રોજ બરોજ -અભિમન્યુ મોદી
બ્રિટનમાં ક્ધઝર્વેટિવ પાર્ટી અને ભારતમાં કૉંગ્રેસ પાર્ટીની હાલત ‘ટુ બી ઓર નોટ ટુ બી’થ જેવી છે. પાર્ટીની નેતાગીરી વિચાર અને દિશાશૂન્યતાથી પીડાય છે. એક તરફ આરોગ્ય કર્મીઓ આંદોલન કરે છે અને બીજી તરફ ક્ધઝર્વેટિવ પાર્ટીના વડા મોદી સાહેબની જેમ ભરોસાના પ્રચારત્મક સૂત્રો આપી રહ્યા છે. મૂળ તો ભરતવંશી એટલે નકારાત્મક પરિબળોમાં પણ આશાનો દીપ પ્રજ્વલ્લિત રાખવો તેમના લોહી છે. જયારે પ્રજાને હવે તેના રંગ અને રંગસૂત્રો બન્નેથી વાંધો છે. બ્રિટનમાં માત્ર ૧.૬ ટકા વસતી ધરાવતા હિન્દુ સમાજના ઋષિ સુનક બ્રિટનના સર્વોચ્ચ પદે પહોંચી ગયા ત્યારે વિશ્ર્વને આશ્ર્ચર્ય થતું હતું. એ જ વિશ્ર્વ હવે સુનકને શંકાની નજરે નિહાળે છે. કેમ?
ધરતી પર જેની સત્તાનો સૂરજ આથમતો નથી તેવી ઉક્તિ ધરાવતા અને ભારત પર ૨૦૦ કરતાં વધુ વર્ષ સુધી શાસન કરનારા બ્રિટનની આર્થિક સ્થિતી ડામાડોળ થઈ ગઈ છે. લોકો બેફામ મોંઘવારીના કારણે પરેશાન છે જ ત્યાં હવે હડતાળોનો સિલસિલો શરૂ થતાં દેશની હાલત કફોડી બની છે. છેલ્લા બે મહિનામાં ત્રણ ડઝન હડતાળ પડી, અને એક તબક્કે તો લાખો આરોગ્યકર્મીઓનું ટોળું સુનક સરકાર વિરુદ્ધ નારા લગાવતું નજરે ચડ્યું તથા આરોગ્યકર્મીઓએ ૧૦ દિવસ માટે હડતાળ પર જવાનું એલાન કરી દીધું. ભારતમાં કોરોના ફૂંફાડો નથી મારતો એટલે અત્યારે નાગરિકોને પેરામેડિકલ સ્ટાફની પડી નથી પરંતુ બ્રિટનમાં ફલૂ એ હદે ફેલાયેલો છે કે માસ્ક ન પહેરો તો આખો પરિવાર સંક્રમિત થઈ જાય. આવા સમયે આરોગ્યકર્મીઓ જ હડતાળ પર ઉતરે તો જવું ક્યાં?
માનવતા દાખવવાને બદલે બ્રિટનનાં સૌથી મોટા લેબર યુનિયનમાંથી એક યુનાઈટ નેશનલ દ્વારા હડતાળને પ્રોત્સાહન આપીને એવો દાવો કરાયો છે કે આરોગ્ય કર્મીઓની સાથે એમ્બ્યુલન્સ વર્કર્સ, ટ્રાન્સપોર્ટેશન સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ટ્રેન ડ્રાઈવર્સ, ટીચર્સ, પોસ્ટલ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે એટલે દસ લાખથી વધારે કર્મચારીઓ હડતાલ પર જશે. અન્ય નાનાં નાનાં સેક્ટરના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઈ શકે છે. એ જોતાં મોટા ભાગની સેવાઓ ઠપ્પ થઈ જશે. આવા સમયે શાંતિ મંત્રણા કરવાનો વિકલ્પ સરળ અને સૂચક છે પરંતુ પીએમ સુનકે ચર્ચા કરવાને સ્થાને હડતાળ વિરોધી કાયદો બનાવવાની તૈયારી કરી લીધી એટલે હવે આંદોલનને બુસ્ટર ડોઝ મળ્યો છે. લીઝ ટ્રસના રાજીનામાં બાદ લોકપ્રિય થયેલા સુનક અચાનક બ્રિટન માટે કડવાં કેમ બની ગયા તે સમજવું આવશ્યક છે.
