શું આ ભારતીય ‘ઋષિ’ અંગ્રેજો પર રાજ કરશે?

પુરુષ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ગઈ કાલે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. જો બધું સમુંસૂતરું પાર પડશે તો ૨૧ જુલાઈએ ભારતને તેનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રૂપમાં મળશે. જોકે ૨૧ જુલાઈએ બ્રિટનના રાજકારણમાં પણ ઇતિહાસ સર્જાવાની તક છે. ભારતીય મૂળના બ્રિટનમાં જન્મેલા ઋષિ સુનક જો વડા પ્રધાન બની જાય તો એમ કહેવાશે કે વર્ષો સુધી અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું. હવે એક ભારતીય અંગ્રેજો પર રાજ કરશે.
વાત એમ છે કે ૭મી જુલાઈએ બોરિસ જૉન્સને બ્રિટનના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી તેમની ક્ધઝર્વેટિવ પાર્ટીમાં નેતા પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં એક સમિતિ સામેલ હોય છે, જેના સભ્યો એ પાર્ટીના સંસદસભ્યો જ હોય છે. આ પ્રક્રિયાના ત્રણ સ્તર હોય છે. નામાંકન અર્થાત્ નોમિનેશન, રદબાતલ કરવું અર્થાત્ કાઢી નાખવું અર્થાત્ એલિમિનેશન રાઉન્ડ અને આખરી પસંદગી અર્થાત્ ફાઇનલ સિલેક્શન.
બ્રિટનમાં ઋષિ સુનક સહિત આઠ નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી.
સુનક નામાંકન રાઉન્ડમાં સૌથી આગળ હતા એટલું જ નહીં એલિમિનેશનના દ્વિતીય રાઉન્ડમાં પણ ગુરુવારે ૧૪ જુલાઈએ આગળ હતા. તેમને ૮૮ મત એટલે કે કુલ મતદાનના ૨૫ ટકા વોટ મળ્યા હતા. જોકે આ રાઉન્ડમાં ભારતીય મૂળના જ અન્ય એક નેતા સુએલ બ્રેવરમેન સહિત બે ઉમેદવારો બહાર થઇ ગયા છે. એલિમિનેશન રાઉન્ડના મતદાનમાં ૩૦થી ઓછા મત મેળવનાર ઉમેદવાર એલિમિનેટ થઇ જાય છે. આ એલિમિનેશન રાઉન્ડના ત્રીજા દોરનું વોટિંગ પણ ગઇ કાલે મોડી રાતે થયું અને હવે અંતિમ વોટિંગ ૨૧ જુલાઈએ ફાઇનલ થશે. હવે ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બને કે ન બને, પરંતુ એટલું નક્કી છે કે તેમનું વડા પ્રધાન તરીકે નામાંકન થયું એ પણ ગૌરવ લેવા જેવી વાત છે.
મૂળ પંજાબથી લંડન વાયા આફ્રિકા
ઋષિ સુનકના દાદા મૂળ ભારતના પંજાબમાં જન્મ્યા હતા. પછી તેઓ પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયા હતા. ઋષિના પિતા યશવીર સુનકનો જ્ન્મ કેન્યામાં થયો હતો તો તેમની માતા ઉષાનો જન્મ તાંગાનિકામાં થયો હતો. ઋષિના નાનાને બ્રિટનમાં રેવન્યુ ક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ‘ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર’ની મેમ્બરશિપ મળી હતી. તેમની નાનીએ પણ બ્રિટનમાં પોતાના કુટંબનું જીવનધોરણ સુધારવા માટે સંઘર્ષ કર્યો હતો. ત્યાર બાદ ૧૯૬૦માં ઋષિનાં માતા-પિતા બ્રિટનમાં જઇ વસ્યાં. ઋષિ સુનકનો તો જન્મ ૧૯૮૦માં બ્રિટનના હેમ્પશાયરમાં થયો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કરીને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, દર્શન અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં આવતાં પહેલાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કામ પણ કર્યું હતું અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના પણ કરી હતી. તેમની માતા ફાર્માસિસ્ટ છે અને પિતાએ સ્ટેનફોર્ડ તેમ જ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
ઋષિ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ છે
ઋષિએ ૨૦૦૯માં ૨૯ વર્ષની ઉંમરે ભારતની અગ્રણી કંપની ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા સાથે લગ્ન કર્યાં. ઋષિ અક્ષતાને કેલિફોેર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમ.બી.એ.ના અભ્યાસ દરમ્યાન મળ્યા હતા. જોકે તેમનાં લગ્ન બેંગલુરુમાં થયાં. અક્ષતા હાલમાં બ્રિટનમાં એક વેન્ચર કેપિટલ ફર્મની ડાયરેક્ટર છે. જોકે અક્ષતા બ્રિટનમાં નોન-ડોમિસાઇલ સ્ટેટસ ધરાવે છે. મતલબ કે ત્યાંની વર્ષોથી રહેવાસી નથી. નોન-ડોમનું સ્ટેટસ ધરાવતી અક્ષતા આ સ્ટેટસના કાયદાને લીધે સરકારને કર ચૂકવતી નથી જે સાધારણ બ્રિટિશ રહેવાસીએ ચૂકવવો પડે છે. આ ઘટના થોડી વિવાદાસ્પદ પણ બની હતી. જોકે ઋષિએ તેનો પક્ષ લેતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનું આ વલણ અમે મળ્યા તે પહેલાંનું, તે આ દેશમાં આવી એ પહેલાંનું છે. તે અહીં પ્રાઇવેટ સિટિઝનશિપ (ખાનગી નાગરિકત્વ) ધરાવે છે અને તેની આ પસંદગીને હું પૂરો સહકાર આપું છું. તેમને બે દીકરી છે કૃષ્ણા અને અનુષ્કા. ઋષિ નમ્રતાથી પોતાના સસરા નારાયણ મૂર્તિનાં વખાણ કરતાં કહે છે કે તેમણે જે પ્રાપ્ત કર્યું છે તેનો મને ગર્વ છે. તેમણે જીવનમાં જે હાંસલ કર્યું છે તેના દસમા ભાગનું પણ જો હું હાંસલ કરી શકું તો મારી જાતને ભાગ્યશાળી સમજીશ.
