જીએસટી સામે ખતરાનો કાઉન્સિલ નિવેડો લાવશે ?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘વન નેશન, વન ટેક્સ’ યોજના હેઠળ અમલી બનાવેલા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે રચાયેલી જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક ચંદીગઢમાં શરૂ થઈ છે. કાઉન્સિલની પહેલા દિવસની બેઠકમાં કશું નક્કર ના થયું તેથી હવે સૌની નજર બુધવાર પર છે. જીએસટી અંગે બે મહત્ત્વના મુદ્દા ઊભા થયા છે ને તેના કારણે જીએસટીના માળખા સામે ખતરો ઊભો થઈ ગયો છે. આ બંને મુદ્દાનો ઉકેલ કઈ રીતે લવાશે તેના પર સૌની નજર છે કેમ કે આ ઉકેલ ના લવાય તો જીએસટી માળખું તૂટી પડે એવું બને.
પહેલો મુદ્દો જીએસટી કાઉન્સિલ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો છે જ્યારે બીજો મુદ્દો રાજ્યોને અપાતા વળતરનો છે. આ બંને મુદ્દા એકબીજા સાથે સંકળાયેલા હોવાથી કાઉન્સિલ શું નિર્ણય લેશે એ મહત્ત્વનું છે.
દેશભરમાં ૨૦૧૭માં જીએસટીનો અમલ થયો પછી જીએસટી એક્ટ હેઠળ કોઈ પણ ચીજ પર આખા દેશમાં એક સરખો ટેક્સ લાગે છે. આ ટેક્સ કેટલો હશે એ નક્કી કેન્દ્રીય નાણાં મંત્રી અને રાજ્યોના નાણાં મંત્રીઓની બનેલી જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે, જીએસટી કાઉન્સિલ નક્કી કરે તેમાં કોઈ ફેરફાર ના કરી શકાય. જીએસટી કાઉન્સિલ નક્કી કરે તેને કોઈ બદલી ના શકે.
સુપ્રીમ કોર્ટે આ ભ્રમનો ભાંગીને ભુક્કો કરી નાખીને ચુકાદો આપ્યો હતો કે, જીએસટી કાઉન્સિલે કરેલી ભલામણ માનવા રાજ્યો કે કેન્દ્ર સરકાર બંધાયેલાં નથી. જીએસટી કાઉન્સિલને ભલામણ કરવાની સત્તા છે પણ તેની ભલામણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે ફરજિયાતપણે માનવી જ એવું કોઈ કાયદામાં લખાયેલું નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જીએસટી એક્ટના અમલીકરણમાં કલમ ૨૪૬-એ હેઠળ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને સમાન સત્તા છે.
બંધારણની કલમ ૨૭૯ પ્રમાણે કેન્દ્ર-રાજ્યોએ પરસ્પર સહયોગથી કામ કરવાનું હોય છે. આ સહયોગ જળવાય ને રાજ્યો અને કેન્દ્ર સરકારો વચ્ચે વિખવાદ ના થાય એટલે બંનેને માફક આવે એવી ભલામણ જીએસટી કાઉન્સિલ કરે છે પણ તેનું પાલન કરવું બંને માટે ફરજિયાત નથી. આ કારણે જીએસટી પર કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોને કાયદા બનાવવાનો સમાન અધિકાર છે. મતલબ કે, રાજ્યો પોતાની રીતે જીએસટી નક્કી કરી શકે છે.
બીજો મુદ્દો રાજ્યોને અપાતા વળતરનો છે. મોદી સરકારે ૨૦૧૭માં ૧ જુલાઈથી જીએસટીનો અમલ શરૂ કર્યો ત્યારે નક્કી કરેલું કે, કેન્દ્ર સરકાર રાજ્યોને પાંચ વર્ષ સુધી કરવેરાની આવકમાં થયેલા ઘટાડા પેટે વળતર ચૂકવશે. જીએસટીના અમલને આવતી કાલે ગુરૂવારે ૩૦ જૂને પાંચ વર્ષ પૂરાં થશે તેથી હવે પછી કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર નહીં ચૂકવે. જીએસટી કાયદા પ્રમાણે જીએસટીની રકમ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સરખા ભાગે વહેંચાય છે. આ વ્યવસ્થાનો અમલ કરાશે અને હવે રાજ્યોને તેમના હિસ્સાનાં ૫૦ ટકા નાણાં સિવાય વધારાની કોઈ રકમ કેન્દ્ર સરકાર નહીં ચૂકવે.