અત્યારે આરોગ્યકર્મીઓ આંદોલન કરે છે એટલે તેઓ બદનામ થયા, પરંતુ માત્ર હેલ્થ સેક્ટર જ નહીં દરેક ક્ષેત્રે વિરોધનો વાવટો ફરકાવાઈ રહ્યો છે. માનવ માત્રની પ્રારંભિક જરૂરિયાત છે- રોટી, કપડાં અને મકાન. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે શ્રમ, રોજગાર કે ધંધા કરવા પડે છે, જેમાંથી તેને વળતર મળી શકે. જોકે, બધાને આ બધું મળી શકતું નથી અને કેટલાક બેરોજગાર રહે છે એટલે શું રોજગારીની આશા છોડી દેવાની?
પહેલાં આખા યુ.કે.માં નર્સોની હડતાળ પડી હતી. સરકારે નર્સોને સમજાવીને માંડ માંડ કામે લગાડી ત્યાં રેલવે, મેરીટાઈમ અને ટ્રાન્સપોર્ટની પાંચ દિવસની હડતાળ શરૂ થઈ ગઈ, આ ત્રણેય સેવાના ડ્રાઈવર્સ સહિતના તમામ કર્મચારી હડતાળ પર ઉતરતાં ટ્રાન્સપોર્ટ સેવા લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. સરકારે ઈમર્જન્સીમાં રેલવે દોડાવી શકાય એટલા માટે આર્મી સહિતના કેટલાક સ્ટાફને કામે લગાડયો પણ એ બધું આંગળાં ચાટીને પેટ ભરવા જેવું સાબિત થયું.
રેલવે સહિતના ટ્રાન્સપોર્ટ સ્ટાફની માગણી પગાર વધારા અને સારી સવલતોની હતી. તેમના મતે મોંઘવારી વધી રહી છે તેના પ્રમાણમાં છેલ્લાં કેટલાંક વરસોમાં તેમનો પગાર વધ્યો નથી. બલકે ફુગાવાને ધ્યાનમાં લીધા વિના પણ ગણતરી કરીએ તો એક દાયકા પહેલાંની સ્થિતિએ પગારમાં છ ટકાનો ઘટાડો થયો છે. રેલવે દ્વારા ભરતી થતી નથી ને કર્મચારીઓ પાસે ઢસરડા કરાવાયા છે. તેમને નિયમ પ્રમાણે ને નિયમિત ઓવરટાઈમ પણ મળતો નથી. તેથી બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે. રેલવે દ્વારા કર્મચારીઓને બીજી સવલતો પણ અપાતી નથી. બાબા આદમના જમાનાની ટ્રેનો ચલાવવા અપાય છે કે જેના મેન્ટેનન્સમાં જ દમ નિકળી જાય છે.
આ મુદ્દાનો ઉકેલ મળે ત્યાં હવે આરોગ્યકર્મીઓ ધરણા પર બેઠા છે. બ્રિટનમાં નાગરિકોના આરોગ્યની જવાબદારી સરકારની છે. નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) હેઠળ સમગ્ર યુ.કે.માં હોસ્પિટલો અને દવાખાનાં ચાલે છે. આ સિવાય ટ્રસ્ટોની હોસ્પિટલો પણ એનએચએસની આર્થિક મદદથી જ ચાલે છે. ગયા મહિને એનએચએસનો આખો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી જતાં હેલ્થ સેવા ઠપ્પ થઈ ગઈ છે. તેમનો પ્રશ્ર્ન પણ રેલવેકર્મીઓ જેવો જ છે.
