બે મહિનામાં ‘પઠાન’ને બાદ કરતાં રિલીઝ થયેલી બાકીની હિન્દી ફિલ્મો બોક્સઓફિસ પર કંગાળ સાબિત થઈ છે. એ વાતાવરણમાં આ વર્ષે આવનારી ઢગલાબંધ બાયોપિક વધુ પ્રેક્ષકોને થિયેટર તરફ ખેંચી શકશે કે કેમ એની ચર્ચા થઈ રહી છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
બોક્સઓફિસની સફળતાની દ્રષ્ટિએ ૨૦૨૨નું વર્ષ અત્યંત કંગાળ સાબિત થયા પછી આ વર્ષના પહેલા બે મહિનામાં એક ‘પઠાન’ની ભવ્યાતીત સફળતા બાદ કરતા હિસાબમાં નુકસાની જ નજરે પડી છે. ‘દર્શકોનો ટેસ્ટ બદલાયો છે’ સહિત અનેક સુફિયાણી વાતો થઈ રહી છે. અલબત્ત આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં વરાયટી ઘણી જોવા મળી રહી છે. છેવટે તો પ્રેક્ષક માઈ – બાપને જે ગમ્યું એ સાચું. એક ખાસ આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે આ વર્ષે ડઝનેક બાયોપિક રિલીઝ થવાની ગણતરી માંડવામાં આવી છે. મધુબાલાની બાયોપિક બનાવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દર્શકને શું ગમશે અને શું નહીં એના અનિશ્ર્ચિતતાપૂર્ણ વાતાવરણમાં નાટ્યાત્મક તત્ત્વ ભારોભાર ધરાવતી બાયોપિક દર્શકોને થિયેટર તરફ ખેંચી લાવશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે. અલબત્ત ‘રાઝી’, ‘શેરશાહ’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સફળ થાય છે તો બીજી તરફ ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘શાબાશ મીઠુ’ ઊંધે માથે પટકાઈ હોવાના ઉદાહરણો સુધ્ધાં છે. એક ઝલક આગામી બાયોપિક પર.
મૈં અટલ હૂં
ફિલ્મો અને ખાસ કરીને વેબ સિરીઝમાં વૈવિધ્યપૂર્ણ પાત્રો ભજવી નામ અને દામ કમાનાર પંકજ ત્રિપાઠી કુશળ રાજકારણી તરીકે અનન્ય ખ્યાતિ મેળવનાર ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીના રોલ વિશે ખાસ્સી ઉત્સુકતા જમાવવામાં સફળ રહ્યા છે. આ બાયોપિકની ઘોષણા થઈ ત્યારથી એના વિશે ગજબનું કુતૂહલ જોવા મળી રહ્યું છે, કારણ કે અટલજીના અંગત જીવનની તેમજ તેમના બાળપણની કે મહત્ત્વના રાજકીય પહેલુની ઝાઝી જાણકારી આમજનતા પાસે નથી. ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો ત્યારે પંકજ ત્રિપાઠી પર સિને રસિકો ઓવારી ગયા હતા. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું જેમાં પંક્તિઓ હતી ‘ન કભી ડગમગાયા, ન કભી કહીં સર ઝુકાયા, મૈં એક અનોખા બલ હૂં, મૈં અટલ હૂં’ – પંડિત ધીરેન્દ્ર ત્રિપાઠી. આ રજૂઆત પછી અભિનેતાએ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘આ વિલક્ષણ પ્રતિભાને પડદા પર સાકાર કરવાની તક મળી છે. ભાવુક છું, કૃતજ્ઞ છું.’ આ રોલને ત્રિપાઠી યોગ્ય ન્યાય આપશે એ અંગે ભાગ્યે જ કોઈના મનમાં શંકા હશે.
