખીઓ પરંપરામાં આજે પણ જીવંત છે.
“નગર નેજા રોપાવિયા, પાંચ તલાવડે પ્રકાશ
લક્ષ્મીજાયા તણો લાભ, એ તો પૂત્ર પાતા તણો.
માતુશ્રીનું નામ લક્ષ્મીબાઈ અને પિતાશ્રીનું નામ પાતાભાઈ હતું એ પ્રમાણ એમના વિશે રચાયેલી સાખીમાંથી મળે છે. એમની ભજનવાણીનું યોગમાર્ગ, યોગિક સાધના-ક્રિયા સાથે ઊંડુ અનુસંધાન જણાય છે. બાલ્યાવસ્થાથી આ ઉપાસના, સેવાધર્મ અને ભજન-શ્રવણગાન તથા સદ્ગુરુ પ્રેમસાહેબનું સ્નેહાસિક્ત સાન્નિધ્ય જ્ઞાનમાર્ગી યાત્રામાં એમને આત્મસાક્ષ્ાાત્કાર અને અપરોક્ષ્ાાનુભૂતિના ગાન સુધી પહોંચાડનાર પરિબળ છે.
પિતા અને માતાનો સ્નેહ તથા સદ્ગુરુનું સાન્નિધ્ય એમને ભક્તિમાર્ગમાં ભારે સાનુકૂળ રહ્યું. માત્ર પાંત્રીશ વર્ષ્ાના આયુષ્યકાળમાં એમણે જે પ્રાપ્ત ર્ક્યું એ જ્ઞાન ઘણાંને જૈફવય સુધી પણ પ્રાપ્ત થતું નથી હોતું પણ વાઘાસાહેબે જ્ઞાન સિદ્ધિની એ ભૂમિકા બહું વહેલી પ્રાપ્ત કરી લીધેલી. તરુણાવસ્થા દરમ્યાન જ આવી ભૂમિકાની અનુભૂતિને એમણે બળકટ, અભિવ્યક્તિ અર્પી. ઈ.સ.૧૮રપનાં એમનું દેહાવસાન થયેલું. ગોંડલ પાસેનાં ખેરડા ગામે એમનું સમાધિસ્થાનક છે. દાસીજીવણ પરંપરાનો પ્રેમાર્ગ-યોગમાર્ગ પ્રેમસાહેબ દ્વારા એમને પ્રાપ્ત થયો. પણ પોતીકી આગવી-અનોખી પ્રતિભાથી એમણે એને અભિવૃદ્ધિ અર્પી. ભજન પરંપરામાં એમની બહું પ્રચલિત એવી એક રચનાને આસ્વાદીએ.
“મારે દિલે આનંદ બહું આયા,
ગુરુ બૂડતાંની બાંય જાલો જી, …૧
નાભિકમલ સે સુરતા ચાલી,
ગગન પવન ચલાયા જી, …ર
ઈંગલા પિંગલા સુખમણાં સાધી,
ત્રિવેણી તાર મિલાયા જી, …૩
નુર તખત પર નામ નિરંતર,
પ્રેમે ભેદ બતાયા જી, …૪
મેરૂ શિખર પર મનવો ચડયો,
દેવ તિયાં દર્શાયા જી, …પ
ભીમ, જીવણ, ત્રિકમ સાહેબ,
પ્રેમ તિયાં પરખાયા જી, …૬
સતગુરુએ મુને ચરણુમાં રાખ્યો,
મનવા એક ઘર આયા જી, …૭
દાસ વાધો સાગર પ્રેમ કેરાં ચરણાં,
પુરણ પદવી પાયા જી. …૮
વાઘાસાહેબ ગાય છે કે મારા હૃદયમાં ખૂબ આનંદ-પ્રસન્નતા વ્યાપી ગઈ છે. તમે સંસાર સાગરમાં બૂડતા-ડૂબતાને પકડી લીધો અને જે માર્ગે યાત્રા કરવા પ્રેર્યો એ કારણે હું મારી નાભિકમળના પ્રદેશથી મારી સુરતાએ ગતિ પકડી અને મને છેક ગગન પવન પ્રદેશમાં પહોંચાડયો. મારી ઈંડા-ઈંગલા-પિંગલા નાડીને સાધીને સુષ્ાૂમણામાં એને સ્થિર કરીને ત્રિવેણીમાં એનો તાર મેળવાયો. પછી તેજોશિખર-બ્રહ્મરંધમાં પહોંચીને અખંડ અજપાજાપની સ્થિતિને કારણે પ્રેમ અને જ્ઞાનનો ભેદ મને સમજાયો. જયારે આ સાધના-ઉપાસનાથી મેરુદંડ અક્કડ રાખીને મેરુશિખર પર મારા મનનું આરોહણ સફળ થયું અને ત્યાં જ મને આત્મસાક્ષ્ાાત્કારની અનુભૂતિ થઈ. દેવત્વના દર્શન થયાં. ભીમસાહેબ, જીવણસાહેબ, ત્રિકમસાહેબ અને પ્રેમસાહેબની પરંપરા ત્યાં મને પરખાણી-સમજાણી. અદ્વેતની ઉપાસનાની પરંપરાની પ્રતીતિની ક્ષ્ાણને અહીં વાઘાસાહેબે સરળ રીતે સંતવાણી-રચનાના માધ્યમથી ગાઈ છે.
સદ્ગુરુએ સતત મને એમના શરણે રાખ્યો. હું તો આશ્રિત હતો પણ મારા આશ્રિતપણાને જેમણે સતકાર્યું એટલે એમને પ્રાપ્ત-એમના નિવાસનો મને નિવાસી બનાવ્યો. પ્રેમસાહેબના સાગર જેવા અગાધ પ્રેમના બળે મને પૂર્ણપદની સ્થિતિ પ્રાપ્ત થઈ. ગુરુકૃપા એને કારણે જ જ્ઞાનની ઊંચાઈ-ઉંડાઈ એમને પ્રાપ્ત થઈ. આવી પ્રતીતિને સ્વીકારવી એ નિર્માની, નિર્મમ અને નિર્મળ વ્યક્તિમત્તાની નિશાની છે. વાઘાસાહેબ આવું ગુરુકૃપાશિતપણું પ્રગટ કરીને પોતાનો સ્વનો લોપ કરતા જણાયા છે. એનો પરિચય અહીંથી પ્રાપ્ત થાય છે.
વાઘાસાહેબની ઉપર ગુરુકૃપા, પ્રેમવર્ષ્ાા અને પોતીકી સાધના કેવી નિરંતર-સતત ચાલી હશે તેનો ખ્યાલ-પરિચય આ રચનામાંથી મળી રહે છે. નામજાપનો મહિમા-નામસ્મરણ અને યોગસાધના રવિ-ભાણ પરંપરાની સાધના ધારા રહી છે. એનું અનુરણન વાઘાસાહેબની વાણીમાં પણ પામીએ છીએ. આવા કારણ વાઘાસાહેબ મને મોટા ગજાના જ્ઞાનમાર્ગી વાણીના ગાયક અને સાધક તથા આત્મસાક્ષ્ાાત્કારને પામનારા સંત જણાયા છે. એની વાણી આજે પણ આવા કારણે પ્રસ્તુત
જણાઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.