યુ.કે.માં કુલ સવા ચાર લાખ જેટલી નર્સ કામ કરે છે. મહિને સરેરાશ ત્રણ હાજર પાઉન્ડ તેમનો પગાર છે પણ તેમની ફરિયાદ એ જ છે કે, મોંઘવારી વધી તેની સરખામણીમાં પગાર વધતા નથી. બલ્કે ૨૦૧૧-૧૨ના સ્તરેથી ગણીએ તો ૫.૯ ટકા પગાર ઘટયો છે. લગભગ ૧૭ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે પણ ભરતીના નામે આશ્ર્વાસન જ અપાય છે. તેમનું કામ હાલના સ્ટાફ પાસે કરાવીને ઓવરટાઈમ અપાતો નથી. ફ્રાન્સ કે સ્વિત્ઝરલેન્ડ જેવા યુરોપના બીજા દેશો સાથે તો સરખામણીનો સવાલ જ નથી પણ ઓસ્ટ્રેલિયા, યુ.એસ. જેવા દેશોમાં પણ યુ.કે.ની નર્સોની હાલત સૌથી ખરાબ છે.
સમગ્ર બ્રિટનમાં આ પ્રકારનો અસંતોષ છે. તેનું કારણ એ કે, એક તરફ મોંઘવારી વધી રહી છે ને બીજી તરફ બ્રિટનની આર્થિક હાલત બગડી રહી છે. સરકારો આવે છે ને જાય છે પણ સરકાર પાસે આવક વધારવાની કોઈ વ્યૂહરચના જ નથી. બ્રિટનના જીડીપીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ગયા વરસ સુધી બ્રિટન વિશ્ર્વમાં પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હતું. હવે ભારત તેને ઓવરટેઈક કરી જતાં છઠ્ઠા નંબરે જતું રહ્યું છે.
બ્રિટનના જીડીપીમાં ઘટાડા અને અર્થતંત્રની અવદશા પાછળનું મોટું કારણ એ છે કે, બ્રિટનનું અર્થતંત્ર સર્વિસ સેક્ટર આધારિત થઈ ગયું છે. બ્રિટનના જીડીપીમાં ૮૧ ટકા હિસ્સો સર્વિસ સેક્ટરનો છે. તેમાં પણ ફાયનાન્સિયલ સર્વિસ ઈન્ડસ્ટ્રી સૌથી મોટી છે. લંડન વિશ્વમાં ન્યુયોર્ક પછી બીજા નંબરનું ફાયનાન્સિયલ સેન્ટર છે. વિશ્ર્વનાં ટોપ ટ્વેન્ટી ફાયનાન્સિયલ સેન્ટરમાં ભારતનું એક પણ શહેર નથી જ્યારે યુ.કે.નું એડિનબર્ગ ૧૭મા નંબરે છે. બ્રિટનની ફાયનાન્સિયલ સર્વિસમાંથી ધરખમ કમાણી થતી હતી પણ ધીરે ધીરે એ ઘટી રહી છે. ટેક્નોલોજીનો વ્યાપ વધતાં ઓછા દરે ને ઝડપથી વિશ્ર્વસનિય સેવા આપનારા હરીફો ઊભા થયા છે તેથી બ્રિટનની હાલત બગડી રહી છે. હોંગકોંગ, સિંગાપોર, સાઉથ કોરીયા, ભારત, ચીન સહિતના દેશો યુ.કે.નો બિઝનેસ છિનવી રહ્યા છે.
યુ.કે. પાસે આ નુકસાન સરભર કરવાના બીજા કોઈ સ્ત્રોત નથી. વિધિની વક્રતા એ છે કે, વિશ્વમાં ઔદ્યોગિકીકરણને અપનાવનારો યુ.કે. પહેલો દેશ હતો ને અત્યારે બ્રિટને ઉદ્યોગોને બાજુ પર મૂકી દીધા છે. બ્રિટને છેક અઢારમી સદીમાં ઔદ્યોગિકીકરણને અપનાવીને તોતિંગ ઉદ્યોગો ઉભા કરવા માંડેલા. દુનિયાના અન્ય રાષ્ટ્રોની માફક બ્રિટને ઉદ્યોગોમાં નવી ટેકનોલોજી અને મશીનો લાવીને દુનિયાના બીજા દેશોની ઈકોનોમીને ઠપ્પ કરી દીધી હતી. ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુ.કે.નાં મશીનોમાં બનતાં કાપડના કારણે ભારતીય કાપડનું ધીરે ધીરે કોઈ લેવાલ જ ના રહ્યું તેથી ભારતનો કાપડ ઉદ્યોગ પતી ગયો. બીજાં પણ ઘણાં સેક્ટર્સમાં આ હાલત થઈ ગઈ.
