નવી દિલ્હીઃ હાલમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને તેમાં ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ખાસો ગરમઈ રહ્યો છે. વિરોધકોએ સંસદમાં આ મુદ્દે જોરદાર વિરોધ નોંધાવીને ચીનની ઘૂસણખોરી પર જ ચર્ચા કરવાની માગણી કરી છે. જ્યારે સરકાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં થતો વધારો કઈ રીતે અટકાવી શકાય એ મુદ્દે એલર્ટ છે. આ બધા વચ્ચે કોરોનાના તોળાઈ રહેલાં જોખમને ધ્યાનમાં લેતા સત્ર આજે જ પૂરું કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તેથી અઠવાડિયા પહેલાં જ સંસદનું સત્ર પૂરું થાય એવી ચર્ચા ચાલી રહી છે. કોરોનાના વધતાં જોખમને જોતાં સંસદનું શિયાળુ સત્ર આગળ ચાલુ નહીં રાખવામાં આવે એવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ગુરુવારે સંસદના પરિસરમાં માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન સહિત સંસદમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરીને જ સંસદનું કામ આગળ ચલાવ્યું હતું. દરમિયાન વડાપ્રધાને પણ કોરોના સંદર્ભે એક રિવ્યૂ મીટિંગ બોલાવી હતી, જેમાં કોરોનાને રોકવા માટે સખત પગલાં ઉઠાવવામાં આવશે એવા સંકેત આપ્યા હતા અને એ જ દિશામાં એક અઠવાડિયા પહેલાં જ સંસદના સત્ર પર પૂર્ણવિરામ મૂકવામાં આવે એવી ચર્ચા જોર પકડી રહી છે.