મહારાષ્ટ્રના રાજકારણમાં રાજ ઠાકરેની ભૂમિકા બદલાશે?

આમચી મુંબઈ

ભાજપના પ્રદેશાધ્યક્ષ બાદ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ મુલાકાત લેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ની ભૂમિકા બદલાવાના મોટા સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ જે રીતે સત્તામાં રહેલા રાજનેતાઓ રાજ ઠાકરેની મુલાકાત લઈ રહ્યા છે તેના પરથી રાજકીય વર્તુળોમાં એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં નવી રાજકીય ધરી તૈયાર થઈ રહી છે અને તેમાં મનસેની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેશે. છેલ્લા થોડા સમયમાં ફડણવીસ, આશિષ શેલાર, બાવનકુળે અને તાવડે બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ રાજ ઠાકરેના નિવાસસ્થાને તેમને મળવા ગયા હતા.
ગુરુવારે બપોરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ ઠાકરેના ઘરે ગણપતિના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે હાજર પત્રકારો સમક્ષ એવો દાવો કર્યો હતો કે આ કોઈ રાજકીય મુલાકાત નહોતી.
હું લાંબા સમયથી રાજ ઠાકરેને મળવા માગતો હતો અને અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે એટલે તેમના ઘરે હું દર્શન કરવા માટે આવ્યો હતો, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળવા ગયા હતા. ભાજપના મુંબઈ અધ્યક્ષ બન્યા બાદ આશિષ શેલાર પણ રાજ ઠાકરેને મળવા ગયા હતા. ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ બન્યા બાદ ચંદ્રશેખર બાવનકુળે પણ રાજ ઠાકરેની મુલાકાતે ગયા હતા અને ભાજપની કેન્દ્રીય કારોબારીમાં સ્થાન મળ્યા બાદ વિનોદ તાવડે પણ રાજ ઠાકરેને મળવા ગયા હતા. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ તેમને મળવા ગયા એટલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
રાજ ઠાકરેએ ગયા વર્ષથી હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે અને એકનાથ શિંદેએ પણ હિંદુત્વને મુદ્દે શિવસેના સાથે છેડો ફાડ્યો છે, આવી સ્થિતિમાં ત્રણેય હિંદુત્વના વિચાર પર ચાલનારા પક્ષોની નવી ધરી નિર્માણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે કે શું એના કયાસ રાજકીય નિરીક્ષકો લગાવી રહ્યા છે. રાજ ઠાકરેએ હવે ભારત નહીં, હિંદુઓનું હિંદુસ્તાન એવું સૂત્ર આપ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આવી અટકળો લાગી રહી છે.
——
આદિત્ય ઠાકરેના વરલીમાં એકનાથ શિંદેનો પગપેસારો?
મુંબઈ: શિવસેનાના ૪૦ વિધાનસભ્યોને તોડીને રાજ્યમાં નવી સરકાર બનાવનારા એકનાથ શિંદેએ હવે શિવસેનાના ગઢ સમાન વરલીના આદિત્ય ઠાકરેના મતવિસ્તારમાં પગપેસારો કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આદિત્ય ઠાકરેના મતવિસ્તાર વરલીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પોસ્ટરો-બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનર પર એકનાથ શિંદેનો ઉલ્લેખ મહારાષ્ટ્રના લાડકા મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવ્યો થે, આ બેનર પર શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરે અને આનંદ દિઘેના ફોટા પણ લગાવવામાં આવ્યા છે.
વરલીમાં શિવસેનાના ત્રણ વિધાનસભ્યો છે, તેમાંથી બે વિધાન પરિષદ પર છે. ૨૦૧૪માં શિવસેનાના સુનિલ શિંદે અહીંથી વિજયી થયા હતા. આ પહેલાં ૨૦૦૯માં અહીંથી એનસીપીની ટિકિટ પર જીતેલા સચિન આહીર પણ શિવસેનામાં જ છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ આ જ મતવિસ્તારમાં રહે છે. આવી સ્થિતિમાં વરલીમાં શિંદેનો પગપેસારો અનેક સંકેતો આપી રહ્યો છે.