વીસમી સદીના સાતમા-આઠમા દાયકામાં ટેલીકોમ્યુનિકેશન્સ અને કોમ્પ્યુટર્સ યુગ શરૂ થયો પછી બ્રિટને ફાયનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં દબદબો બનાવ્યો. તેના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઘટવા માંડયું. લોકોને મજૂરી કર્યા વિના અઢળક કમાણી કરી આપતી વ્હાઈટ કોલર જોબ્સમાં વધારે રસ પડવા માંડયો. સરકારને પણ તેમાં આવક વધારે થતી તેથી તેને પ્રોત્સાહન આપ્યું. આ કારણે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનું યોગદાન ઘટવા માંડયું છે. ૧૯૭૦માં ૨૫ ટકા હિસ્સો ઉત્પાદનનો હતો જે ઘટીને ૨૦૧૬માં ૧૦ ટકા થઈ ગયેલો. અત્યારે તો ૮ ટકાની આસપાસ છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની એ ચારેય આર્થિક મહાસત્તા મેન્યુફેક્ચરિંગ વધારીને આથક તાકાત વધારવા પ્રયત્નશીલ છે ત્યારે બ્રિટન પાસે હવે એ તાકાત જ નથી.
સુનક સરકારને આવ્યાને કેટલો સમય થયો? હજુ દિવાળીમાં તેમણે સત્તા સાંભળી ત્યાં તો પ્રજા તેમને ચોંટી ગઈ. એમની પાસે જાદુની લાકડી તો છે નહીં કે આકાશમાં મંત્રોચ્ચાર કરે એટલે સઘળી સમસ્યાનો ઉકેલ આવી જાય. ભારત આઝાદ થયું ત્યારે તો બ્રિટન કરતાં પણ વિષમ અને દુષ્કર પરિસ્થિતિ હતી, પરંતુ એ સમયે પ્રજાએ સરકારનો સાથ આપ્યો. શાસ્ત્રીજીના એક કહેણ પર માત્ર એક જ ટંકનું ભોજન ગ્રહણ કર્યું ત્યારે દેશ ઘઉંની અછત સામે ટકી શક્યો. જયારે બ્રિટનની પ્રજાને પોતાની પ્રત્યેક સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ જોઈએ છે. સુનકની પૂર્વે રાષ્ટ્ર પ્રમુખ બનેલા લીઝ ટ્રસ હોય કે બોરીસ જ્હોન્સ અથવા તેમની પહેલા જેઓ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપતા હતા તેવા થેરેસા મે, કોઈ રાષ્ટ્ર પ્રમખ આ સમસ્યાને નિવારી નથી શક્યા તો સુનક કઈ રીતે પાંચ માસમાં બધું ઠેકાણે પાડી દે?
આવા સમયે પ્રજા સુનકની પડખે રહેવાને સ્થાને તેમના પર આરોપી લગાવે છે કે તેઓ ભારતને સતત મદદ કરે છે. આક્ષેપના ઊંડાણમાં જઈએ તો ભારત અને યુ.કે. સરકાર વચ્ચે ‘યંગ પ્રોફેશનલ સ્કીમ’ હેઠળ ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના ૩૦૦૦ ભારતીયોને બ્રિટનમાં રહેવા માટેના વિઝા આપશે. ભારતમાં ડિગ્રી મેળવનારા આ યુવાનોએ બ્રિટન જવું હશે તો વર્ક પરમિટ, બ્રિટનમાં કામ કરવા માટે ઓફર લેટર કે સ્પોન્સરની જરૂર નહીં પડે. બ્રિટન તેમની ડિગ્રીના આધારે તેમને બ્રિટનમાં કામ કરવાના અને રહેવાના વિઝા આપશે. પયંગ પ્રોફેશનલ સ્કીમથ હેઠળ વિઝા મેળવનારા ભારતીય યુવાનો બે વર્ષ સુધી યુ.કે.માં રહી શકશે. બ્રિટને છેલ્લાં કેટલાંક વરસોથી ભારતીયોને વિઝા આપવામાં કડક નીતિ અપનાવી છે. ભારતીયો એક વાર બ્રિટન આવે પછી ગેરકાયદેસર રીતે જામી જવામાં પાવરધા છે એવી છાપ ઉભી કરાઈ છે તેથી ‘યંગ પ્રોફેશનલ સ્કીમ‘માં ભારતીયોનો સમાવેશ કરાશે એવી કોઈને આશા જ નહોતી પણ સુનક આવ્યા ને ચિત્ર બદલાઈ ગયું. એટલે પ્રજાને તેમાંથી બેવફાઈને બદબુ શોધી લીધી પરંતુ તેઓ માહિતીના અભાવે એવો આક્ષેપ કરે છે.
