Homeરોજ બરોજસ્પોર્ટ્સમાં સ્ત્રી શોષણનો ‘બ્રિજ’ તૂટશે?

સ્પોર્ટ્સમાં સ્ત્રી શોષણનો ‘બ્રિજ’ તૂટશે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ ભલે આગેકૂચ કરી રહ્યું હોય, પરંતુ સ્ત્રીઓની સલામતીના મામલે વિશ્ર્વમાં સૌથી અસુરક્ષિત દેશ છે તેવું રજતચંદ્રક પ્રાપ્ત કરનાર કુસ્તીબાજોના આંદોલને સાબિત કરી દીધું છે. હિન્દુસ્તાનમાં ગોલ્ડ મેડલની વેલ્યુ કેટલી છે? મહાવિદ્યાલયમાં જ્યારે વિદ્યાર્થિની ઉચ્ચ પરિણામ મેળવીને મેડલ પ્રાપ્ત કરે ત્યારે સમાજ તેના ઓવારણાં લેવા બેસી જાય અને એ જ વિદ્યાર્થિની પર જાતીય સતામણી થયાની વાત સામે આવે તો એ જ સમાજ તેના ચરિત્ર પર ડાઘ લગાડીને મદદ કરવાને સ્થાને તેના પર માનસિક સિતમ ગુજારે છે. એ સમયે ખબર પડે કે ગોલ્ડની કિંમત તો ક્ષુલ્લક છે. તેના દેહ પર દુરાચાર થયો એટલે તે અભડાઈ ગઈ! જેણે અપરાધ આચર્યો છે તેના પર તો કોઈ આંગળી પણ નહીં ચીંધે. ઊલટું તેને સત્તા અને કાયદો બન્નેનું સંરક્ષણ પ્રાપ્ત થાય અને જેણે અત્યાચાર સહન કર્યો છે તે પીડિતાએ દેશની રાજધાની પર ધરણા કરવા.
પીએમ મોદી વિશે ઝેર ઓકતી બીબીસીની ડોક્યુમેન્ટરી પર તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો. કેમ? તેમાં ભારતની છબી ખરડાઈ છે તો શું દેશ માટે રજતચંદ્રક જીતનાર કુસ્તીબાજ ખેલાડીઓ યૌન શોષણના આરોપ લગાવી ૭૨ કલાક સુધી ધરણા પર બેસે તેનાથી ભારતની ઇમેજ ચોખ્ખી થઈ જશે? ભારત સરકારના રમત-ગમત ખાતાને ૭૨ કલાક બાદ જ્ઞાન લાદ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદેથી બ્રિજભૂષણ શરણસિંહની હકાલપટ્ટી કરવી જોઈએ! કાયદાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ મહિલા ખેલાડી ઉચ્ચ હોદ્દા પર બેસેલા મંત્રી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરે એટલે માની થોડું લેવાય. પરંતુ જે બ્રિજભૂષણ વિરુદ્ધ જાહેરમાં હુમલો કર્યાની ૪૫થી વધુ એફઆરઆર દાખલ હોય, તેની દાઉદ ઈબ્રાહિમ ગેંગના શાર્પ શૂટર્સને આશ્રય આપ્યો હોવાના પુરાવા સાથે સીબીઆઈએ ધરપકડ કરી હોય તેના પર જાતીય સતામણીના આરોપ લાગે એ સ્વાભાવિક છે. આ મુદે ચર્ચા નહીં કાર્યવાહી થવી જોઈએ. તેમાંય સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે તો પુરાવા સાથે ફરિયાદ કરી હતી તો ઢીલાશ કેમ?
૨૪ કલાક એક્ટિવ મોડમાં રહેતા આરોગ્ય મંત્રી અનુરાગ ઠાકુર આ મામલે ઠંડા કેમ પડી ગયા? જયારે વૈશ્ર્વિક મીડિયાએ ભારતના સ્પોર્ટ્સ મંત્રાલય વિરુદ્ધ ટીકાત્મક લેખ લખ્યા અને ઠીકરું ઠાકુરના માથે ફૂટ્યું એટલે તેમણે કડક પગલાં લેવાને નામે ૭ સભ્યોની કમિટી બનાવી દીધી જેથી આંદોલનનો અંત આવે અને સમાધાનના પ્રયાસ થાય.ભારતમાં મહિલા ખેલાડી સાથે થતું યૌન ઉત્પીડન સામાન્ય વાત છે. છેલ્લા બે દાયકામાં ૫૦ મહિલા ખેલાડીઓએ આવા આરોપ લગાવી ચૂકી છે. કોઈએ આપઘાત કરી લીધો તો કોઈએ પોતાના ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ લીધો, પરંતુ મંત્રીના વેશમાં ફરતા વાસના ભૂખ્યા વરુઓના સ્વરૂપ બદલાયા તેઓ સજાને પાત્ર બન્યા ન બન્યા.