ચકદા એક્સપ્રેસ
આ ફિલ્મ વિશે ખાસ્સી ઉત્સુકતા હોવી જોઈએ અને એને સારો આવકાર મળશે એમ તાર્કિકપણે કહી શકાય, કારણ કે મહિલા ક્રિકેટની લોકપ્રિયતામાં આમ પણ ભરતી આવી છે અને આવતી કાલથી (ચાર માર્ચથી) વિમેન પ્રીમિયર લીગ શરૂ થઈ રહી હોવાથી મહિલા ક્રિકેટને ગ્લેમર પ્રાપ્ત થયું છે. વિમેન એમ્પાવરમેન્ટની કેવળ ચર્ચા કરી ધન્યતાનો અનુભવ કરનારાઓએ ‘ચકદા એક્સપ્રેસ’ જેવા પ્રયાસને બિરદાવી એને ઉત્તેજન આપવું જોઈએ. અનુષ્કા શર્મા લીડ રોલમાં છે અને બલિદાનની જબરજસ્ત કથા ધરાવતી આ ફિલ્મ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલી ભારતીય ટીમની અત્યંત તેજસ્વી ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. જે સમયમાં મહિલા મેદાનમાં પ્રવેશ કરે એ વાત મહદંશે અશક્ય ગણાતી હતી એ સમયમાં ઝૂલને હાથમાં બેટ અને બોલ લઈ પોતાનું અને દેશનું નામ રોશન કર્યું. મહિલા ક્રિકેટને આકાર કઈ રીતે મળ્યો એની વાત કરતી આ ફિલ્મ વિશે ઘણી તાલાવેલી છે.
સેમ બહાદુર
ભારતીય યુદ્ધ વિશે કદાચ તમને બહુ જાણકારી નહીં હોય, પણ બાંગ્લાદેશને જન્મ આપનાર અને બહુ થોડા દિવસોમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરનાર ૧૯૭૧ના યુદ્ધની અને એમાં તેજસ્વી ભૂમિકા ભજવનાર ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના નામથી તમે જરૂર પરિચિત હશો. મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મમાં માણેકશાનો રોલ કરી રહેલા વિકી કૌશલે જ્યારથી આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે ત્યારથી સિને રસિકોમાં આ ફિલ્મ ચર્ચાનો વિષય અને જોવી જ પડે એ યાદીમાં સ્થાન મેળવી લીધું છે. વહાલથી લોકો એમને સેમ બહાદુર કહેતા અને એ જ ફિલ્મનું ટાઇટલ રાખવામાં આવ્યું છે. ફિલ્મની પટકથા સાંભળતા જ વિકી કૌશલ ઉછળી પડ્યો હતો અને તેણે આ રોલને જબરજસ્ત ન્યાય આપ્યો હોવાની ચર્ચા છે.
ઈમરજન્સી
કંગના રનૌટ ફિલ્મમાં કેવળ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ જ અદા નથી કરી રહી, એ આ ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક સુધ્ધાં છે. ટૂંકમાં ટ્રિપલ રોલ નિભાવી રહી છે. અગાઉ એવી વાત વહેતી થઈ હતી કે કંગનાની ‘રિવોલ્વર રાની’ ડિરેક્ટ કરનાર સાઈ કબીર આ ફિલ્મ ડિરેક્ટ કરશે. જોકે, આ પ્રોજેક્ટને પાર પાડવાની ક્ષમતા માત્ર પોતાનામાં જ છે એવું કારણ આપી ફિલ્મનું દિગ્દર્શન પોતે જ કરશે એવો ખુલાસો કંગનાએ કર્યો હતો. કંગનાનો રાજકીય ઝુકાવ જાણીતો હોવાથી ફિલ્મના ક્લેવરનો પ્રાથમિક અંદાજ બાંધવો મુશ્કેલ નથી. અભિનયમાં તો કંગના કાયમ અવ્વ્લ હોય છે, નિર્માણ અને દિગ્દર્શન કેવા હશે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે.
