નીતીશ દારૂબંધી મુદ્દે પણ ગુલાંટ લગાવી દેશે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારમાં અંતે સત્તાપરિવર્તન થઈ ગયું ને નીતીશકુમારે ફરી તેજસ્વી યાદવ સાથે નાતરું કરીને સરકાર રચી કાઢી. પાંચ વર્ષ પહેલાં તેજસ્વી યાદવની ભ્રષ્ટાચારના કેસમાં સંડોવણીના મુદ્દે આરજેડી સાથે છેડો ફાડનારા નીતીશકુમારે ગુલાંટ લગાવીને ભ્રષ્ટાચારનો મુદ્દો કોરાણે મૂકી દીધો. જે તેજસ્વી સાથે બેસવામાં નીતીશને વાંધો હતો એ તેજસ્વીને મળવા નીતીશ સામેથી ગયા, રાબડીદેવીના આશિર્વાદ લીધા અને તેજસ્વીને ફરી પડખામાં લઈને સરકાર પણ બનાવી દીધી.
નીતિશકુમારે છેડો ફાડતાં ભડકેલા ભાજપના નેતા નીતીશને ભરપેટ ગાળો આપી રહ્યા છે. નીતીશને પક્ષપલટુથી માંડીને સાપ સુધીનાં વિશેષણોથી ભાજપના નેતા નવાજી રહ્યા છે. ભાજપના નેતાઓની લાગણી સમજી શકાય એવી છે કેમ કે નીતીશે ભાજપને પોતાનું ધાર્યું કરવાની તક આપ્યા વિના લાત મારીને તગેડી મૂક્યો. અત્યાર લગી એવું બનતું કે, ભાજપ પોતાના સાથીઓને લાત મારીને તગેડી મૂકતો ને અંતિમ હાસ્ય તેનું રહેતું. નીતીશના કિસ્સામાં ઉધું થયું છે ને ભાજપ હાસ્યાસ્પદ બની ગયો છે તેથી તેની ખિજ નીકળે જ.
ભાજપના નેતાઓના આક્ષેપોનો સવાલ છે તો એ બધા આક્ષેપો સંપૂર્ણપણે રાજકીય છે. ને મહત્ત્વની વાત એ કે, ભાજપને નીતીશ સામે એ આક્ષેપોનો અધિકાર જ નથી. નીતીશ પાંચ વર્ષ પહેલાં આ જ રીતે તેજસ્વી યાદવને છોડીને આવેલા. એ પહેલાં નીતીશને ભ્રષ્ટાચારી યાદવ પરિવાર સાથે સત્તા વહેંચવામાં કોઈ રસ નહોતો પણ પછી અચાનક તેજસ્વી તેમને ભ્રષ્ટાચારી લાગ્યો. ભાજપ એ વખતે નીતીશનાં ઓવારણાં લેતો હતો ને તેજસ્વી ગાળો દેતો હતો. લાલુ યાદવ એ વખતે નીતીશને સાપ
ગણાવતા હતા ને હવે ભાજપ ગણાવે છે. વારા પછી નારો, મારા પછી તારો.
જો કે ભાજપને આક્ષેપબાજીનો અધિકાર નથી એ સાચું પણ તેના કારણે નીતીશ ગુલાંટબાજ નથી એવું સાબિત થતું નથી. તેમણે પણ બીજા નેતાઓની જેમ સત્તા બચાવવા ગુલાટં લગાવી જ દીધી છે. ભાજપ તરફથી ખતરો લાગતાં ભાજપને કોરાણે મૂકી દીધો છે એ વાસ્તવિકતા બદલાતી નથી.
હવે સૌની નજર નીતીશ સત્તા બચાવવા માટે દારૂબંધીના મુદ્દે પણ ગુલાટં લગાવે છે કે નહીં તેના પર છે. નીતીશકુમારે ૨૦૧૫માં બિહારની ચૂંટણી વખતે વચન આપેલું કે
બિહારની જનતા તેમના પર રીઝીને ફરી સત્તા આપશે તો પોતે રાજ્યમાં દારૂબંધી દાખલ કરશે. બિહારના મતદારોએ ૨૦૧૫માં નીતીશને ફરી હોંશે હોંશે ગાદી સોંપી તેના અઠવાડિયામાં જ નીતીશે બોલેલું પાળી બતાવીને બિહારમાં ૧ એપ્રિલ ૨૦૧૬થી સંપૂર્ણ દારૂબંધીના અમલની જાહેરાત કરી નાંખી હતી.
તેજસ્વી એ વખતે દારૂબંધીની તરફેણમાં હતો પણ નીતીશથી અલગ થયા પછી હવે દારૂબંધી ઉઠાવી લેવાની તરફેણમાં છે. નીતીશ દારૂબંધીની વાતને જડતાથી વળગી રહ્યા છે પણ હવે સત્તા બચાવવા તેજસ્વીની વાત માનીને દારૂબંધી હટાવશે કે નહીં તેના પર સૌની નજર છે. નીતીશ અત્યાર લગી દારૂબંધી હટાવવાની વાતે અક્કડ રહ્યા છે પણ હવે સત્તાની લાલચમા ગુલાંટ લગાવી શકે છે.
નીતીશને દારૂબંધી હટાવવાની લાલચ થાય એ માટે બીજું પણ કારણ છે. ભારતમાં સંખ્યાબંધ રાજ્યો દારૂની ધિંગી કમાણી ને તેના કારણે મળતી જંગી રોજગારી પર નભે છે. નીતીશ અત્યાર લગી આ કમાણીની લાલચથી બચતા રહ્યા છે પણ હવે કેન્દ્ર સરકારની સામે પડ્યા છે ત્યારે તેમને પણ એ જંગી કમાણીની લાલચ જાગે એવું બને.
ભારતમાં ૨૦૧૭થી જીએસટીનો અમલ કરાયો ત્યારે પેટ્રોલ-ડીઝલ અને શરાબ એ બે ચીજોને જીએસટીના દાયરામાંથી બહાર રાખી હતી. કેન્દ્ર સરકારે શરાબને જીએસટીના દાયરાથી બહાર રાખતાં રાજ્યો શરાબ પર પોતાની રીતે ઈચ્છે એટલો કરવેરો લાદી શકે છે. દારૂ પર કરવેરો લદાય ત્યારે કોઈ વિરોધ કરતું નથી તેથી રાજ્યો પોતાને અનુકૂળ આવે એ રીતે કરવેરા લાદે છે. ક્યું રાજ્ય કેટલો કરવેરો લાદે છે તેની વાત માંડવી શક્ય નથી પણ મોટાં રાજ્યોની વાત કરીશું તો ખબર પડશે કે રાજ્યો દારૂ પર ટૅક્સ લાદીને કેટલી જંગી કમાણી કરે છે. આ રાજ્યો શરાબ પર એક્સાઈઝ, વેટ અને લાયસંસ રીન્યુઅલ
ફી એમ ત્રણ પ્રકારના કરવેરા લાદે છે ને તેમાંથી ધૂમ કમાણી કરે છે.
ભારતમાં જ્યાં દારૂબંધી નથી એ રાજ્યો શરાબ પર કરવેરામાંથી વરસે દાડે ૩.૧૦ લાખ કરોડ રૂપિયાની કમાણી કરે છે. ઉત્તર પ્રદેશ ૩૦ હજાર કરોડ રૂપિયાની કમાણી સાથે નંબર વન છે. ઉત્તર પ્રદેશ પછી કર્ણાટક છે અને કર્ણાટકની કમાણી વરસે ૨૦ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. મહારાષ્ટ્ર ૧૮ હજાર કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરે છે અને ત્રીજા નંબરે છે. દક્ષિણનાં બીજાં બે રાજ્યો આંધ્ર પ્રદેશ તથા તેલંગણા ૧૩-૧૩ હજાર કરોડ રૂપિયા કમાય છે. આંધ્ર પ્રદેશ સંયુક્ત હતું ત્યારે એ બધાં રાજ્યોને બરાબર ટક્કર આપતું હતું. પશ્ર્ચિમ બંગાળ પણ ૧૧ હજાર કરોડની આસપાસ
કમાય છે.
આ તો એવાં રાજ્યોની આવકની વાત કરી કે જેમની આવક ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે છે. વસતી ઓછી હોવા છતાં શરાબ પરના કરવેરામાંથી જંગી કમાણી કરતાં રાજ્યોમાં પંજાબ, હરિયાણા અને સિક્કિમ જેવાં રાજ્યો પણ આવે
કે જેમની કમાણી પાંચ-પાંચ હજાર કરોડ રૂપિયાની
આસપાસ છે.
તમિલનાડુમાં દારૂ સામાન્ય લોકો માટે પણ આશિર્વાદરૂપ છે. તમિલનાડુમાં તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કૉર્પોરેશન શરાબ બનાવે છે અને પોતાના સ્ટોર મારફતે વેચે છે. ફાઈવસ્ટાર હૉટલ હોય કે ખાનગી બાર હોય, બધાંએ તેની પાસેથી શરાબ ખરીદવો પડે. સરકારની પોતાની વિદેશી શરાબ બનાવવાની ૧૧, બીયર બનાવવાની ૭ અને વાઈન બનાવવાની ૧ ફેક્ટરી છે. આ ફેક્ટરીઓમાં એક લાખથી વધારે લોકો કામ કરે છે. હોલસેલ બિઝનેસ તથા સ્ટોરમાં લાખો લોકોને રોજગારી મળે છે તેથી તમિલનાડુમાં શરાબનું અર્થતંત્ર લાખો પરિવારોને નિભાવે છે ને બધી મળીને વરસે ૩૦ હજાર કરોડ રૂપિયાની કમાણી થાય છે.
બિહારમાં નીતીશે દારૂબંધી અપનાવી તેના કારણે ઘણાંની રોજગારી ગઈ હતી. આ નિર્ણય લેવાયો ત્યારે તેજસ્વી યાદવ તેમની સાથે જ હતો પણ પછી તેણે દારૂબંધીનો વિરોધ શરૂ કર્યો હતો. હવે ને ફરી સાથે છે ત્યારે નીતીશ ગુલાંટ મારે છે કે તેજસ્વી ગુલાંટ મારે છે એ જોવાનું રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.