૨૦૧૫માં કેરળમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કેમ્પસમાં એકસાથે ચાર તરુણીઓએ ઝેર ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કારણ? તેના કોચ વારંવાર તેમના જનનાંગોમાં સ્પર્શ કરતા હતા.આ મામલે ચારેય સખીઓએ ફરિયાદ કરી તો કોઈએ ગણકારી નહીં અંતે પરિવાર અને સમાજના ડરથી આત્મહત્યાની કોશિશ કરી. એ પૈકી એક સગીરા મૃત્યુ પામી હતી. ૩ બચી ગઈ. મીડિયામાં મુદ્દો ચગ્યો. તુરંત સરકારે સોગઠી ફેંકી ચારેય સગીરા અને તેના પરિવારને સરકારી તિજોરીમાંથી ૨૪ લાખ રૂપિયાનું વળતર અપાયું. પરિવારના એક સભ્યને સરકારી નોકરીની ખાતરી પણ આપવામાં આવી છે. સાદા શબ્દોમાં કહીએ તો સરકારી નાણાં અને નોકરીથી ગરીબ પરિવારોને ખરીદી લેવામાં આવ્યા. કોઇએ શાસકોને એ પણ પૂછવાની તસ્દી નથી લીધી કે પીડિત પરિવારને સરકારી તિજોરીમાંથી વળતર ચૂકવવાના બદલે આ ઘટના માટે દોષિત કોચને દંડ આપવાની ફરજ કેમ પડાઇ નથી. આને કહેવાય સમરથ કો નહીં દોષ ગુંસાઇ. કુસ્તીકાંડમાં આ મોડેસ ઓપરેન્ડીને પુનરાવર્તિત કરવાની સંભાવના છે.
ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટે ધરણા દરમિયાન આપવીતી વર્ણવતા મીડિયાને જણાવ્યું હતું કે બન્ને ૧૦ વર્ષથી જાતીય સતામણી સહન કરે છે. આ વાત કેટલી ગંભીર છે. એક દાયકો તેણે દેશને ગોલ્ડ અપાવવા માટે આકરી મહેનત તો કરી સાથોસાથ આવા હવસખોરોની વિકૃતિ પણ સહન કરી! વિચારવા જેવું છે કે આ તો કુસ્તીબાજ મહિલા છે,તળપદી ભાષામાં કહીએ તો હરિયાણાનું પાણી, તેનામાં ૧૦ વર્ષે હિંમત આવી તો ગુજરાત અને અન્ય રાજ્યોની તો મહિલા ખેલાડીઓની શું સ્થિતિ થતી હશે! ભારતમાં મહિલા સુરક્ષાના મુદ્દે ચિંતા અને ચિંતન તો થાય છે, પણ સરવાળે સ્થિતિ કથળી રહી છે. માત્ર સ્પોર્ટ્સ જ નહીં પણ લગભગ ક્ષેત્રમાં ગુનાહિત તત્ત્વોની બોલબાલા છે. ભાગ્યે જ કોઇ કાયદાનું પાલન કરાય છે અને માફિયાગીરી ચરમસીમાએ છે. આ સંજોગો છતાં મહિલાઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની કોઇને ચિંતા જણાતી નથી.
કેરળની જેમ શાળા કક્ષાએ જ રમત જગતમાં પ્રતિભાવના દીકરીઓ સાથે આ પ્રકારની સતામણી થાય તો તેમનું કૌશલ્ય મટી જાય છે. સરકારી બાબુઓ વિકૃતિની હદ વટાવી તેમને માનસિક કે શારીરિક ત્રાસ આપે છે એવું મીડિયા લખે ત્યારે જ ખબર પડે છે. બાકી તો જેના વિશે લખાયું નથી તેનું શું? સ્પોર્ટ્સ ક્ષેત્રે ભૂતકાળમાં તો એવા કિસ્સાઓ અખબારોમાં આવ્યા જેનાથી લોકજુવાળ તો ઊઠ્યો, પરંતુ સમય સાથે શમી ગયો અને યૌનશોષણ યથાવત્ રહ્યું.