ધ ગુડ મહારાજા
આપણા દેશમાં રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધા જેમના નામ સાથે સંકળાયેલી છે એ ક્રિકેટર અને રાજવી રણજીતસિંહજીના ભત્રીજા દિગ્વિજયસિંહ જાડેજાની આ બાયોપિકમાં સંજય દત્ત રાજવીના રોલમાં જોવા મળશે. ૪૦૦ કરોડના ભવ્ય બજેટ સાથે આ ફિલ્મ બની રહી હોવાનું કહેવાય છે અને ભારત – પોલેન્ડના સહકારમાં બની રહેલી આ ફિલ્મનું નિર્માણ હિન્દી ઉપરાંત અંગ્રેજી અને પોલિશ ભાષામાં પણ થઈ રહ્યું છે.
જસવંત ગિલ બાયોપિક
આ ફિલ્મનું નામ કેપ્સુલ ગિલ હશે એવી વાત વહેતી થઈ હતી, પણ કદાચ નામ બદલવામાં આવશે. ૧૯૮૯માં પશ્ર્ચિમ બંગાળના રાનીગંજ ખાતે આવેલી કોલસાની ખાણમાં ફસાયેલા ૬૫ ખાણ કામદારોને કેપ્સુલમાં નીચે ઉતરી છ કલાકની મથામણ પછી બચાવી લેવાનું ભગીરથ કાર્ય કરનાર અમૃતસરમાં જન્મેલા સરદાર જસવંત સિંહ ગિલની આ બાયોપિકમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. વિવિધ પ્રકારની ફિલ્મો નિર્માણ કરવા માટે જાણીતા વાસુ ભગનાની આ બાયોપિકના પ્રોડ્યુસર છે તો અક્ષયની ‘રૂસ્તમ’ના દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. જસવંત ગિલનું ૨૦૧૯માં અવસાન થયું હતું.
કિશોર કુમાર – સૌરવ ગાંગુલી બાયોપિક
સૌરવ ગાંગુલીની બાયોપિક રણબીર કપૂરના નિવેદનને કારણે હમણાં વિશેષ ચર્ચામાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા દાદા (ગાંગુલીનું હુલામણું નામ)ની બાયોપિકમાં રણબીર કપૂર જોવા મળશે એવા ખબર ચમક્યા હતા. જોકે, ખુદ રણબીરે જ આ વાતને રદિયો આપી જણાવ્યું છે કે ‘અત્યારે આ ફિલ્મની પટકથા લખાઈ રહી છે અને ફિલ્મ બનાવનારા તરફથી મને હજી સુધી કોઈ ઓફર નથી આવી. હા, હું કિશોર કુમારની બાયોપિકમાં જરૂર કામ કરી રહ્યો છું. ૧૧ વર્ષથી હું, અનુરાગ બસુ વગેરે કિશોરદાની બાયોપિક પર મહેનત કરી રહ્યા છીએ. આ બાયોપિક બનીને જ રહેશે.’
મૈદાન
પહેલા કોવિડના કારણે અને ત્યારબાદ અન્ય કારણસર એમ બધું મળી પાંચથી છ વાર જેની રિલીઝ મુલતવી રહી છે એ અજય દેવગનની બાયોપિક ‘મૈદાન’ હવે તો રિલીઝ થાય ત્યારે સાચું. ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ અને ૧૯૫૨થી ૧૯૬૨ દરમિયાનના ભારતીય ફૂટબોલના સુવર્ણકાળ પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્મા કરી રહ્યા છે. સાઉથની ફિલ્મોની સુપર એક્ટ્રેસ કીર્તિ સુરેશ હિરોઈન તરીકે નજરે પડશે. ગયું વર્ષ જૂજ લોકો માટે સારું રહ્યું હતું જેમાં અજય દેવગનનો સમાવેશ છે.
