નવી દિલ્હી: વૈશ્ર્વિક સ્તરે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની વિપ્રોએ ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. વિપ્રોનો ત્રીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨.૮ ટકા વધી ૩૦૫૩ કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે ૨૯૬૯ કરોડ હતો. કંપનીની કોસોલિડેટેડ આવકો ૧૪.૩૫ ટકા વધી રૂ. ૨૩૨૨૯ કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. ૨૦૩૧૩ કરોડ હતી. બજારના અંદાજ કરતાં વિપ્રોનો નફો વધ્યો છે. કંપની બોર્ડે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રોકાણકારોને ડિવિડન્ડ પેટે શેરદીઠ રૂ. ૧ની ફાળવણી ૧૦ ફેબ્રુઆરીએ કરશે. કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં આઈટી સર્વિસ બિઝનેસમાંથી રેવન્યુ ગ્રોથ ૧૧.૫-૧૨ ટકા રહેવાની અપેક્ષા વિપ્રોએ વ્યક્ત કરી છે. ત્રીજા ત્રિમાસિકમાં આઈટી સર્વિસિઝમાંથી રેવન્યુ ગ્રોથ ૧૦.૪ ટકા વધ્યો હતો. ઓપરેટિંગ માર્જિન ૧૨૦ બેઝિસ પોઈન્ટ વધી ૧૬.૩ ટકા રહ્યા હતા. વિપ્રોના સીએફઓ જતિન દલાલે પરિણામો અંગે જણાવ્યું હતું કે, ઓપરેટિંગ માર્જિન સિનિયર પદે કાર્યરત કર્મચારીઓને પગાર વધારો, પ્રમોશન, લોંગ ટર્મ ઈન્સેન્ટિવ આપ્યા બાદનો છે, જે મજબૂત સંચાલન અને ઓટોમેશનની ક્ષમતામાં વધારાનો સંકેત આપે છે. પરિણામોના પગલે વિપ્રોનો શેર બીએસઈ ખાતે નજીવો ૦.૨ ટકા ઘટી ૩૯૩.૬૫ પર બંધ રહ્યો હતો. કંપનીએ ત્રિમાસિક દરમિયાન ૪.૩ અબજ ડોલરની ડીલ હાંસિલ કરી હતી. જે ગતવર્ષ કરતાં ૨૬ ટકા વધી છે. જેમાંથી ૬૯ ટકા મોટી રકમના કોન્ટ્રાક્ટ હતાં. ક્લાયન્ટ સાથેના ગાઢ સંબંધો અને હાઈ વિન રેટના કારણે નવા ઓર્ડરમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જતિન દલાલે જણાવ્યું હતું. કંપનીનો સેલ્ફ એટ્રિશન રેટ ૧૮૦ બેઝિસ પોઈન્ટ ઘટ્યો હતો. આ સાથે છટણીનો દર સતત ચોથા ત્રિમાસિકમાં સ્થિર રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એટ્રિશન રેટ ૨૩ ટકા હતો, જે ઘટી ડિસેમ્બર ત્રિમાસિકમાં ૨૧.૨ ટકા નોંધાયો છે.