નવી દિલ્હીઃ અમેરિકામાં આવેલા બરફના તોફાનની અસર અહીં જોવા મળી રહી છે કે કેમ એવો સવાલ પૂછાઈ રહ્યો છે એવામાં જ ભારતમાં ભરી શિયાળાએ જોર પકડ્યું છે. એકાએક થઈ રહેલાં ઉકળાટ ઉચાળા ભરીને ભાગી ગયો અને દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીની લહેર જોવા મળી રહી હોઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પારો નીચે ઉતરી આવ્યો છે. આગામી કેટલાક દિવસ સુધી પરિસ્થિતિ આવી જ રહેશે એવો અંદાજો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સરસમજાની ફૂલગુલાબી ઠંડી પડી રહી છે. મુંબઈની આસપાસનો પરિસર વહેલી સવારે ધુમ્મસની ચાદર ઓઢેલો જોવા મળે છે, પરિણામે કબાટમાં રહેલાં શાલ, સ્વેટર, મફલર ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. મુંબઈમાં પારો 15 ડિગ્રી પર તો પુણેમાં 12 ડિગ્રી પર પહોંચ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઉત્તર ભાગમાં ઠંડીનું જોર વધશે. જ્યારે હિમાલયના પટ્ટા હેઠળ આવતા વિસ્તારોમાં હિમવર્ષા થાય. 29મી ડિસેમ્બરના આ ભાગમાં મોટા પ્રમાણમાં હિમવૃષ્ટિ થશે એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. તેથી હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, ભારત-ચીન ભાગમાં હિમવર્ષા થઈ શકે છે.