હાથ તરછોડશે કે મિલાવશે?

આમચી મુંબઈ

એકનાથ શિંદેની રાજકીય સફર: ઑટો ડ્રાઈવરમાંથી બન્યા બળવાખોર નેતા

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં રાજકીય ઊથલપાથલ સર્જનારા શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના એક સામાન્ય કાર્યકરથી શરૂઆત કરીને રાજકારણમાં પ્રચંડ સંગઠનાત્મક કૌશલ્ય અને વિશાળ બહુમતીના આધારે પક્ષમાં ટોચના ક્રમે ઊભરી
આવ્યા હતા.
મુંબઈથી નજીકના થાણે શહેરમાં એક જમાનામાં ઓટો ડ્રાઈવર શિંદે (૫૮) રાજકારણમાં જોડાયા પછી ઝડપથી થાણે-પાલઘર પ્રદેશમાં શિવસેનાના મુખ્ય નેતા તરીકે ઊભરી આવ્યા અને જાહેરજનતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે આક્રમક અભિગમ માટે જાણીતા બન્યા હતા.
મહાવિકાસ આઘાડી (એમવી)ની સરકારમાં શહેરી વિકાસ અને પીડબ્લ્યુડી પોર્ટ ફોલિયો ધરાવતા અને ચાર વખત વિધાનસભ્ય રહેલા શિંદે તેમના નમ્ર સ્વભાવને ક્યારેય છુપાવતા નથી, તેનાથી વિપરીત રાજ્યના રાજકારણમાં તેમના ઉદય માટે તેમના ભગવા પક્ષ અને શિવસેનાના સ્થાપક દિવંગત બાળ ઠાકરેના કેવી રીતે ઋણી રહ્યા અને તે પુરવાર કરવા તેઓ અવારનવાર એ મુદ્દાને પણ આગળ લાવવાનું ચૂક્યા નથી.
નવમી ફેબ્રુઆરી, ૧૯૬૪ના જન્મેલા શિંદે સતારા જિલ્લાના પહાડી જવાલી તાલુકાના છે. અગિયારમા ધોરણ સુધી થાણેમાં અભ્યાસ કર્યા પછી થાણેમાં વાગલે એસ્ટેટમાં ઓટોરિક્ષા ચલાવતા હતા. ઓટો રિક્ષા ચલાવતા ચલાવતા એકનાથ શિંદે એંસીના દાયકામાં શિવસેનામાં જોડાયા હતા અને પક્ષમાં એક સામાન્ય કાર્યકર્તાથી રાજકીય સફર ચાલુ થઈ હતી. શિંદેએ ૧૯૯૭માં થાણે પાલિકાની ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા હતા અને ૨૦૦૧માં નગર પાલિકામાં વિપક્ષના નેતા બન્યા હતા ત્યારબાદ ૨૦૦૨માં ફરી એક વખત કોર્પોરેટર બન્યા હતા. તેના સિવાય ત્રણ વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા. જોકે, બીજી વખત કોર્પોરેટ બન્યા પછી બે વર્ષમાં વિધાનસભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૦૦માં થાણેના દિગ્ગજ નેતા આનંદ દીઘેનું અવસાન થયા પછી થાણેમાં શિંદેનું વર્ચસ્વ વધ્યું હતું. બીજી બાજુ ૨૦૦૫માં નારાયણ રાણેએ શિવસેના છોડ્યું
ત્યારબાદ એકનાથ શિંદેનું કદ સેનામાં વધતું ગયું હતું. રાજ ઠાકરેએ પણ સેના છોડ્યા પછી શિંદેનો રાજકીય ગ્રાફ વધ્યો હતો અને ઠાકરે પરિવારના નજીકના સભ્ય બની ગયા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે એકનાથ મજબૂતાઈથી ઊભા રહ્યા હતા. માતોશ્રીના સૌથી નજીકના નેતામાં એકનાથ શિંદેનું નામ મોખરે લેવાતું હતું. કહેવાય છે કે ૨૦૦૪માં પહેલી વખત વિધાનસભ્ય બન્યા પછી લાગલગાટ ત્રણ વખત (૨૦૧૯, ૨૦૧૪ અને ૨૦૧૯) વિધાનસભ્ય બન્યા હતા. એટલું જ નહીં, શિંદેના દીકરા શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણની લોકસભાની બેઠક પરથી સાંસદ છે. એ જ રીતે એકનાથ શિંદે નગર પાલિકાના કોર્પોરેટરથી લઈને વિધાનસભ્ય અને પ્રધાન સુધીની સફર રહી હતી.
——–
શિવસેનાના વિધાનસભ્ય નીતિન દેશમુખની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી

અકોલા: મહારાષ્ટ્રના શિવસેનાના નેતા એકનાથ શિંદે અને શિવસેનાના કેટલાક વિધાનસભ્યો વચ્ચે અણબનાવ થયો હોવાની વાત સપાટી પર આવી છે ત્યારે પાર્ટીના વિધાનસભ્ય નીતિન દેશમુખની પત્નીએ તેના પતિના ગુમ થવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
નીતિન દેશમુખ અકોલા જિલ્લાના બાલાપુરથી શિવસેનાના વિધાનસભ્ય છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દેશમુખની પત્ની અંજલિ દેશમુખે અકોલાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે તેમના પતિ સોમવારની રાતથી ગુમ છે.
અગાઉના દિવસે સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે અને અન્ય કેટલાક શિવસેનાના વિધાનસભ્યો ગુજરાત શહેરની એક હોટેલમાં કેમ્પ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એમવીએએ છ બેઠકોમાંથી ચૂંટણી લડી હતી અને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. બાલાપુરના આ વિધાનસભ્યની પ્રકૃતિ ઓચિંતી બગડી છે અને તેમને હૃદયમાં દુખાવો ઊપડ્યો હોવાથી સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું કહેવાય છે. (પીટીઆઈ)
——–
સેના પાસે ગૃહમાં પૂરતા વિધાનસભ્યોનું સમર્થન ન હોવાથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું જોઇએ: નારાયણ રાણે

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની માગણી કરી હતી. તેમણે એવો આરોપ મૂક્યો હતો કે તેમના કેટલાક વિધાનસભ્યો સાથે સુરતમાં કેમ્પ કરી રહેલા સેનાના પ્રધાન એકનાથ શિંદેના બળવાને કર્યો હોવાને કારણે વિધાનસભામાં તેમની પાસે પૂરતું સમર્થન નથી. જોકે શિંદેએ પોતાનું વલણ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી. શિંદેએ શિવસેનાથી જુદા થવા માટે યોગ્ય નિર્ણય લીધો છે, એવું રાણેએ કહ્યું હતું.
શિંદેએ લીધેલા પગલાને કારણે હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે વિધાનસભ્યોનું પૂરતું સમર્થન નથી, એટલે તેમણે રાજીનામું આપી દેવું જોઇએ, એવું નારાયણ રાણેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું. રાણે આ મુદ્દા પર જાહેરમાં કહેનારા પ્રથમ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા છે.
પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા શિવસેનામાં શિંદે સાથે આદરપૂર્વક વ્યવહાર કરવામાં નહોતો આવતો. ઠાકરેના પુત્ર અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ શિંદેનિયંત્રિત શહેરી વિકાસ વિભાગમાં દખલ કરતા હતા. આને કારણે તેમણે સેનાને છોડવાનો લીધેલો નિર્ણય યોગ્ય જ છે, એવું નારાયણ રાણેએ વધુમાં કહ્યું હતું. (પીટીઆઈ)ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.