આ નિર્ણય સામે વિપક્ષી રાજ્ય સરકારોએ બાંયો ચડાવી પછી કેન્દ્રે જીએસટી સેસના વળતરની યોજના ૨૦૨૬ સુધી લંબાવી પણ રાજ્યો માટે વળતર યોજના લંબાવવાનો સાફ ઈનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, વળતરની યોજના હવે લંબાવવાની નથી જ તેથી વિપક્ષી સરકારોએ બાંયો ચડાવી છે. દેશનાં કુલ સાત મોટાં રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે અને તેમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાનું એલાન કરેલું.
આ રાજ્યોએ ખુલ્લી ધમકી આપી હતી કે, રાજ્યોને વળતરની યોજના લંબાવીને રાજ્યોને નાણાકીય રાહત નહીં અપાય જીએસટી કરમાળખાને સરળ બનાવવાની પ્રક્રિયા ખોરંભે ચડી જશે તેથી આ જોખમ ઉઠાવવા તૈયાર રહો. આ રાજ્યોનું કહેવું છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળની જીએસટી કાઉન્સિલ વળતર યોજના લંબાવવા તૈયાર નહીં થાય તો રાજ્યો પોતાની રીતે બીજા કરવેરા લાદીને આવકના સ્રોત ઊભા કરશે.
બિન-ભાજપ સરકારોની ધમકી ગંભીર છે, બિન-ભાજપ સરકારોના આક્રમક વલણના કારણે જીએસટી કરમાળખું ખતમ થઈ જવાનો ખતરો ઊભો થયો છે. જીએસટીને પાંચ વર્ષ પૂરાં થયાં નથી ત્યાં તો જીએસટી કરમાળખું તૂટી પડે એ બહુ મોટી પીછેહઠ કહેવાય. સુપ્રીમે રાજ્યોને જીએસટી અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી દીધી તેથી ‘વન નેશન, વન ટેક્સ’ની વાતો કાગળ પર જ રહી જાય એવો ખતરો ઊભો થયો છે.
બિન-ભાજપ સરકારો જે કંઈ કરે છે એ ચોખ્ખું બ્લેકમેઈલિંગ છે પણ આપણે ત્યાં તેની નવાઈ નથી. રાજ્યો અને કેન્દ્ર બંને એ રીતે વર્તે છે તેથી કોઈ એકનો વાંક કાઢી શકાય તેમ નથી.
બિન-ભાજપ સરકારોને સુપ્રીમના ચુકાદા પછી મોટું હથિયાર મળી ગયું છે. જીએસટીના કારણે આવક ઘટી હોવાનો બળાપો રાજ્યો લાંબા સમયથી કાઢે જ છે. આ આવક વધારવા શું કરવું તેની ગડમથલમાં અટવાયેલાં રાજ્યોને સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રસ્તો બતાવી દીધો છે. અત્યારે પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરાથી બહાર છે તેથી રાજ્યો મનફાવે એ રીતે વેટ લગાડે છે. પેટ્રોલ-ડીઝલ પર વેટને લગતી જોગવાઈનો ઉપયોગ રાજ્યો પોતાની આવક વધારવા કરે છે. એ રીતે રાજ્યો હવે કોઈ પણ ચીજ પર પોતાને ફાવે એ જીએસટી લેવા માંડે એવું બને.
સુપ્રીમના ચુકાદાને પગલે રાજ્યો જીએસટી કાઉન્સિલની ભલામણને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખીને પોતાને મનફાવે એ રીતે જીએસટી લેવાનું શરૂ કરી દે તો પણ કોઈ તેમનું કશું બગાડી શકે તેમ નથી. જીએસટી કાઉન્સિલે કરેલી ભલામણને કોઈ પણ રાજ્ય ફગાવી શકે છે એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. રાજ્યોને જીએસટી અંગે પોતાના કાયદા બનાવવાનો અધિકાર પણ છે જ તેથી કેન્દ્ર સરકાર તેની સામે વાંધો પણ ના લઈ શકે એ જોતાં રાજ્યો પાસે મોટું હથિયાર છે. દેશમાં બે-પાંચ રાજ્યો પણ પોતાની રીતે જીએસટી લગાવવાનું શરૂ કરી દે તો પણ દેશમાં અંધાધૂંધી પેદા થઈ જાય. આ સ્થિતિ ના સર્જાય એ માટે જીએસટી એક્ટમાં સુધારો કરવો જરૂરી છે.

1 thought on “જીએસટી સામે ખતરાનો કાઉન્સિલ નિવેડો લાવશે ?

  1. Packaged branded foods offer some assurance of its safety. By putting 5% GST on food such as yoghurt and buttermilk etc. people will be forced to purchase unpackaged products with no safety assurance. With food inspection being sporadic and spotty–if at all, this danger increases many fold. Even unpackaged food grains are not without this problem. Hence this tax flies in the face of and at the cost of people’s safety. The proposal must be scrapped.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.