બ્રિટન વરસોથી વિદેશોના ટેલેન્ટેડ યુવાઓને બ્રિટનમાં કામ કરવાની સ્વતંત્રતા આપવા માટે ‘યંગ પ્રોફેશનલ સ્કીમ’ ચલાવે છે. ‘યંગ પ્રોફેશનલ સ્કીમ’ હેઠળ અત્યાર સુધી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, તાઈવાન, આઈલેન્ડ, સાન મરીનો, મોનેકો, દક્ષિણ કોરીયા અને હોંગકોંગના યુવાઓને બ્રિટનમાં નોકરી કે સ્પોન્સર વિના બે વર્ષ સુધી રહેવાની છૂટ મળતી હતી પણ ભારતનો સમાવેશ નહોતો કરાયેલો. સુનકે માત્ર ફેરકાર કર્યો ને અણખામણાં થઈ ગયા. ઓછું હતું તેમ હડતાળ પર ઉતરેલી પ્રજા સાથે ચર્ચા કરવાને સાથે હળતાળ વિરોધી વિધેયક પસાર કરી દીધું!
આ હડતાળ વિરોધી કાયદા હેઠળ કાયદાકીય રીતે હડતાળનું એલાન કરાય તો પણ બધા કર્મચારીઓ હડતાળ પર નહીં જઈ શકે. સંસદમાં રજૂ કરાયેલા એન્ટિ સ્ટ્રાઈક લેજિસ્લેશનમાં મહત્ત્વની જાહેર સેવાઓમાં ‘એન્ફોર્સ મિનિમમ સર્વિસ લેવલ’ જાળવવા માટે જરૂરી પગલાં ભરવાની સરકારને સત્તા છે. મતલબ કે, કોઈ પણ જાહેર સેવામાં હડતાલ દરમિયાન પણ લોકોને તકલીફ ના પડે એટલી સંખ્યામાં તો કર્મચારીઓ-કામદારો હાજર રાખવા જ પડશે. બલકે સરકાર આ કર્મચારીઓ-કામદારોને હાજર રહેવાની ફરજ પાડશે. જે કર્મચારી કે કામદાર નહીં માને એ બધા જ અધિકારો ગુમાવશે.
પ્રજાને મતે આ જોગવાઈ કામદારોના અધિકારો પર તરાપ મારનારી છે તેથી તેને ચલાવી ના લેવાય. યુનિયનો તેની સામે ઉગ્ર લડતની તૈયારી કરીને બેઠા છે ત્યારે સુનક સરકારના મંત્રીઓ બેફામ નિવેદનો કરીને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ વર્કર્સ હડતાળ પાડીને દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને એક રીતે મર્ડર કરી રહ્યા છે એવાં નિવેદનો સુનકની પાર્ટી તરફથી થયાં છે. સુનકની ક્ધઝર્વેટિવ પાર્ટીની વિરોધી લેબર પાર્ટી આ કાયદાની વિરૂદ્ધ છે કેમ કે તેની મતબેંક કામદારો અને કર્મચારીઓની છે. તેમનું કહેવું છે કે, સરકાર મોંઘવારીને રોકી શકતી નથી ને વધતી મોંઘવારીના પ્રમાણમાં પગાર વધારતી નથી. ઊલટાનું કામના કલાકો વધારીને કર્મચારીઓ ને કામદારો પર માનસિક અત્યાચાર ગુજારી રહી છે. તેની અસર તેમના જીવન પર પડી રહી છે ને એ લોકો આપઘાત કરી રહ્યા છે. આવા સમયે સુનક જો આંદોલનકારીઓ સાથે સંવાદ નહીં કરે તો વિવાદ થશે અને થયા જ કરશે!