Homeઆમચી મુંબઈમુંબઈ મનપાની ચૂંટણી લંબાઈ જશે?

મુંબઈ મનપાની ચૂંટણી લંબાઈ જશે?

એકનાથ શિંદેએ કેબિનેટની બેઠકમાં સ્વીકૃત સભ્યોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળની કેબિનેટની બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પાલિકામાં સ્વીકૃત સભ્યોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. આ સ્વીકૃત અથવા તો નામ નિર્દેશિત સભ્યોની સંખ્યામાં સુધારો કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજ્યની ૨૪ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે સ્વીકૃત સભ્યોની સંખ્યામાં વધારો કરવાના નિર્ણયને રાજકીય મહત્ત્વ પ્રાપ્ત થયું છે.
મહારાષ્ટ્રનું નગરવિકાસ ખાતું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે છે. રાજ્યની મુંબઈ, થાણે, પુણે, કોલ્હાપુર, નાશિક, ઔરંગાબાદ સહિત ૨૪ મનપાની ચૂંટણીઓ પડતર છે.
આ ચૂંટણીઓ વિવિધ કારણોસર પ્રલંબિત હોવા છતાં રાજ્યમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વધુમાં વધુ કાર્યકર્તાઓને તક આપવાની દૃષ્ટિએ મનપામાં નોમિનેટેડ સભ્યોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય મહત્ત્વનો છે. મનપાની ચૂંટણીમાં જે ઉમેદવાર પરાજિત થાય અથવા જે ઈચ્છુકોને ઉમેદવારી આપી શકાઈ ન હોય તેમને સ્વીકૃત સભ્ય તરીકે તક આપવામાં આવતી હોય છે. હવે આવા સભ્યોની સંખ્યામાં વધારો થતાં રાજકીય પક્ષો સામેનો મોટો અવરોધ દૂર થશે.
———
કેબિનેટમાં કયો
નિર્ણય લેવાયો?
મનપાના કામકાજમાં ગુણાત્મક વધારો કરવાની દૃષ્ટિએ નામનિર્દેશિત સભ્યોની સંખ્યામાં સુધારો કરવાનો નિર્ણય મંગળવારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકના અધ્યક્ષસ્થાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હતા. મુંબઈ મનપા કાયદાની કલમ ૫(૧)(બ)માં ૧૦ નોમિનેટે સભ્ય અને મહારાષ્ટ્ર મનપા કાયદાની કલમ ૫(૨)(બ)માં ૧૦ ટકા કરતાં વધારે થાય નહીં તેવી રીતે અથવા ૧૦ પાલિકા સભ્યમાંથી જે ઓછા હોય એટલા સ્વીકૃત સભ્ય રાખવાનો નિર્ણય સૈૈદ્ધાંતિક રીતે માન્ય કરવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના એડવોકેટ જનરલનો મત મગાવવામાં આવ્યો હતો. મુંબઈ મનપા કાયદા, ૧૮૮૮ની કલમ ૫(૧)(બ) માં સ્વીકૃત સભ્યોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું છે અત્યારે મુંબઈ મનપામાં સ્વીકૃત સભ્યોની સંખ્યા પાંચ છે. અનુભવી અને કાર્યકુશળ સભ્યોને સ્વીકૃત સભ્યો તરીકે લેવામાં આવે તો પાલિકાના કારભારમાં તેઓ મદદરૂપ બની શકે છે તે હેતુથી આ સ્વીકૃત સભ્યનું પદ રાખવામાં આવ્યું છે. તેને માટે માપદંડો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.
——-
કઈ મહાનગરપાલિકાની ચૂંટણી થશે?
મુંબઈ, થાણે, નવી મુંબઈ, પનવેલ, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર, ભીવંડી-નિઝામપુર, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, નાશિક, આકોલા, અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ, નાંદેડ-વાઘાળા, લાતુર, પરભણી, ચંદ્રપુર અને માલેગાંવ મહાનગરપાલિકાની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને હવે આ બધાની ચૂંટણી બાકી છે. આ ઉપરાંત ઈચલકરંજી મનપાનું નવેસરથી નિર્માણ કરવામાં આવ્યું છે અને તેની પણ ચૂંટણી બાકી છે.
———-
કેબિનેટની બેઠકના અન્ય મહત્ત્વના નિર્ણય
સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજનાનો લાભ અનાથ સુધી પહોંચાડવા માટે તર્પણ ફાઉન્ડેશન સાથે કરાર કરવાનો નિર્ણય સામાજિક ન્યાય ખાતા દ્વારા લેવામાં આવ્યો છે. સરકારી જમીન પર બેકરીનો વ્યવસાય કરવા માટે હિન્દુસ્તાન લીવર કંપનીને મોર્ડન ફૂડ એન્ટરપ્રાઈસીસ સાથે વ્યાવસાયિક કરાર કરવાને માન્યતા આપવાનો નિર્ણય મહેસૂલ ખાતા દ્વારા લેવામાં આવ્યો છે. રસ્તા પર પ્રાણીઓને લાવવા અને લઈ જવાનું કામ કરનારા લોકોને કારાવાસની સજાને બદલે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular