નવી દિલ્હી: સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠેરવાયા બાદ પ્રથમ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવતા લોકો માટે અણછાજતી ટિપ્પણી બદલ માફી માગવાનો ઇનકાર કર્યો હતો. શનિવારે સવારે દિલ્હીમાં યોજેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મારું નામ સાવરકર નથી, ગાંધી છે. ગાંધી માફી માગતા નથી , હું અદાણી મુદ્દે સવાલો પૂછવાનું બંધ કરવાનો નથી.
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અદાણીની નિષ્ક્રિય કંપનીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? એવા સીધા સવાલથી વડા પ્રધાનને બચાવવા માટે આ બધું નાટક ચાલે છે. સાંસદપદ માટે ગેરલાયક ઠેરવવાના અને કેદની સજા જેવી ધમકીઓથી હું ડરવાનો નથી. હું પીછેહઠ કરવાનો નથી. મને કાયમી ધોરણે સાંસદપદ માટે ગેરલાયક જાહેર કરે તો પણ હું મારૂં કામ ચાલુ રાખીશ. હું સંસદમાં હોઉં કે ન હોઉં. દેશ માટે લડત ચાલુ રાખીશ. આ સરકાર માટે દેશ અદાણી છે અને અદાણી દેશ છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે સંસદમાં મારૂં વક્તવ્ય રેકોર્ડમાંથી કાઢી નખાયું અને પછીથી મેં લોકસભાના સ્પીકરને વિગતવાર જવાબ મોકલ્યો હતો. મેં વિદેશી સત્તાઓ પાસે મદદ માગી હોવાનું જૂઠાણું કેટલાક પ્રધાનોએ ઉચ્ચાર્યું. મેં એવું કઈં કર્યું જ નથી. હું સવાલો પૂછવાનું બંધ કરવાનો નથી. હું વડા પ્રધાન મોદી અને અદાણીના સંબંધો વિશે સવાલો પૂછવાનું ચાલુ રાખીશ. મને સત્ય સિવાય કોઈપણ બાબત જોડે નિસ્બત નથી. હું કેવળ સત્ય કહું છું. મને સાંસદપદ માટે ગેરલાયક ઠેરવો કે મારી ધરપકડ કરો તો પણ હું મારૂં કામ ચાલુ રાખીશ. આ દેશે મને બધું આપ્યું છે. તેથી હું રાષ્ટ્રના હિતાર્થે આ બધું કરૂં છું.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે મારૂં કામ દેશના લોકતાંત્રિક માળખાને અને દેશની સંસ્થાઓને બચાવવાનું છે. ગરીબોના અવાજનું રક્ષણ કરવાનું મારૂં કામ છે. અદાણી વડા પ્રધાન મોદી જોડેના સંબંધોનો કેવો દુરૂપયોગ કરે છે, લોકોને જણાવવાનું મારૂં કામ છે. અદાણી મુદ્દે મારા બીજા વક્તવ્યથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડરી ગયા હોવાથી મને સાંસદપદ માટે ગેરલાયક ઠેરવાયો છે. મેં કર્ણાટકમાં જે કહ્યું તેમાં ઓબીસીનું અપમાન કર્યું નથી. હું ભાઈચારામાં માનતો માણસ છું.
વર્ષ ૨૦૧૯માં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરની મોદી અટક હોય છે, એવું કેમ? એ ટિપ્પણી બદલ ધારાસભ્ય પૂર્ણેશ મોદીના બદનક્ષીના કેસના ચુકાદામાં સુરતની અદાલતે દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીને સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠેરવાયા હતા. સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠેરવતા લોકસભા સચિવાલયના પત્રના રાહુલ ગાંધીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હિન્દીમાં લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મૈં ભારત કી આવાઝ કે લિયે લડ રહા હું, મૈં હર કિમત ચૂકાને કો તૈયાર હું.’ વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીને ૮ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો છે. (એજન્સી)