વડા પ્રધાનની સ્પર્ધામાં
ઋષિ કેમ આગળ છે?
૨૦૧૪માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ ઋષિ ૨૦૧૫માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૮માં તો સ્થાનિક સરકારમાં તેઓ મંત્રી તરીકે સામેલ થયા. ૨૦૧૯માં તેમને ટ્રેઝરીના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા. વડા પ્રધાન બોરિસ જોન્સનની ચૂંટણીના અભિયાનમાં ઋષિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મીડિયાના કોઇ પણ ઇન્ટરવ્યુ હોય તો સરકાર તેમને જ આગળ કરે છે. ટી.વી. પર આવતી ઘણી ચર્ચાઓમાં બોરિસની જગ્યાએ ઋષિએ ભાગ લીધો હોય એવું બન્યું છે.
ઋષિ ટ્રેઝરીના ચીફ બન્યા એ જ ગાળામાં કોવિડનો ગોઝારો કાળ શરૂ થયો હતો. કોરોનાકાળમાં ઋષિએ નાણામંત્રી બનીને જે કામ કર્યાં હતાં એને કારણે તેમની લોકપ્રિયતા ખૂબ વધી. કોરોનાકાળમાં તેમણે દેશને સફળતાપૂર્વક આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યો. તમામ વર્ગના લોકોને તેમના પગલાથી લાભ થયો. ૨૦૨૦માં તેમણે હોટેલ ઇન્ડસ્ટ્રીને ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમમાંથી પંદર હજાર કરોડની મદદ કરી. કર્મચારીઓ અને સ્વરોજગારવાળાઓને ઓગસ્ટ, ૨૦૨૧માં બે લાખની સહાય આપી. કોરોનાની લહેર દરમ્યાન ટૂરિઝમ ઉદ્યોગ ભાંગી પડ્યો હતો તેને પણ દસ હજાર કરોડનું પેકેજ આપ્યું હતું. આ જ વર્ષમાં બ્રિટનની સંસદમાં તેમણે બજેટ રજૂ કર્યું હતું, જેમાં તેમણે લોકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
શું બોરિસ ઋષિના વિરોધમાં છે?
બોરિસ જોન્સને ૩૦મી જૂને ડેપ્યુટી ચીફની પોસ્ટ પર ક્રિસ પિંચર નામના એક શખસની નિમણૂક કરી હતી, જેનું નામ સેક્સ સ્કેન્ડલમાં વગોવાયું હતું. તેમના આ નિર્ણયથી તેમની સરકાર અને પક્ષના ઘણા સભ્યો નારાજ થયા હતા અને તેમનો વિરોધ એટલો બધો વધી ગયો કે તેમણે વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એવું પણ ચર્ચાય છે કે બોરિસે રાજીનામું આપવું પડ્યું તેમાં એ ઋષિને કારણભૂત માને છે, તેથી તેમણે એવો અભિગમ અપનાવ્યો હોવાનું કહેવાય છે કે બીજા કોઇને પણ ટેકો આપો, પણ ઋષિને નહીં. તેમની ક્ધઝર્વેટિવ પાર્ટીના મતદારોમાં ૯૭ ટકા લોકો શ્ર્વેત છે. ઋષિને તેમના શ્ર્વેત હરીફ પેની મોરડન્ટ તરફથી સૌથી વધુ પડકાર મળી રહ્યો છે એટલે તેઓ શ્ર્વેત નાગરિકોની સમસ્યાઓના મુદ્દા પણ તેમના ચૂંટણી અભિયાનમાં ચર્ચી રહ્યા છે.
ઋષિને બ્રિટનના વડા પ્રધાન તરીકે શપથ લેવા મળે કે ન મળે, તેમનું વર્ચસ્વ સરકારમાં કાયમ રહેશે એ તો નક્કી જ છે. બ્રિટનના વડા પ્રધાનપદની નજીક પહોંચેલા ઋષિ પોતે ભારતીય કે હિન્દુ હોવાનો ગર્વ અનુભવે છે તે આપણે ભારતીયોએ પણ ગર્વ લેવા જેવી વાત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.