———-
સંભાજીરાજે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
રાજકીય વાતાવરણમાં ગરમાટો
મુંબઈ: રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવ્યા બાદ ઝડપથી રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ભાજપે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ આપ્યું હોવા છતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ રાજ્યનું સત્તા સ્થાન હોવાનું જણાઈ રહ્યું છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસમાં વિવિધ પક્ષના રાજકીય નેતાઓ ફડણવીસની મુલાકાત લઈ રહ્યા છે. આ બધામાં હવે સંભાજીરાજે છત્રપતિનો ઉમેરો થયો છે. તેમણે ગુરુવારે સાગર બંગલા પર જઈને ફડણવીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના એજેન્ડા અને વિગતો હાથમાં આવી નથી, પરંતુ આ મુલાકાત દરમિયાન મરાઠા આરક્ષણના મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળી
રહ્યું છે.
૨૦૧૪માં ફડણવીસની સરકાર આવ્યા બાદ સંભાજીરાજેની રાજ્યસભા પર વરણી થઈ હતી. ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું હતું, પરંતુ તેમનો પરાજય થયો હતો. ઉદ્ધવ ઠાકરેએ સંભાજીરાજેને ટેકો ન આપ્યો હોવાથી મરાઠા સમાજ શિવસેનાથી નારાજ છે. ત્યારે સંભાજીરાજે અને ફડણવીસની મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં શું ફેરફાર જોવા મળે છે તેના પર બધાની નજર રહેશે.
થોડા દિવસ પહેલાં મરાઠા આરક્ષણના મુદ્દે ફડણવીસ અને એકનાથ શિંદેની એક બેઠક થઈ હતી, તેમાં પણ સંભાજીરાજે અને મરાઠા ક્રાંતી મોરચાના સમન્વયક હાજર હતા.
———-
દેવેન્દ્ર અને શિંદે પહોંચ્યા મુકેશ અંબાણીના ઘરે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે સાંજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તેમના ઘરે મળવા પહોંચ્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન મુકેશ અંબાણીને ત્યાં આવેલા ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે બંને નેતાઓ તેમના ઘરે ગયા હતા, એમ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
—————–
સુરેશ કલમાડીની નવી ઈનિંગ્સ ભાજપ સાથે?
મુંબઈ: પુણેના રાજકારણમાં એક સમયે ભારે દબદબો ધરાવતા કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સુરેશ કલમાડીએ પુણે મનપાની ચૂંટણી પહેલાં ભાજપ સાથે નજદીકી વધારવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આને કારણે આગામી દિવસોમાં કલમાડી ભાજપ સાથે પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરશે એવું માનવામાં આવી રહ્યું છે. સુરેશ કલમાડી દ્વારા આયોજિત કરવામાં આવતા પુણે ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ અને મંગલપ્રભાત લોઢા જેવા મોટા નેતાઓ હાજરી આપવાના હોવાથી આવી અટકળો લાગી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કૌભાંડને પગલે છેલ્લા ૧૦ વર્ષથી કલમાડીની રાજકીય કારકીર્દિને ગ્રહણ લાગ્યું છે. કૉંગ્રેસે તેમને કૌભાંડને પગલે છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ૧૦ વર્ષ થઈ ગયા હોવા છતાં કૉંગ્રેસ તેમને દૂર રાખ્યા છે.
————–
લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન શક્ય: પવાર
મુંબઈ: લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં સમાન કાર્યક્રમને આધારે એકસાથે લડવાનો વિચાર થઈ શકે છે, એમ જણાવતાં એનસીપીસુપ્રીમો શરદ પવારે આગામી લોકસભાની ચૂંટણી મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં લડશે એવા સંકેત આપ્યાહતા.
પત્રકાર પરિષદમાં પવારે બુધવારે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓ સાથે મળીને લડવા માટે વિચાર થઈ શકે છે. ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દા પર કેન્દ્ર સરકારની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે નવો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પૈસા, ઈડી અને સીબીઆઈના જોરે સરકારો તોડી પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં જે થયું એવો પ્રયોગ અત્યારે ઝારખંડમાં થઈ રહ્યો છે. ભાજપના આવા પ્રયાસોને કેવી રીતે જવાબ આપવો તે અમારે નક્કી કરવું પડશે. વિરોધી પક્ષોએ એક થવાનો સમય આવી ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.