ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… ઉત્તરાયણના દિવસે જોરદાર પવન ફૂંકાશે

31

મોટે ભાગે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં તાપમાનનો પારો નીચે ગગડતો હોય છે અને ઠંડો પવન પણ સૂસવાટા મારતો હોય, પણ પતંગ રસિયાઓના કમનસીબે ઉત્તરાયણના દિવસે જ પવનની ગતિ ઘણી ધીમી થઈ જતી હોય છે, પરંતુ આ ઉત્તરાયણે ગુજરાતવાસીઓની પતંગ છેક આકાશને આંબશે તેવી આગાહી થઈ છે. આખા ગુજરાતના પતંગરસિયાઓને આનંદમાં લાવી દે એવા એક સમાચાર છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે નહીં કરી હોય એટલી મજા આ વખતે આવશે કારણ કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિનો રહેશે. એટલું જ નહીં, બંને દિવસ મહત્તમ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેશે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જવાની રસિયાઓ ફરિયાદ કરતા હતા, એ આ વખતે દૂર થઈ જશે તેવું હવામાન અંગેની થયેલી આગાહી પરથી લાગી રહ્યું છે.
જોકે હાલમાં આ ઠંડો પવન લોકોને હેરાન કરી રહ્યો છે. ત્રણેક દિવસથી પવન ફૂંકાતો હતો જે શનિવારે થોડો ઓછો થયો છે. અત્યારે ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે આખું ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. દિવસે પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જતો નથી.
હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આગામી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની આસપાસ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે તાપમાન વધવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ નિયંત્રિત થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.

ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.નો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.
જોકે આ તહેવારોની ઉજવણીમાં વપરાતા કાચ પાયેલા માંઝાને લીધે આકાશમાં ઉડતા મૂંગા પક્ષીઓ માટે જીવલેણ બની રહે છે. આ સાથે ઉત્તરાયણ પહેલાના પદંરેક દિવસમાં ઘણા લોકોએ પણ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. ત્યારે પતંગરસિયાઓએ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે સાદા દોરાથી માત્ર પતંગ ચગાવવાની મજા લે. આપણી મજા કોઈ માટે સજા ન બની રહે, તેનું ખાસ ધ્યાન રાખે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!