ઈક્કીસ
યુદ્ધભૂમિ સાથે સંકળાયેલી વીરગાથા અને એ વીરલાઓની વીરતા જોવા માટે રસિકોમાં કુતૂહલ અને ઉત્કંઠા બંને હોય છે. ‘અંધાધૂન’ જેવી હટકે ફિલ્મ આપનાર શ્રીરામ રાઘવન ૧૯૭૧ના ભારત – પાકિસ્તાન યુદ્ધના અંતિમ દિવસે શહીદ થયેલા પરમવીર ચક્ર વિજેતા અને સેક્ધડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની બાયોપિકનું
દિગ્દર્શન કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે અને ધર્મેન્દ્ર પણ ફિલ્મમાં નજરે પડશે. અગાઉ આ ફિલ્મ માટે વરુણ ધવનનું નામ નક્કી થયું હતું. અગાઉ વરુણ અને રાઘવને ‘બદલાપુર’માં સાથે કામ કર્યું હતું.
ધ બેટલ ઓફ ભીમા કોરેગાવ:
વિષય ઉપરાંત આ ફિલ્મ વિશે કુતૂહલ નિર્માણ થવાનું એક કારણ એ પણ છે કે સની લિયોની આ ફિલ્મમાં કામ કરી રહી છે. સેક્સ સિમ્બોલ તરીકે ટોપ અને અભિનયમાં અત્યાર સુધી ઢ સાબિત થયેલી સની આ ફિલ્મમાં કેવો રોલ કઈ રીતે કરશે એ અટકળનો વિષય છે. જવા દઈએ એ વાત અને ફિલ્મની વાત કરીએ તો એમાં ભીમા નદીના કાંઠે વસેલા કોરેગાવ ભીમા નામના ગામમાં ખેલાયેલી ઐતિહાસિક લડાઈ કેન્દ્રસ્થાને છે અને અર્જુન રામપાલ શિદનાક મહાર નામના યોદ્ધાનો રોલ કરી રહ્યો છે.
સ્વાતંત્ર્યવીર સાવરકર:
રણદીપ હુડા આ મહેશ માંજરેકર દિગ્દર્શિત બાયોપિકમાં કામ કરવા બહુ જ ઉત્સુક હતો અને સાવરકર તરીકે પ્રભાવી દેખાવા પચીસેક કિલો વજન ઉતાર્યું હોવાની વાત વહેતી થઈ હતી. આજના બદલાયેલા રાજકીય વાતાવરણમાં વીર સાવરકરને પડદા પર જોવા માટે ઉત્સાહ અને ઉત્સુકતા બન્નેે હોવાના. ઉમંગ કુમાર દિગ્દર્શિત ‘સરબજીત’ (૨૦૧૬)ની બાયોપિક કરનાર રણદીપ હુડા આ રોલને પડકારરૂપ ગણે છે.
તાલી:
ગૌરી સાવંત નામની ટ્રાન્સજેન્ડર સામાજિક કાર્યકર્તાના જીવન પરથી તૈયાર થઈ રહેલી ફિલ્મ વિશે દર્શકોમાં ઘણું કુતૂહલ જોવા મળી રહ્યું છે. ખાસ તો એ રોલ કરનાર સુષ્મિતા સેનનો ફર્સ્ટ લુક જાહેર થયા પછી. ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં પણ આવેલા ગૌરી સાવંત ઘણા વર્ષોથી ટ્રાન્સજેન્ડર માટે કામ કરી રહ્યા છે. જીવનમાં અનેક દુ:ખ વેઠનાર ગૌરી સાવંતે ટ્રાન્સજેન્ડરને કાયદેસર માન્યતા મળે એ હેતુથી ૨૦૦૯માં કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ત્યારબાદ એનું જાહેર હિતની અરજીમાં રૂપાંતર થયું અને સુનાવણી થયા પછી સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર કાયદાને માન્યતા આપી હતી. રવિ જાધવ દિગ્દર્શિત આ ફિલ્મ આગામી ત્રણેક મહિનામાં રિલીઝ થવાની સંભાવના છે.