૨૦૦૯માં મહિલા બોક્સર એસ. અમરાવતી હૈદરાબાદના લાલબહાદુર સ્ટેડિયમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી. પરિવારે પુરાવા આપ્યા કે તેના કોચ ઓમકાર યાદવ તરફથી થતી શારીરિક સતામણીથી અમરાવતી પરેશાન હતી. એટલે જ અંતિમ પગલું ભર્યું, પરંતુ સરકારે સાબિત કરી દીધું કે અમરાવતી લઘુતાગ્રંથિથી પીડાતી હતી એટલે તેણે આપઘાત કર્યો છે. ૨૦૧૦માં મહિલા હોકી ટીમની ૩૨ ખેલાડીઓએ ચીફ કોચ મહારાજ કિશન કૌશિક વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ કરી હતી. એકમાત્ર આ કેસમાં મહિલાઓને ન્યાય મળ્યો બાકી તો એક પણ કેસ ન્યાયાલય સુધી પહોંચ્યો જ નથી.
આજે પણ આવા બનાવોનો સિલસિલો અટકયો નથી તે દર્શાવે છે કે મહિલાઓની સલામતી બાબતે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરેખર તો કોઇ પણ પુરુષ કોઇ પણ મહિલા સાથે અસભ્ય વર્તનનો વિચાર કરતાં પણ થથરી જાય તેવી કાનૂની જોગવાઇઓ અને આ જોગવાઇઓના કડક અમલમાં ક્યાંક કાચું કપાઇ રહ્યું હોય તેવું લાગે છે. કુસ્તીકાંડ જેવા બનાવ બને છે ત્યારે થોડાક દિવસ સુધી ભાષણો અને ચર્ચા થયા કરે છે. નિવેદનબાજી થાય છે અને સમય જતાં બધાં વાત વીસરી જાય છે.
વિપક્ષોએ બ્રિજભૂષણ પરિવાર સામે રાજકીય મોરચો માંડવાની હિલચાલ આદરી છે, પરંતુ સ્ત્રીઓના આત્મસન્માન અને અસ્તિત્વ સાથે સંકળાયેલો આ મુદ્દો રાજકીય હુંસાતુંસીમાં અટવાઇ ન જાય તો સારું. ભારત સરકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન રાજ્ય સરકારોનો વિષય હોવાનું જણાવીને સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવામાં અવઢવ દર્શાવી છે તે અફસોસજનક છે. વાસ્તવમાં આ મુદ્દો કોઇ રાજ્યનો નહીં, રાષ્ટ્રનો છે. તમામ રાજકીય પક્ષોએ – સંસદમાં અને વિધાનસભાઓમાં એક સંપ થઇને – મહિલા સુરક્ષાના મુદ્દે જરૂરી કાનૂની જોગવાઇઓ ઘડીને તેના અસરકારક અમલ માટે પહેલ કરવાની જરૂર છે.
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક કે અન્ય ખેલાડીઓને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. આ સંજોગોમાં કુસ્તીને જીવન સમર્પિત કરનારી આ મહિલાઓને ન્યાય મળવો આવશ્યક છે. મોદી સરકાર ‘બેટી બચાવો’ના નારા લગાવે છે તો આ અણીનો સમય છે જ્યારે સરકાર હવસખોર અધિકારી અને મંત્રીઓની ચુંગાલમાંથી દીકરીઓને બચાવે. વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવી દેશને ગૌરવ અપાવનારી દીકરીઓનાં આંસુનો હિસાબ ફેડરેશને આપવો જ પડે એ સ્થિતિ સર્જાય એ જરૂરી છે. દેશનું મસ્તક ગૌરવથી ઉન્નત થાય એ માટે સતત પરિશ્રમ કરતી દીકરીઓને હવસ સંતોષવાનું રમકડું સમજીને તેમની જાતીય સતામણી કરનારા હવસખોરો સામે સસ્પેન્શન કે પ્રતિબંધ મૂકવા જેવા પગલાં ભરવાના બદલે તેમને જેલભેગા કરીને સરકાર દાખલો બેસાડે એ વધારે જરૂરી છે.
જયારે મી-ટુ અભિયાન ચાલતું હતું ત્યારે મોદી સરકારના જ વિદેશ રાજ્યપ્રધાન એમ. જે. અકબર વિરુદ્ધ ડઝનેક મહિલા પત્રકારો દ્વારા જાતીય શોષણ અને યૌન ઉત્પીડનના શ્રેણીબદ્ધ આરોપો લાગ્યા હતા અને અંતે અકબર પદભ્રષ્ટ પણ થયા હતા ત્યારે જોવાનું રહેશે કે હવે બ્રિજભૂષણનું
શું થશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular