Homeદેશ વિદેશડીઝલ પરના વિન્ડફૉલ ટૅક્સમાં ઘટાડો

ડીઝલ પરના વિન્ડફૉલ ટૅક્સમાં ઘટાડો

જેટ ફ્યુઅલ પરનો વેરો નાબૂદ

નવી દિલ્હી: સરકારે ડીઝલ પરના વિન્ડફૉલ ટૅક્સ લિટરદીઠ ૨.૫૦ રૂપિયાથી ઘટાડીને પચાસ પૈસાનો કર્યો છે. જેટ ફ્યુઅલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સ્વદેશમાં ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર લેવીમાં પ્રમાણસર વધારો કરવામાં આવ્યો છે. ઓએનજીસી જેવી કંપનીઓમાં ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર ટનદીઠ લેવી ૪૩૫૦ રૂપિયાથી વધારીને ૪૪૦૦ રૂપિયા કરવામાં આવી છે, એમ ત્રીજી માર્ચના આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કરવેરાના નવા દર ચોથી માર્ચથી અમલમાં આવશે.
જમીનમાંથી તથા સમુદ્રતળમાંથી ખેંચી કાઢવામાં આવેલા ક્રૂડ ઑઇલને રિફાઇન કરીને તેમાંથી પેટ્રોલ-ડીઝલ અને ઍવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) બનાવવામાં આવે છે. એટીએફ જેટ ફ્યુઅલના નામે પણ ઓળખાય છે.
ડીઝલની નિકાસ પરનો વેરો લિટરદીઠ ૨.૫૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ પૈસા કરવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલના ઓવરસીઝ શિપમેન્ટ્સ પર લાગુ ટનદીઠ ૧.૫૦ રૂપિયાના વેરો નાબૂદ કરવામાં આવ્યો છે. ડીઝલ, ક્રૂડ ઑઇલ અને એટીએફ પરના કરવેરામાં પખવાડિયામાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો
છે. ડીઝલ અને એટીએફની નિકાસ પર ગયા વર્ષના જુલાઈ મહિનામાં લેવી લાગુ કરાયા બાદ હાલમાં તેમનો દર સૌથી નીચા સ્તરે લાવવામાં આવ્યો છે.
આગલા બે અઠવાડિયાના ઑઇલના ભાવની સરેરાશને આધારે દર પખવાડિયે કરવેરાના દરની સમીક્ષા કરવામાં આવે છે.
ઊર્જા કંપનીઓના સાધારણથી ખૂબ વધારે નફાને ધ્યાનમાં લેતાં તેના પર વિન્ડફૉલ ટૅક્સ લાગુ કરનારા દેશોની સંખ્યા વધી રહી છે. એ દેશો સાથે જોડાતાં ભારતે પણ ગયા વર્ષની ૧ જુલાઈએ વિન્ડફૉલ ટૅક્સ લાગુ કર્યો હતો. એ વખતે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર ડ્યૂટીનું પ્રમાણ લિટરદીઠ ૬ રૂપિયા (બૅરલદીઠ ૧૨ અમેરિકન ડૉલર) અને ડીઝલની નિકાસ પર લિટરદીઠ ૧૩ રૂપિયા (બૅરલદીઠ ૨૬ અમેરિકન ડૉલર) રખાયું હતું. સ્વદેશમાં ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ પ્રોફિટ ટૅક્સનું પ્રમાણ ટનદીઠ ૨૩,૨૫૦ રૂપિયા (બૅરલદીઠ ૨૬ અમેરિકન ડૉલર રખાયું હતું. ઑઇલનો ભાવ પરની પ્રથમ સમીક્ષા વેળા પેટ્રોલની નિકાસ પરનો વેરો નાબૂદ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના જામનગરમાં વિશ્ર્વનો સૌથી મોટો ઑઇલ રિફાઇનરી કૉમ્પ્લેક્સ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રોઝનેટનું પીઠબળ ધરાવતી કંપની નાયરા એનર્જી દેશમાં ઇંધણની મુખ્ય નિકાસકાર કંપનીઓ છે. સરકાર બૅરલદીઠ ૭૫ અમેરિકન ડૉલરની નિર્ધારિત મર્યાદાથી વધુ નફો કરતી કંપનીઓને વિન્ડફૉલ ટૅક્સ લાગુ કરે છે. ઓવરસીઝ શિપમેન્ટ્સ પર રિફાઇનરીઓના માર્જિનમાં પડતા ગાબડાંને આધારે ઇંધણની નિકાસ પર કરવેરા લાગુ કરવામાં આવે છે. ઑઇલના આંતરરાષ્ટ્રીય ભાવો અને કિંમત વચ્ચેના તફાવતને માર્જિન ગણવામાં આવે છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular